22 દિવસમાં 16 વખત ડાયાલિસિસ, 13 લાખનું બિલ બન્યું, બે વર્ષની દીકરીની વાત સાંભળી પિતા ભાંગી પડ્યા
Coldrif Syrup Case: બે વર્ષની યોજિતા ઠાકરેએ હોસ્પિટલમાં પોતાના પિતાને કહ્યું હતું કે, 'પપ્પા, મને ઘરે લઈ જાઓ...' છિંદવાડાની આ બાળકીએ 22 દિવસ સુધી હોસ્પિટલમાં સંઘર્ષ કર્યો, 16 વખત ડાયાલિસિસ કરાવ્યું, લાખો રૂપિયા ખર્ચ્યા અને આખરે જિદંગીની જંગ હારી ગઈ. પિતા સુશાંત ઠાકરેએ પોતાની દીકરીની સારવાર પાછળ 13 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા, બધુ દાવ પર લગાવી દીધું.
પપ્પા, મને ઘરે લઈ જાઓ
'પપ્પા, મને ઘરે લઈ જાઓ...' આ એ જ શબ્દો હતા, જે સાંભળીને સુશાંત ઠાકરે ભાંગી પડ્યા હતા. આ બે વર્ષની દીકરી યોજિતાનો અવાજ હતો, નબળી, થાકેલી, છતાં આશાથી ભરેલી. પરંતુ તે ક્ષણે સુશાંતને ખબર નહોતી કે આ તેની દીકરીની છેલ્લી વાતચીત હશે. છિંદવાડાની એક ખાનગી શાળામાં શિક્ષક સુશાંત ઠાકરેની આંખોમાં આંસુ છે. તેમણે કહ્યું કે, મેં 13 લાખ રૂપિયા ખર્ચ્યા, દિવસ-રાત દોડતો રહ્યો પરંતુ મારી દીકરીને ન બચાવી શક્યો. સરકાર હવે 4 લાખ રૂપિયા આપી રહી છે, પણ મારી દીકરી તો હવે પાછી નહીં આવે ને.'
આ માત્ર એક પિતાની જ પીડા નથી, પરંતુ એક સિસ્ટમની રાહ અને આશાની કહાની છે - જે 22 દિવસ સુધી નાગપુરની એક હોસ્પિટલમાં દરેક શ્વાસ સાથે તૂટતી રહી.
બે વર્ષની યોજિતા ઠાકરેની રમતા-રમતા વખતે અચાનક તબિયત લથડી ગઈ. 8 સપ્ટેમ્બરના રોજ સાંજે તેને ખૂબ તાવ આવ્યો. તેના પિતા સુશાંત તેને ડૉક્ટર ઠાકુર પાસે લઈ જવા માગતા હતા, જેમની પાસેથી તેઓ નિયમિત સારવાર લેતા હતા. પરંતુ ડૉક્ટર તે દિવસે ક્લિનિકમાં નહોતા. મજબૂરીમાં સુશાંત તેને નજીકના ડૉક્ટર પ્રવીણ સોની પાસે લઈ ગયો. તેમણે કેટલીક દવાઓ આપી અને ચાર ટાઈમ દવા લેવાની સલાહ આપીને ઘરે મોકલી દીધી.
રાત તો ગમે તેમ પસાર થઈ ગઈ પણ સવારે એક નવી સમસ્યા ઊભી હતી. તાવ થોડો ઓછો થયો, પણ યોજિતાને સતત ત્રણ વખત લીલા રંગની ઉલટી કરી. સુશાંત ગભરાઈ ગયો. તે તરત જ તેની દીકરીને ફરીથી ડૉ. સોની પાસે લઈ ગયો. આ વખતે ડૉક્ટરે વિલંબ કર્યા વિના કહી દીધું કે, 'બાળકીની કિડનીમાં ઈન્ફેક્શન છે. તેને તાત્કાલિક નાગપુર લઈ જાઓ. અહીં સારવાર શક્ય નથી.'
સુશાંતે એક પણ ક્ષણ બગાડ્યા વિના દીકરીને લઈને નાગપુર જવા રવાના થયો. ડૉ. સોનીએ જે હોસ્પિટલનું નામ આપ્યું હતું, ત્યાં તેમને કહેવામાં આવ્યું કે અહીં ડાયાલિસિસની સુવિધા નથી. ત્યારબાદ તેણે દીકરીને તાત્કાલિક નેલ્સન હોસ્પિટલમાં દાખલ કરાવી.
આ પણ વાંચો: ઝેરી કફ સિરપથી 10 રાજ્યોમાં ફફડાટ મધ્ય પ્રદેશનો મૃત્યુઆંક 16ને પાર
અહીંથી શરૂ થઈ 22 દિવસની સૌથી મુશ્કેલ લડાઈ. નેલ્સન હોસ્પિટલમાં સતત યોજિતાની સારવાર ચાલતી રહી. 22 દિવસમાં 16 વખત ડાયાલિસિસ કરવામાં આવ્યું. દરેક વખતે જ્યારે મશીન ચાલતું ત્યારે તેના પિતાના હૃદયના ધબકારા વધતા હતા. દરેક પસાર થતા દિવસ સાથે ડૉક્ટર કહેતા, આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે અને દર 24 કલાક બાદ બિલમાં બીજું પાનું ઉમેરાતું હતું.
