Get The App

ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર 1 - image


Operation Mahadev In Srinagar: પહલગામ આતંકી હુમલામાં સંડોવાયેલા આતંકવાદી સંગઠનના આતંકીઓ ઠાર થયા હોવાના અહેવાલ મળ્યા છે. શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં ટીઆરએફના ત્રણ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓ અથડામણમાં ઠાર થયા છે. જે પહલગામ આતંકી હુમલામાં સામેલ હોવાની આશંકા છે. જો કે, હજી સત્તાવાર ખાતરી થઈ નથી.

જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફનું આ સંયુક્ત ઓપરેશન હજી ચાલુ છે. આ ઓપરેશનને ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું છે. લિડવાસ વિસ્તારમાં હજુ વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. દાછીગામ જંગલના ઉપલા ભાગમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ક્ષેત્ર શ્રીનગરને ત્રાલ સાથે જોડે છે. જેે શ્રીનગરનો બાહ્ય વિસ્તાર છે. સુરક્ષાદળોએ સ્થાનિકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.



આતંકવાદી જૂથે લીધી હતી જવાબદારી

પહલગામ આતંકી હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે(ટીઆરએફ) લીધી હતી. લશ્કર-એ-તૈયબાના આ આતંકી જૂથના અમુક આતંકવાદીઓનું દાછીગામ નેશનલ પાર્ક મુખ્ય ઠેકાણું ગણાય છે. જ્યાં સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે ઓપરેશન મહાદેવ હાથ ધર્યું છે. કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ બૈસરન ખીણ પર ટીઆરએફના આતંકવાદીઓએ ધર્મ પૂછી 26 નિર્દોષોની હત્યા કરી હતી. ત્યારબાદથી ભારત અને આતંકવાદીઓને આશરો આપી રહેલા પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. 

ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. 'ઓપરેશન મહાદેવ' આજે સવારે 11 વાગ્યે શરુ થયું હતું. સર્વેલન્સ માટે ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ આતંકવાદી જૂથના વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા સાથે મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ઠાર મરાયેલા ત્રણ આતંકીઓના નામ : 

1. યાસીર 

2. અબુ હમઝા 

3. સુલેમાન

ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર 2 - image

Tags :