વાવાઝોડાને લઈને ઓડિશામાં હાઈ એલર્ટ! બિહાર, બંગાળ અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી

Odisha Cyclone Alert: બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લૉ પ્રેશરને કારણે ચક્રવાતી વાવાઝોડાનું જોખમ વધતાં ઓડિશામાં રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27 ઓક્ટોબરથી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે. આ વાવાઝોડાની અસર માત્ર ઓડિશા પૂરતી સીમિત નહીં રહે. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ આજથી લઈને આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.
માછીમારોને 26 ઓક્ટોબરથી દરિયો ન ખેડવાની સલાહ
હવામાન વિભાગે આ અંગે વિશેષ ચેતવણી જાહેર કરતા કહ્યું કે, રવિવારથી દક્ષિણ 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ શરૂ થઈ શકે છે. ઓડિશામાં 27, 28 અને 29 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ થશે. માછીમારોને 26 ઓક્ટોબરથી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ
"ઓડિશા વાવાઝોડા માટે તૈયાર છે" – મંત્રી સુરેશ પૂજારી
રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ ખાતરી આપતા કહ્યું કે, 'રાજ્ય 22 કે 29 ઓક્ટોબરે આવનારા વાવાઝોડા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આરોગ્ય, જળ સંસાધન, ઊર્જા અને કૃષિ વિભાગો પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે. ઓડિશા પૂર, નદીઓના ઉછાળા અને ચક્રવાત જેવી કુદરતી આફતો પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. સ્થાનિક વહીવટીતંત્ર, ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં, રાહત કેન્દ્રો, સ્થળાંતર અને આવશ્યક પુરવઠાની વ્યવસ્થા કરી ચૂક્યું છે. અમે લોકોને ગભરાયા વિના સહયોગ કરવા વિનંતી કરીએ છીએ.'
દિલ્હીમાં તાપમાન ગગડ્યું, હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં યથાવત્
હવામાનમાં સતત ઉતાર-ચઢાવ વચ્ચે દિલ્હીમાં હવે તાપમાનમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. શનિવારે લઘુત્તમ તાપમાન શુક્રવારની સરખામણીમાં વધુ નીચે નોંધાયું હતું, જોકે હવાની ગુણવત્તા (Air Quality) હજી પણ 'ખરાબ' શ્રેણીમાં જળવાયેલી છે.
આ પણ વાંચોઃ મુંબઈથી કાનપુર જઈ રહેલી ફ્લાઈટમાં ખામી, લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ન ખુલ્યા દરવાજા
AQI 292 પર પહોંચ્યો
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, શનિવારે સાંજે 4 વાગ્યે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 292 એટલે કે 'ખરાબ' શ્રેણીમાં નોંધાયો હતો, જે શુક્રવારના 275 કરતાં વધુ છે.
હવામાન વિભાગ મુજબ, શનિવારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.3 ડિગ્રી ઓછું 16.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.2 ડિગ્રી વધુ 32.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હવામાં ભેજનું પ્રમાણ 94 થી 38 ટકાની વચ્ચે રહ્યું. વર્ષ 2023માં ઓક્ટોબર મહિનામાં લઘુત્તમ તાપમાન 15.9 ડિગ્રી સેલ્સિયસ સુધી ગયું હતું.

