Get The App

નાગ મિસાઈલથી માંડી તોપ સુધી... ત્રણેય સૈન્યને મળશે ઘાતક હથિયાર, 79000 કરોડ મંજૂર

Updated: Oct 23rd, 2025

GS TEAM

Google News
Google News
નાગ મિસાઈલથી માંડી તોપ સુધી... ત્રણેય સૈન્યને મળશે ઘાતક હથિયાર, 79000 કરોડ મંજૂર 1 - image


Defence Ministry News : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ ખરીદ પરિષદ (DAC)ની બેઠકમાં ભારતીય સશસ્ત્ર દળોને વધુ સશક્ત અને આધુનિક બનાવવાના ઉદ્દેશ્યથી 79,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હેઠળ ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. ‘ઑપરેશન સિંદૂર’ બાદ આવી ખરીદી કરવાનો આ બીજો મોટો નિર્ણય લેવાયો છે. અગાઉ પાંચમી ઓગસ્ટે 67,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ હતી. ખાસ વાત એ છે કે, આ પ્રસ્તાવિત ખરીદીમાં સ્વદેશી બનાવટ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાયું છે, જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે.

ભારતીય સેના માટે ખરીદાશે આ હથિયારો

ભારતીય નૌસેના માટે 'લેન્ડિંગ પ્લેટફોર્મ ડૉક્સ' (LPD)ની ખરીદી કરવામાં આવશે. આનાથી નૌસેના, સેના અને વાયુસેના સાથે મળીને જમીન અને પાણી પરના ઓપરેશન સરળતાથી પાર પાડી શકશે. LPD શાંતિ મિશન, માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરીમાં પણ મદદરૂપ થશે. આ ઉપરાંત, DRDO દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ એડવાન્સ્ડ લાઈટ વેઇટ ટોર્પિડો (ALWT)ની પણ ખરીદી કરાશે, જેનાથી દુશ્મનની સબમરીનને નિશાન બનાવી શકશે.

આ પણ વાંચો : દિલ્હીમાં પ્રદૂષણને ડામવા કૃત્રિમ વરસાદ વરસાવવાની તૈયારી, મેરઠ પહોંચ્યું વિશેષ એરક્રાફ્ટ

નાગ મિસાઇલ સિસ્ટમની ખરીદીને પણ મંજૂરી

આ ઉપરાંત સેના માટે ટ્રેક કરેલ 'નાગ મિસાઇલ સિસ્ટમ Mk-II' (NAMIS)ની ખરીદીને મંજૂરી મળી છે. આ મિસાઈલોનો ઉપયોગ દુશ્મનના વાહનો-બંકરોને નિષ્ક્રિય કરવામાં ઉપયોગ થશે. સેના માટે ‘ગ્રાઉન્ડ બેઝ્ડ મોબાઇલ ઈએલઆઇએનટી સિસ્ટમ’ (GBMES) પણ ખરીદાશે, જે દુશ્મન તરફથી આવતા ઇલેક્ટ્રોનિક સંકેતોની ગુપ્ત માહિતી સતત પૂરી પાડશે.

ખરીદીમાં સ્વદેશી પર વિશેષ ધ્યાન

ભારતીય વાયુસેના માટે લાંબા અંતર લક્ષ્યનો વિનાશ કરતી સિસ્ટમ (CLRTS/DS)ને મંજૂરી મળી છે. આ સિસ્ટમમાં ઓટોમેટિક ટેક-ઓફ, લેન્ડિંગ અને લક્ષ્ય પર પેલોડ પહોંચાડવાની ક્ષમતા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આ તમામ ખરીદીઓ માટે ખાસ સ્વદેશી પર ભાર મૂકવામાં આવ્યો છે અને તેનાથી દેશના સશસ્ત્ર દળોની લડાયક ક્ષમતામાં ઘણો સુધારો થશે.

આ પણ વાંચો : માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, મધ્ય પ્રદેશમાં કાર્બાઈડ ગનને કારણે 14 બાળકોએ આંખો ગુમાવી

Tags :