કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ: ઓપરેશન સિંદૂર પર ચર્ચા પહેલા શશી થરૂરે કેમ લીધું 'મૌન વ્રત'?
Indian politics 2025 : લોકસભામાં આજે 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા થવાની છે. આ ચર્ચાની શરુઆત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરશે. છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. લોકસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ વતી રાહુલ ગાંધી, ગૌરવ ગોગોઈ, પ્રિયંકા ગાંધી, દીપેન્દ્ર હુડા, પરિણીતી શિંદે, શફી પરમ્બિલ, મણિકમ ટાગોર અને રાજા બરાડ પોતાનો પક્ષ રજૂ કરશે. કોંગ્રેસના શશી થરૂર પાર્ટી વતી આ ચર્ચામાં ભાગ નહીં લે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, તેમણે સ્વેચ્છાએ આ ચર્ચામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર
શશી થરૂરના કોંગ્રેસ સાથેના સંબંધો
કોંગ્રેસના વક્તાઓની યાદીમાં શશિ થરુરનું નામ ન હોવાના પ્રશ્ન પર થરૂરે સંસદ પરિસરમાં માત્ર એટલું જ કહ્યું, 'મૌન વ્રત...મૌન વ્રત...' એ પછી ચર્ચાઓનું બજાર ગરમ છે કે, શું થરૂરે પોતે ચર્ચામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો કે પછી તેમને બોલવાની તક નથી આપવામાં આવી. હકીકતમાં થરૂર 'ઓપરેશન સિંદૂર' પર ભારતનો પક્ષ રજૂ કરવા માટે વિદેશ પ્રવાસે ગયા ત્યારથી જ તેમના વિશે રાજકીય અટકળો લગાવવામાં આવી રહી છે. વિશ્વના વિવિધ દેશોમાં મોકલવામાં આવેલા સાત પ્રતિનિધિમંડળોમાંથી એકનું નેતૃત્વ થરુરે કર્યું હતું. એ સમયે એવા સમાચાર આવ્યા હતા કે, કોંગ્રેસ નેતૃત્વ તેમના કાર્યથી ખુશ નથી.
કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, સરકારે આ પ્રતિનિધિમંડળોમાં જવા માટે ચાર નામો માંગ્યા હતા, જે સંદર્ભે ચાર નામો સરકારને આપવામાં આવ્યા હતા. પરંતુ સરકારે તે નામોને અવગણીને શશી થરૂર અને સલમાન ખુર્શીદ વગેરેને પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા. જેના કારણે કોંગ્રેસ વધુ ગુસ્સે થઈ ગઈ.
સ્વદેશ પરત ફર્યા બાદ પણ, થરૂર અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો સામાન્ય ન થયા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ થરૂરનું નામ લીધા વિના કહ્યું કે, કેટલાક લોકો માટે મોદી પહેલા છે અને દેશ પછી. ખડગેનું આ નિવેદન થરૂરના સરકાર પ્રત્યેના વલણ વિશે હતું.
આ પણ વાંચો: લોકસભા-રાજ્યસભામાં હોબાળો યથાવત્, સદનની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત
વહેલા મોડા થરુર ભાજપમાં જોડાઈ શકે છે, રાજકીય વર્તુળોમાં ચર્ચા
રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો ચાલી રહી છે કે, વહેલા મોડા શશી થરૂર ભાજપમાં જોડાઈ જશે. જોકે, ભાજપ કે શશિ થરૂરે અત્યાર સુધી આ અંગે કંઈ કહ્યું નથી. પરંતુ એવી સંભાવના લાગી રહી છે કે, કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા થરૂર ભાજપમાં જોડાઈ શકે છે. એટલે જ્યારે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાનો મુદ્દો આવ્યો, ત્યારે થરૂરનું નામ વક્તાઓમાં હશે કે નહીં તે અંગેની પણ અટકળો શરૂ થઈ ગઈ. પરંતુ હવે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, તેના તરફથી ચર્ચામાં કોણ ભાગ લેશે. થરૂરનું નામ આ વક્તાઓમાં નથી.