બોંબથી ઉડાવવાની ધમકી : મુંબઈ-વારાણસી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી

Delhi Airport Bomb Threat : મુંબઈથી વારાણસી જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં વચ્ચે ઉડાન દરમિયાન બોમ્બની ધમકી મળી હતી, જેને પગલે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર હાઇઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ધમકી મળતાં જ વિમાનનું તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનની સંપૂર્ણ તપાસ કર્યા બાદ ધમકી અફવા સાબિત થઈ છે.
બોમ્બની ધમકી અફવા સાબિત
વિમાનમાં કુલ 182 મુસાફરો સવાર હતા, જે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. બોમ્બ નિરોધક દળ, CISF અને સ્થાનિક પોલીસની ટીમોએ વિમાનની ઝીણવટભરી તપાસ શરુ કરી હતી. ઍરપોર્ટના ડાયરેક્ટર પુનીત ગુપ્તાએ જણાવ્યું કે, વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. વિમાનને સુરક્ષિત જાહેર કરાયું છે અને ઍરપોર્ટનું સંચાલન સામાન્ય કરી દેવામાં આવ્યું છે.
ઍરપોર્ટ પર તપાસ બાદ ફરી ઓપરેશન કામગીરી શરુ
એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ ઘટનાની પુષ્ટિ કરી જણાવ્યું કે, અમારી ફ્લાઇટને ધમકી મળ્યા બાદ પ્રોટોકોલ મુજબ પોલીસ ટીમને બોમ્બ અંગે જાણ કરવામાં આવી હતી, જેમાં તમામ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા. તપાસ પૂર્ણ થયા બાદ વિમાનને ફરીથી ઓપરેશનલ કરવામાં આવ્યું છે. અધિકારીઓએ ધમકી આપનાર વ્યક્તિને ઝડપી પાડવા માટે તપાસ શરુ કરી દીધી છે.
આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ મામલે તપાસ એજન્સીઓને મોટી સફળતા, ઉમરની બીજી કાર મળી આવી

