દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, રાજધાની પાંચ વર્ષમાં સૌથી પ્રદૂષિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફટાકડા પર પ્રતિબંધોના સુપ્રીમના આદેશનો અમલ કરાવવામાં દિલ્હી પોલીસ નિષ્ફળ
- ખાનગી ડેટા મુજબ દિવાળીની રાત્રે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી ખતરનાક ૧૭૫૦ને પાર નોંધાયો
નવ દિલ્હી : વિશ્વના ૧૦૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ૯૯ ભારતના છે. રવિવારે દિવાળીના ફટાકડા ફૂટવા તેમજ ઉત્તર ભારતમાં પરાળી સળગાવવા વગેરે કારણોસર મોટાભાગના ટોચના શહેરોમાં હવા દુષિત થઇ ગઇ હતી. રવિવારે રાત્રે ૧૨ વાગ્યા બાદ દિલ્હી સૌથી પ્રદૂષિત શહેર હતું, ખાનગી વેબસાઇટના તારણ મુજબ રાત્રે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧૭૦૦ને પાર પહોંચી ગયો હતો. જ્યારે સરકારી આંકડા મુજબ દિલ્હી પાંચ વર્ષમાં દિવાળી બાદ સૌથી પ્રદૂષિત શહેર બન્યું હતું.
દિવાળીના ફટાકડા ફૂટવાને કારણે રાજધાની દિલ્હીમાં રાત્રે ૧ વાગ્યે એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧૭૬૦એ પહોંચ્યો હતો તેમ એક્યુઆઇ વેબસાઇટના ડેટામાં જણાવવામાં આવ્યું છે. સવારે છ વાગ્યા સુધી આ ઇન્ડેક્સ એક હજારને પાર રહ્યો હતો, એટલે કે રાત્રીના સમયે દિલ્હી ગેસ ચેમ્બર બની ગયું હતું. જોકે સોમવારે બપોર સુધીમાં ઘણો સુધારો થયો હતો અને ઇન્ડેક્સ ૨૫૩એ પહોંચ્યો હતો. દિવાળીની રાત્રીના ૧૨ વાગ્યા બાદ રાજધાની દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. જોકે સરકારી આંકડા મુજબ દિલ્હીનો ઇન્ડેક્સ સવારે ૧૦ વાગ્યે ૩૭૧ નોંધાયો હતો, જે ૨૦૨૧ બાદ દિવાળી પછી સૌથી ઉંચો માનવામાં આવે છે. પાકિસ્તાનનું લાહોર પણ ૧૦૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ કરાયું હતું.
એક્યુઆઇ વેબસાઇટ દ્વારા રીયલ ટાઇમ એર ક્વોલિટી મોનિટર કરવામાં આવી હતી. ભારતના ટોચના સૌથી પ્રદૂષિત ૧૦ શહેરોમાં દિલ્હી, ભટિંડા, ફરિદકોટ, રેવારી, શ્રીગંગાનગર, સિરસા, ભોપાલ, પ્રયાગરાજ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે ચારથી પાંચ રાજ્યોના મુખ્ય શહેરોમાં વધુ પ્રદૂષણ નોંધાયું હતું. પાકિસ્તાનની પ્રદૂષિત હવાઓને કારણે રાજસ્થાનના ગંગાનગરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૬૮૯એ નોંધાયું હતું. કેન્દ્રીય પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ સીપીસીબીના જણાવ્યા મુજબ એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૦૦ને પાર હોવાનો અર્થ થાય છે અત્યંત પ્રદૂષિત હવા. જોકે પ્રથમ વખત આટલુ પ્રદૂષણ નથી જોવા મળ્યું, આ પહેલા ૨૦૨૪માં પણ વિશ્વના ૧૦૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ૯૯ ભારતના હતા અને નવી દિલ્હી વિશ્વમાં સૌથી પ્રદૂષિત શહેર નોંધાયું હતું. નોંધનીય છે કે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા વેચવા, ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, માત્ર ચોક્કસ સમયગાળા સુધી જ ગ્રીન ફટાકડાની છૂટ અપાઇ હતી. જોકે આ આદેશનો યોગ્ય રીતે અમલ નહોતો થઇ શક્યો. રાત્રે ૧૦ વાગ્યા બાદ કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડવા નહીં તેવા આદેશનો અમલ કરવા માટે દિલ્હી પોલીસ આજીજી કરતી રહી જોકે તેમ છતા ખુલ્લેઆમ ફટાકડા ફૂટતા રહ્યા જેને કારણે પ્રદૂષણ ઘાતકી બન્યું અને અનેક લોકોનો જીવ જોખમમાં મુકાયો. બીજી તરફ પંજાબમાં દિવાળીના દિવસે જ સૌથી વધુ પરાળી સળગાવવામાં આવી હતી, દિવાળીએ આ સીઝનમાં બીજી વખત સૌથી વધુ પરાળી સળગાવવાની ૧૧૫૨ ઘટનાઓ નોંધાઇ હતી. જેને કારણે પણ પંજાબમાં પ્રદૂષણ ચરમ સીમાએ પહોંચ્યું હતું. ખાનગી વેબસાઇટના આંકડા મુજબ પંજાબના ભટિંડામાં દિવાળીની રાત્રે એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧૨૯૦એ પહોંચી ગયો હતો.
ભારતમાં ૧૦ વર્ષમાં ઝેરી હવાએ ૩૮ લાખ લોકોનો ભોગ લીધો
જીવતા રહેવા માટે શ્વાસ લેવો અત્યંત જરૂરી છે પરંતુ હવે ભારતમાં શ્વાસ લેવો જ જીવલેણ સાબીત થવા લાગ્યું છે.
સ્વીડનના કારોલિંસ્કા ઇન્સ્ટિટયૂટની એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૦૯થી ૨૦૧૯ દરમિયાન વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં ૩૮ લાખ લોકો મૃત્યુ પામ્યા છે. આ મૃત્યુનું મુખ્ય કારણ હવામાં હવામાં પીએમ ૨.૫ની માત્રા રાષ્ટ્રીય માનક ૪૦ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધુ હોવાનું સામે આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ પાંચ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની માત્રા જ સુરક્ષિત માનવામાં આવે છે. અત્યાર સુધી વાયુ પ્રદૂષણ મુખ્યત્વે મોટા શહેરોમાં જ જોવા મળતું હતું પરંતું હવે ભારતના નાના શહેરો સુધી પણ તે પહોંચી ગયું છે.




