Get The App

'મોન્થા' વાવાઝોડાને લઈને આંધ્રથી લઈને તમિલનાડુ સુધી રેડ ઍલર્ટ, PM મોદીએ CM નાયડુ સાથે કરી વાત

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
'મોન્થા' વાવાઝોડાને લઈને આંધ્રથી લઈને તમિલનાડુ સુધી રેડ ઍલર્ટ, PM મોદીએ CM નાયડુ સાથે કરી વાત 1 - image


Cyclone Montha: બંગાળની ખાડીમાં વિકસિત થઈ રહેલા ચક્રવાત 'મોન્થા'એ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. IMD મુજબ, આ ચક્રવાતી વાવાઝોડું (હાલની ગતિ 90-100 kmph) આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે, જે 28 ઑક્ટોબરની સાંજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. તેની અસરથી ચેન્નાઈમાં હળવા ઝાપટાં શરુ થઈ ગયા છે, જે ધીમે ધીમે તીવ્ર બની શકે છે. IMD અનુસાર, મોન્થા ચક્રવાતી તોફાનને કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં 27થી 30 ઑક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતની તીવ્રતા વધવાની સંભાવનાને કારણે ભારતીય સેના હાઇ ઍલર્ટ પર છે.

PM મોદીએ આંધ્રપ્રદેશના CM સાથે વાત કરી

મોન્થા વાવાઝોડાંને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી અને વાવાઝોડા વિશે પૂછપરછ કરી હતી. માહિતી ટૅક્નોલૉજી મંત્રી નારા લોકેશને પ્રધાનમંત્રી કાર્યાલય(PMO) સાથે સંકલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

તમિલનાડુના 4 જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટ

ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં બનેલા મોન્થા વોવાઝોડાના કારણે તમિલનાડુના ચાર ઉત્તરીય દરિયાકાંઠાના જિલ્લા ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને રાનીપેટ માટે ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે, તેથી લોકોએ સાવચેત રહેવાની અને ઘરમાં રહેવાની જરૂર છે.

28 ઑક્ટોબરની સવારે મોન્થા વાવાઝોડામાં ફેરવાશે

ભારતીય હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે છેલ્લા છ કલાકમાં વાવાઝોડું 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. સોમવારે સવારે, હવામાન નિષ્ણાતોએ આગાહી કરી હતી કે આગામી 12 કલાકમાં વાવાઝોડું દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાંથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે, પછી ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ વળશે. 28 ઑક્ટોબરની સવાર સુધીમાં તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જવાની શક્યતા છે. ત્યારબાદ 28 ઑક્ટોબરની સાંજે કે રાત્રે કાકીનાડા નજીક માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.

ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ

28-29 ઑક્ટોબરના રોજ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હોવાથી IMDએ રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ઉખડી જવાનો અને પૂરનો ખતરો છે, તેથી માછીમારોને 29 ઑક્ટોબર સુધી સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે. આંધ્રના 9 જિલ્લામાં રેડ ઍલર્ટ છે, જ્યારે તમિલનાડુ અને ઓડિશાના બાકીના વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ લાગુ કરાયું છે. પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.

લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

રાજ્યોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. આંધ્ર પ્રદેશમાં કાકીનાડા અને કોનાસિમાના 34 ગામોમાંથી 6000થી વધુ લોકોને (જેમાં 428 ગર્ભવતી મહિલાઓ સહિત) સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે અને વેસ્ટ ગોદાવરીમાં 27-28 ઑક્ટોબરના રોજ શાળાઓ બંધ રહેશે. ઓડિશાના મલકાનગિરિ, કોરાપુટ સહિત 8 દક્ષિણી જિલ્લાઓને રેડ ઝોન જાહેર કરાયા છે અને ત્યાં વાવાઝોડા આશ્રયસ્થાનો બનાવાયા છે. NDRF અને SDRF ટીમો તૈનાત છે, વિભાગના લોકોની રજાઓ રદ થઈ છે અને જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

બંગાળની ખાડી ઉપર બનેલું હવાનું હળવું દબાણનું ક્ષેત્ર મજબૂત બન્યું છે અને ધીમે ધીમે પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. IMD અનુસાર, આ ચક્રવાતી તોફાન 28 ઑક્ટોબરની સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ જવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે 28 ઑક્ટોબરની રાત્રે 100 કિમી/કલાકની ઝડપે પવન સાથે આ ગંભીર ચક્રવાત આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે. મોન્થા વાવાઝોડાના કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં 27થી 30 ઑક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને ભારતીય સેના હાઇ ઍલર્ટ પર છે.

હાલમાં વાવાઝોડું ક્યાં છે?

ચેન્નાઈથી 600 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, કાકીનાડા(આંધ્ર)થી 680 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ, વિશાખાપટ્ટનમથી 710 કિમી દૂર, પોર્ટ બ્લેયરથી 790 કિમી પશ્ચિમ, ગોપાલપુર(ઓડિશા)થી 850 કિમી દક્ષિણમાં હાલ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. 

આ પણ વાંચો: ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બિહાર ચૂંટણી પહેલા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી

આ સ્થળોએ વાવાઝોડાની અસર જોવા મળશે

તમિલનાડુમાં, આંધ્ર પ્રદેશમાં કાકીનાડા, વિશાખાપટ્ટનમ, મછલીપટ્ટનમ, પુડુચેરી અને ઓડિશાના દરિયાકાંઠે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. IMD એ કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડમાં આજે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આલપ્પુઝા, એર્નાકુલમ, ઇડુક્કી, ત્રિસૂર, પલક્કડ, મલપ્પુરમ અને વાયનાડ માટે યલો ઍલર્ટ જાહેર છે. આ સાથે જ, માછીમારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ 29 ઑક્ટોબર સુધી તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પુડુચેરી અને ઓડિશાના દરિયાકાંઠાની સાથે-સાથે દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીમાં ન જાય.

ઓડિશામાં ચક્રવાતી તોફાનનું ઍલર્ટ, 128 ટીમો તૈનાત

ઓડિશા સરકારે રવિવારથી સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાનું શરુ કરી દીધું છે અને આઠ જિલ્લાઓમાં 128 NDRF ટીમો તૈનાત કરી છે. વાવાઝોડું આંધ્રમાં ટકરાશે, પરંતુ ઓડિશાના 15 જિલ્લાઓ પ્રભાવિત થશે. મલકાનગિરિ, કોરાપુટ સહિત આઠ જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ અને તેજ પવનો માટે 'રેડ ઍલર્ટ' જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને 30 ઑક્ટોબર સુધી તમામ સરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે.

'મોન્થા' વાવાઝોડાને લઈને આંધ્રથી લઈને તમિલનાડુ સુધી રેડ ઍલર્ટ, PM મોદીએ CM નાયડુ સાથે કરી વાત 2 - image

Tags :