22 દિવસમાં લગભગ 13 લાખનું બિલ
નેલ્સન હોસ્પિટલનું બિલ 12 લાખની ઉપર પહોંચી ગયું. એક પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવતા સુશાંત માટે આ રકમ અશક્ય હતી. પરંતુ દીકરી માટે તેમણે શક્ય તમામ પ્રયાસ કર્યા. તેના ભાઈએ તેની ફિક્સ ડિપોઝિટ તોડી નાખી. મિત્રો અને સંબંધીઓએ મદદ કરી. શાળાના સાથી શિક્ષકોએ તેમના પગારનો કેટલોક હિસ્સો આપ્યો. તેમણે સોશિયલ મીડિયા પર ક્રાઉડફંડિંગ પણ કરી, જેમાં મુંબઈ સ્થિત એક NGOએ 1 લાખ રૂપિયાની સહાયતા કરી.
આ પણ વાંચો: ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર
પડોસીઓ, સંબંધીઓ અને આખો મહોલ્લો તેની પડખે ઉભા હતા, બધા યોગિતાના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા કે તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરે. પરંતુ 22 દિવસના સંઘર્ષ પછી, 4 ઓક્ટોબરની સવારે તે ક્ષણ આવી જેણે બધું બદલી નાખ્યું.
જ્યારે ડૉક્ટરે કહ્યું- હવે કંઈ ન થઈ શકે
સુશાંતે જણાવ્યું કે, વહેલી સવારે ડૉક્ટરે કહ્યું કે તેની કિડની ફેલ થઈ ગઈ છે. અમે તેને જોઈ પણ નથી શકતા, મશીનોમાં તેનો નાનો ચહેરો શોધી રહ્યા હતા. અને પછી તે ચૂપચાપ જતી રહી. ઓરડામાં સન્નાટો હતો. યોજિતાની માતા બેભાન થઈ ગઈ. સુશાંત પોતાની દીકરીનો નાનો હાથ પકડીને બેઠો હતો- જે હવે ઠંડી પડી ગઈ હતી. 'પપ્પા, મને ઘરે લઈ જાઓ...' આ શબ્દો તેના જીવનનો સૌથી ગુંજતો અવાજ બની ગયા છે.
4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત
વહીવટીતંત્રએ હવે યોજિતાના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. સુશાંત કહે છે, 'મારી દીકરીના જીવનની કિંમત પૈસાથી ન લગાવી શકાય. હું ઈચ્છું છું કે, આ બેદરકારીની તપાસ થાય જેના કારણે આ બન્યું. જો તેને સમયસર સારવાર અને યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત, તો મારી દીકરી આજે પણ જીવતી હોત. જો ડૉક્ટરોએ શરૂઆતમાં ગંભીરતા દાખવી હોત, અથવા મને હોસ્પિટલની સાચી માહિતી આપી હોત, તો મારી દીકરીને બચાવી શકાઈ હોત.'
એ સવાલ જે હજુ પણ જવાબ માગે છે
શું શરૂઆતની સારવારમાં કોઈ બેદરકારી થઈ હતી? શું ડોક્ટરોએ સમયસર યોગ્ય સલાહ નહોતી આપી? કેમ એક નાના શહેરમાં બાળકોના ગંભીર ઈલાજની સુવિધા નથી? આ પ્રશ્નોના જવાબો હજુ પણ અસ્પષ્ટ છે. પરંતુ યોજિતાની વાર્તાએ ફરી એકવાર સિસ્ટમના એ દુઃખદ સત્યને ઉજાગર કર્યું છે જ્યાં સારવાર પૈસા સાથે જોડાયેલી હોય છે, અને સમય સારવાર કરતાં વધુ ઝડપથી ભાગે છે. યોજિતા હવે નથી રહી. તેના પિતા સુશાંત ઠાકરે હવે દરેક માતાપિતા માટે અવાજ ઉઠાવવા માગે છે જેમના બાળકો આવી બેદરકારીનો ભોગ બને છે. તેમનું કહેવું છે કે, હું ઈચ્છું છું કે, આવી ભૂલ અન્ય કોઈ સાથે ન થાય. દોષીતોને સજા મળવી જોઈએ. દરેક બાળકને સમય પર સારવાર મળવી જોઈએ.
જિલ્લામાં કિડની ફેલ્યરનો સતત વધી રહ્યો ખતરો
તાજેતરમાં છિંદવાડામાં કિડની ફેલ્યરથી ઘણા બાળકોના મોતના મામલા સામે આવ્યા છે. યોજિતાનો કેસ પણ આનો જ ભાગ હોવાનું માનવામાં આવે છે. વહીવટીતંત્રે તપાસનો આદેશ આપ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા.