સંરક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય, 1.05 લાખ કરોડ રૂપિયાના સ્વદેશી સંરક્ષણ સોદાઓને મંજૂરી આપી
Make In India Defence : ભારતીય સેનાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયની યોજાયેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. મંત્રાલયે 1.05 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ આધુનિકીકરણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. 'ઓપરેશન સિંદૂર' બાદ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની પહેલી બેઠક યોજાઈ છે, જેમાં આ નિર્ણય લેવાયો છે. પ્રોજેક્ટમાં ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ, આર્મર્ડ રિકવરી વ્હીકલ્સ અને ટ્રાઈ-સર્વિસિઝ માટે ઈન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ સામેલ છે.
‘મેક ઇન ઈન્ડિયા' સંરક્ષણ નિર્માતાને પ્રોત્સાહન
દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે મૂરડ માઈન્સ, માઈન કાઉન્ટર મેજર વેસલ્સ, સુપર રેપિડ ગન માઉન્ટ અને સબમર્સિબલ ઓટોનોમસ વેસલ્સ ખરીદવા મંજૂરી આપી દીધી છે. બેઠકમાં મેક ઈન ઈન્ડિયા સંરક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. મંત્રાલયે કહ્યું કે, સ્વદેશી ડિઝાઈન અને નિર્માણને પ્રોત્સાહન આપવા માટે આ મંજૂરી આપવામાં આવી છે.
સંરક્ષણ ઉત્પાદનમાં ઐતિહાસિક રેકોર્ડ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં જ CIIની વાર્ષિક બેઠકમાં કહ્યું હતું કે, ભારતનું સંરક્ષણ ઉત્પાદન હવે 1.46 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સંરક્ષણ ઉત્પાદન 10-11 વર્ષ પહેલા 43000 કરોડ રૂપિયા હતું, જે હવે ચાર ગણું વધુ ગયું છે. 10 વર્ષ પહેલા સંરક્ષણ નિકાસ 600-700 કરોડ રૂપિયા હતી, જે 2024-25માં વધીને 24000 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. તેમાં પ્રાઈવેટ સેક્ટરની 32000 કરોડ રૂપિયાથી વધુની ભાગીદારી છે.
MSME મજબૂત થયું, રોજગાર વધ્યો
રાજનાથ સિંહે કહ્યું કે, ‘સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા 16000થી વધુ MSME આપણી આત્મનિર્ભરતાને મજબૂત કરી રહ્યા છે અને લાખો લોકોને રોજગારી આપી રહ્યા છે.
આ પણ વાંચો : જિમમાં કસરત કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક, વજન ઓછું કરવાના ચક્કરમાં ગયો જીવ!