માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, મધ્ય પ્રદેશમાં કાર્બાઈડ ગનને કારણે 14 બાળકોએ આંખો ગુમાવી

Madhya Pradesh 'Carbide Gun' News : દર વર્ષે દિવાળી પર ફટાકડાનો નવો ટ્રેન્ડ આવે છે, પરંતુ આ વર્ષનો ક્રેઝ જીવલેણ સાબિત થયો છે. બાળકોમાં "કાર્બાઇડ ગન" અથવા "દેશી ફટાકડા ગન" તરીકે લોકપ્રિય બનેલો આ નવો ફટાકડો માતા-પિતા અને ડોક્ટરો માટે એક દુઃસ્વપ્ન બની ગયો છે. મધ્યપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસમાં આ 'ગન'ના કારણે 122થી વધુ બાળકો આંખની ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ થયા છે, જેમાંથી 14 બાળકોએ કાયમ માટે તેમની આંખોની રોશની ગુમાવી દીધી છે.
શું છે આ જીવલેણ 'કાર્બાઇડ ગન'?
આ કોઈ રમકડું નથી, પરંતુ એક દેશી બનાવટનો વિસ્ફોટક છે. તેને પ્લાસ્ટિક કે ટીનના પાઇપનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેમાં કેલ્શિયમ કાર્બાઇડ, ગનપાઉડર અને દીવાસળીના માથાનો વિસ્ફોટક મિશ્રણ ભરવામાં આવે છે. તેમાં એક કાણું પાડીને આગ ચાંપતા જબરદસ્ત વિસ્ફોટ થાય છે. ડોક્ટરોના મતે, આ વિસ્ફોટથી ધાતુના ટુકડા અને કાર્બાઇડની વરાળ સીધી આંખોમાં પ્રવેશે છે, જે આંખની કીકી (pupil) અને રેટિનાને બાળી નાખે છે, જેના કારણે કાયમી અંધાપો આવે છે.
પીડિતોની દર્દનાક કહાણી
ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 17 વર્ષની નેહાએ રડતા-રડતા કહ્યું, "અમે એક દેશી કાર્બાઇડ ગન ખરીદી હતી. જ્યારે તે ફૂટી, ત્યારે મારી એક આંખ સંપૂર્ણપણે બળી ગઈ. હું કંઈપણ જોઈ શકતી નથી." અન્ય એક પીડિત, રાજ વિશ્વકર્માએ કહ્યું, "મેં સોશિયલ મીડિયા પર વીડિયો જોયા હતા અને ઘરે જ ફટાકડાની બંદૂક બનાવવાનો પ્રયાસ કર્યો. તે મારા ચહેરા પર જ ફાટી... અને મેં મારી આંખ ગુમાવી દીધી."
સોશિયલ મીડિયાએ ફેલાવ્યો ટ્રેન્ડ
આ ખતરનાક ટ્રેન્ડ પાછળનું મુખ્ય કારણ ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ છે. "ફટાકડા ગન ચેલેન્જ" (#FirecrackerGunChallenge) નામના ટેગ સાથેના વીડિયો વાયરલ થયા છે, જેમાં કિશોરો લાઇક્સ અને વ્યૂઝ માટે આ બંદૂકો ચલાવતા જોવા મળે છે.
તંત્રની નિષ્ફળતા અને કાર્યવાહી, સૌથી વધુ અસરગ્રસ્ત વિદિશા જિલ્લામાં
સરકારે ઓક્ટોબરે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, સ્થાનિક બજારોમાં આ 'ગન' ખુલ્લેઆમ ₹150થી ₹200માં વેચાઈ રહી હતી. ઘટનાઓની ગંભીરતાને જોતા, વિદિશા પોલીસે હવે ગેરકાયદેસર રીતે આ ઉપકરણો વેચવા બદલ છ લોકોની ધરપકડ કરી છે. ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરની હોસ્પિટલોના આંખના વોર્ડ આ ખતરનાક 'રમકડા'થી ઘાયલ થયેલા બાળકોથી ભરાઈ ગયા છે.

