'એક કરોડ આપો તો જ...', પિતા પાસે રહેવા દીકરીની વિચિત્ર માગથી સુપ્રીમ કોર્ટ ચોંકી
Supreme Court: સુપ્રીમ કોર્ટમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જેમાં એક બાળકીએ પિતા સાથે રહેવા માટે એક કરોડ રુપિયાની માંગ કરતાં કોર્ટ પણ ચોંકી ગઈ છે. બાળકીની કસ્ટડીને લઈને સુપ્રીમ કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. તેમા બાળકીની નાણાંકીય માંગના કારણે સુપ્રીમ કોર્ટ પણ ચોંકી અને બાળકીની માતાની આકરી ઝાટકણી કાઢીને તેને ચેતવણી આપી હતી.
સુપ્રીમ કોર્ટે માતાને લગાવી ફટકાર
સુપ્રીમ કોર્ટે બાળકીના આ વલણને લઈને તેની માતાને ચેતવણી આપતા જણાવ્યું કહ્યું કે, 'તમે બાળકીની માનસિકતા બગાડી રહ્યા છો અને ભવિષ્યમાં તે તમને જ નુકસાન કરશે.' સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર ગવઈ અને કે. વિનોદની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. બાળકીના પિતાના વકીલે જણાવ્યું હતું કે, નીચલી કોર્ટે બાળકીની કસ્ટડી પિતાને આપી હતી, પરંતુ માતાએ હજી સુધી બાળકીને પિતાના હવાલે કરી નથી.
આ પણ વાંચોઃ બિહારની જેમ દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે, ચૂંટણીપંચનો આદેશ જાહેર
સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો
તેમણે જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં પણ આ મામલાને પડકારવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત પિતાએ હાઇકોર્ટમાં માતાએ કોર્ટનો તિરસ્કાર કર્યાનો કેસ કર્યો હતો તે પણ ફગાવી દેવામાં આવ્યો. હવે આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.
બાળકીએ પિતા પર કર્યો હુમલો
સુનાવણી દરમિયાન પિતાના વકીલે કોર્ટને જણાવાયું હતું કે, બાળકીએ કોર્ટના આદેશને અવગણીને પિતા સાથે જવાનો ઈનકાર કર્યો અને કહ્યું કે, મારી માતાને હેરાન કરી રહ્યા છો અને તમે મારી માતા સામે કેસ કર્યો છે. આ સિવાય બાળકીએ પોતાના પિતા પર દંડાથી હુમલો કર્યો હતો. બાળકીની માતાએ શાળાના દસ્તાવેજોમાંથી પણ બાળકીના પિતાનું નામ દૂર કરી દીધું છે.
આ પણ વાંચોઃ હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધ્યું, સંસદમાં પ્રસ્તાવ મંજૂર
કોર્ટે માતાને આપી ચેતવણી
ત્યાર બાદ, કોર્ટે માતાને આકરી ચેતવણી આપી છે કે તમે તમારા છૂટાછેડાના કેસમાં બાળકીને બિનજરુરી રીતે ખેંચી રહ્યા છો. ભવિષ્યમાં આ તમને જ ભારે પડશે. કોર્ટે છેવટે બંને પક્ષોની સંમતિથી આ મામલો મીડિએશન માટે મોકલી આપ્યો છે.