ફક્ત કફ સિરપ જ નહીં પણ બેદરકારીથી આપેલી આ દવાઓ પણ બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે!
Cough Syrup : રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપના પીવાથી બાળકોના મોતની ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં આક્રોશ અને ભયનું વાતાવરણ છે. બાળકોને શરદી-ખાંસી થવા પર મોટા ભાગે માતા-પિતા ડૉક્ટરની સલાહ લીધા વિના કફ સિરપ આપી દેતા હોય છે. પરંતુ જે રીતે કફ સિરપ બાળકો માટે ઘાતક બની ગયું છે, જેથી લોકો વિચારવા મજબુર બન્યા છે કે, શું આ આદત જીવલેણ બની શકે છે. હાલની ઘટનાઓ જોતાં લોકો એવું માની રહ્યા છે કે, બાળકોને કફ સિરપ ન આપવી જોઈએ. જો કે, ડૉક્ટરની સલાહ વિના બાળકોને આપવામાં આવે તો માત્ર કફ સિરપ જ નહીં, પરંતુ અન્ય દવાઓ પણ ખતરનાક સાબિત થઈ શકે છે.
બાળકોને કોઈપણ દવા આપતા પહેલા હંમેશા ડૉક્ટરની સલાહ લેવી
આની પાછળનું કારણ એ છે કે, બાળકો અને મોટાઓના શરીરમાં દવાઓની અસરો અને રિએક્શન અલગ અલગ હોય છે. જે દવા મોટા લોકો માટે માટે ફાયદાકારક હોય છે, તેજ દવા બાળકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. બાળકોમાં દવાઓની આડઅસરો પુખ્ત વયના લોકોની તુલનામાં વધુ ગંભીર હોઈ શકે છે. જેથી કરીને કોઈપણ બીમારી માટે બાળકને કોઈપણ દવા આપતા પહેલા હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પછી ભલે તે કુદરતી કે હર્બલ દવાઓ હોય.
આ પણ વાંચો: પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર, ઈરાન એરપોર્ટથી બંધક બનાવી 80 લાખ પડાવ્યાં
આ આર્ટિકલમાં અમે તમને કેટલીક દવાઓ વિશે જણાવીશું જે તમારે તમારા બાળકોને ન આપવી જોઈએ. બાળકોને જે દવાઓથી દૂર રાખવા જોઈએ, તેમા ખાસ કરીને એસ્પિરિન અને એન્ટિબાયોટિક્સ આપવાનું ટાળવું જોઈએ.
કેમ એસ્પિરિન ન આપવી જોઈએ
- માથાના દુખાવા, દાંતના દુખાવા અને માસિકધર્મના દુખાવો માટે એસ્પિરિનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય લોકો શરદી, તાવ અને ભારે તાવમાં પણ એસ્પિરિન લે છે, અને એસ્પિરિનને એસિટિલસાલિસિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે.
- બાળકોને (12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો) એસ્પિરિન આપવાથી રેય સિન્ડ્રોમ નામની ગંભીર બીમારી થઈ શકે છે, જે લીવર અને મગજને નુકસાન પહોંચાડે છે.
- ખાસ કરીને એસ્પિરિનનો ઉપયોગ વાયરલ ચેપ દરમિયાન કરવાથી તેનું જોખમ વધી જાય છે. જેથી ડૉક્ટર ન કહે ત્યાં સુધી તમારા બાળકોને એસ્પિરિન અથવા તેના જેવી અન્ય કોઈપણ દવાઓ આપવાનું ટાળો.
- એસ્પિરિનનો ઉપયોગ ક્યારેક 'સેલિસીલેટ' અને 'એસિટિલસાલિસિલિક એસિડ' તરીકે પણ થાય છે, તેથી દવા ખરીદતાં પહેલા હંમેશા લેબલને કાળજીપૂર્વક વાંચો.
- તમારા બાળકને તાવ અથવા અન્ય બીમારીઓ માટે એસિટામિનોફેન અથવા આઇબુપ્રોફેન આપતાં પહેલા ડૉક્ટરને પૂછો.
એસિટામિનોફેન ક્યારે ન આપવી
- 3 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને ન આપો.
- જો બાળકને લીવરનો રોગ હોય તો એસિટામિનોફેન આપવું ખતરનાક સાબિત થઈ શકે છે.
- જો બાળક પહેલાથી જ અન્ય OTC (ઓવર-ધ-કાઉન્ટર) દવાઓ લઈ રહ્યું હોય તો પણ એસિટામિનોફેન આપતાં પહેલા ડૉક્ટરની સલાહ લો.
આઇબુપ્રોફેન ક્યારે ન આપવી જોઈએ
- 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને ન આપવી જોઈએ.
- અન્ય કોઈપણ દવા સાથે આઇબુપ્રોફેન આપતાં પહેલા હંમેશા ડૉક્ટરની સલાહ લો.
શરદીની દવા કેમ ન આપવી જોઈએ?
- અમેરિકન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ(AAP)ના જણાવ્યા પ્રમાણે 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ડૉક્ટરની સલાહ વિના ઉધરસ કે શરદીની દવા ન આપવી જોઈએ.
- આ દવાઓ સામાન્ય રીતે આ ઉંમરે રાહત આપતી નથી.
- વધુ પડતો ડોઝ હાનિકારક સાબિત થઈ શકે છે.
- શરદીની દવાઓ બાળકોમાં સાઇડ ઇફેક્ટ પેદા કરી શકે છે, જેમાં વધુ પડતી ઊંઘ, પેટ ખરાબ થવું, ફોલ્લીઓ અથવા એલર્જીક પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે.
- આ દવાની ગંભીર આડઅસરો પણ થઈ શકે છે, જેમ કે હૃદયના ધબકારા એકાએક વધી જવા, હાર્ટએટેક અથવા કોઈ ગંભીર કિસ્સાઓમાં મૃત્યુ પણ થઈ શકે છે.
એન્ટિબાયોટિક્સની આડઅસરો
એન્ટિબાયોટિક્સ માત્ર બેક્ટેરિયલ ચેપ માટે કામ કરે છે.
વાયરલ ચેપ (શરદી, ફ્લૂ) માટે તેમને આપવાનું અયોગ્ય છે અને એન્ટિબાયોટિક રેજિસ્ટેંસ વધવાનું જોખમ વધારે છે.
હર્બલ અથવા નેચરલ દવાઓ
કેટલાક લોકોનું માનવું છે કે, આ સંપૂર્ણપણે સલામત છે.
પરંતુ આ બાળકોમાં એલર્જી અથવા સાઇડ ઇફેક્ટ પણ પેદા કરી શકે છે.
માતાપિતાએ આ સાવચેતીઓ રાખવી
બાળકોને હંમેશા તેમની ઉંમર અને વજન પ્રમાણે દવા આપવી જોઈએ. હંમેશા બાળકોને દવા આપતાં પહેલા ડૉક્ટરની સલાહ લો.
કોઈપણ દવા આપતાં પહેલા લેબલ અને ડોઝ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો.
જો તમને ખૂબ તાવ, ઉલટી અથવા ત્વચા પર ફોલ્લીઓ જેવા અસામાન્ય લક્ષણો જોવા મળે તો તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.