India

વહુએ મારી નજર સામે જ દીકરાની છાતી પર કૂદકા માર્યા! સોફ્ટવેર એન્જિનિયરની હત્યા બાદ માતાનું હૈયાફાટ રુદન

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના નિહાલ વિહારમાં નોઇડાની Adobe કંપનીના સોફ્ટવેર એન્જિનિયર વિનય ગુપ્તા (31)ની તેની પત્નીના પરિવારજનો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. પત્ની રેખાના 6 સભ્યોએ ઘરે આવી, વિનયને બેડ પર પાડી ગળું દબાવી, છાતી પર કૂદી અને પેટમાં લાતો મારી મોતને ઘાટ ઉતાર્યો. પરિવારે CCTV બંધ કરવાનો અને પૂર્વઆયોજિત ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વહુએ મારી નજર સામે જ દીકરાની છાતી પર કૂદકા માર્યા! સોફ્ટવેર એન્જિનિયરની હત્યા બાદ માતાનું હૈયાફાટ રુદન

Delhi Software Engineer Murder : દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. નોઇડાની એડોબ (Adobe) કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા 31 વર્ષીય વિનય ગુપ્તાની તેમની પત્નીના પરિવારજનો દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. વિનયના માતાએ આઘાત સાથે જણાવ્યું કે, પત્નીના સગાંઓ ઘરે આવતાં તેમણે મહેમાન સમજીને સ્વાગત કર્યું હતું. માતા જ્યારે તેમને પાણી આપવા ગયા ત્યારે પત્નીના ભાઈઓ અને અન્ય સભ્યોએ વિનયને બેડ પર પાડી દીધો હતો. તેના ગળા પર હાથ મૂકી, છાતી પર કૂદીને અને પેટમાં લાતો મારીને તેની હત્યા કરી નાખી હતી.

પ્લાનિંગ કરીને હુમલો કરવાનો પરિવારનો આક્ષેપ

વિનયની બહેને આક્ષેપ કર્યો છે કે આ એક પૂર્વઆયોજિત ષડયંત્ર હતું. સવારે સામાન્ય ઘરેલું બોલાચાલી થયા બાદ પત્ની રેખા ઘરની બહાર નીકળી ગઈ હતી. તે માત્ર 10 મિનિટમાં જ પોતાના પરિવારના 6 સભ્યોને લઈને પાછી આવી હતી. જ્યારે તેનું સાસરું 30 મિનિટ દૂર આવેલું છે. આટલી ઝડપથી સગાંઓનું પહોંચી જવું જ દર્શાવે છે કે આ હુમલો અગાઉથી આયોજિત હતો. હત્યા કરતા પહેલાં પત્નીએ ઘરના CCTV કેમેરા પણ બંધ કરી દીધા હોવાનો આક્ષેપ વિનયના પરિવારે લગાવ્યો છે.

કેન્સર પીડિત પિતા અને વૃદ્ધ માતા અસહાય બન્યા

જ્યારે વિનય પર હુમલો થઈ રહ્યો હતો ત્યારે તેના કેન્સર પીડિત પિતા અને માતાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હુમલાખોરોએ વૃદ્ધ પિતા અને માતાને ધક્કો મારીને એક તરફ ફેંકી દીધા હતા. વિનયના માતા-પિતાનો તે એકમાત્ર પુત્ર હતો. તેને હોસ્પિટલ લઈ જવાય તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. 3.5 વર્ષ પહેલાં લગ્નગ્રંથિથી જોડાયેલા વિનયના પરિવારમાં હવે તેની પત્ની અને માત્ર 2 મહિનાના જોડિયા બાળકો રહી ગયા છે.

પોલીસ તપાસ અને આરોપીઓની અટકાયત

આ ઘટના બાદ દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને હત્યા કેસમાં સામેલ 4 આરોપીઓની અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય 1 આરોપી હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને તમામ પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાયદાકીય તપાસ શરૂ કરી દીધી છે.