દિલ્હીમાં પ્રદૂષણને ડામવા કૃત્રિમ વરસાદ વરસાવવાની તૈયારી, મેરઠ પહોંચ્યું વિશેષ એરક્રાફ્ટ

Delhi Artificial Rain : રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR)માં પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે હવે 'કૃત્રિમ વરસાદ' (ક્લાઉડ સીડિંગ)નો સહારો લેવામાં આવશે. આ બહુપ્રતિક્ષિત પહેલને લઈને એક મોટી અપડેટ સામે આવીછે. ક્લાઉડ સીડિંગને અંજામ આપવા માટેનું એક વિશેષ વિમાન કાનપુરથી મેરઠ જવા માટે રવાના થઈ ચૂક્યું છે.
આગામી 72 કલાકમાં થઈ શકે છે કૃત્રિમ વરસાદ
સૂત્રોના જણાવ્યા અનુસાર, વાદળોની અનુકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આવતીકાલથી લઈને આગામી ત્રણ દિવસ (72 કલાક)માં ગમે ત્યારે ક્લાઉડ સીડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. આ સમગ્ર ઓપરેશનને ગુપ્ત રાખવામાં આવશે અને સફળતા મળ્યા બાદ જ તેની સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવશે.
કેવી રીતે કરવામાં આવશે આ 'કૃત્રિમ વરસાદ'?
કૃત્રિમ વરસાદ કરાવવા માટે 'પાઇરોટેકનિક' નામની એક વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે ખાસ તૈયાર કરાયેલા વિમાનના બંને પાંખોની નીચે 8થી 10 'પાઇરોટેકનિક ફ્લેયર્સ' (કેમિકલ ભરેલા પોકેટ) લગાવવામાં આવ્યા છે. જ્યારે વિમાન વાદળોની નીચે પહોંચશે, ત્યારે તેમાં રહેલા બટનને દબાવીને આ પોકેટમાં રાખેલા કેમિકલ્સને બ્લાસ્ટ કરવામાં આવશે. આ ફ્લેયર્સ નીચેથી ઉપરની તરફ જઈને વાદળો સાથે પ્રતિક્રિયા કરશે, જેનાથી ઘનીકરણ (Condensation)ની પ્રક્રિયા ઝડપી બનશે અને વરસાદ પડશે. આ ક્લાઉડ સીડિંગની અસર લગભગ 100 કિલોમીટરની રેન્જમાં અનુભવાવાની સંભાવના છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો દિલ્હી-NCRના લાખો લોકોને પ્રદૂષણમાંથી મોટી રાહત મળી શકે છે.

