રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ

- વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલનો બર્લિનમાં બળાપો
- ભારત પણ રોસનેફ્ટની સહાયક કંપની સાથે ક્રૂડ ઓઈલની ખરીદી કરતું હોવાનો દાવો કરી ગોયલે બ્રિટિશ મંત્રીની બોલતી બંધ કરી
બર્લિન : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી મુદ્દે અમેરિકા અને યુરોપના બેવડા ધોરણોની ભારતે આકરી ઝાટકણી કાઢી હતી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ જ્યારે ભારત પર જંગી ટેરિફ મુદ્દે સવાલ ઉઠાવીને પશ્ચિમી દેશોની બોલતી બંધ કરી દીધી હતી. તેમણે સવાલ કર્યો હતો કે, રશિયાના ઊર્જા સંશાધનો ખરીદવા માટે જર્મની-ઈંગ્લેન્ડને છૂટ આપવામાં આવતી હોય તો ભારત સામે શા માટે પગલાં લેવાઈ રહ્યા છે?
રશિયા-યુક્રેન યુદ્ધના પગલે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આકરા પગલાં લેતા ૨૫ ટકા ટેરિફ નાંખીને કુલ ટેરિફ ૫૦ ટકા કરી નાંખ્યા છે અને વધુ ટેરિફ નાંખવાની ધમકી આપી છે. આવા ંસજોગોમાં જર્મનીની રાજધાની બર્લિનમાં આયોજિત બર્લિન ડાયલોગ સંમેલનમાં પીયુષ ગોયલે ઈંગ્લેન્ડના વાણિજ્ય મંત્રી ક્રિસ બ્રાયન્ટ અને પત્રકારો સાથે ચર્ચા કરી હતી.
પીયુષ ગોયલે કહ્યું કે, મેં અખબારમાં વાંચ્યું કે, જર્મનીએ રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી બદલ અમેરિકા પાસે પ્રતિબંધોથી છૂટની માગ કરી છે જ્યારે ઈંગ્લેન્ડને તો પહેલાથી જ છૂટ મળી ગઈ છે. તો પછી ભારતને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે?
ગોયલના સવાલના જવાબમાં બ્રિટિશ મંત્રી બ્રાયન્ટે કહ્યું કે, ઈંગ્લેન્ડને અપાયેલી અમેરિકન છૂટ માત્ર રોસનેફ્ટની એક વિશેષ સહાયક કંપની માટે છે. આટલું સાંભળતા જ ગોયલે તુરંત પલટવાર કરતા કહ્યું, અમારી પાસે પણ રોસનેફ્ટની સહાયક કંપની જ છે. તો પછી ભારતને જંગી ટેરિફની ધમકી શા માટે? આ સવાલનો બ્રાયન્ટ કોઈ જવાબ આપી શક્યા નહોતા.
ભારતે રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી બદલ દંડ સ્વરૂપે અમેરિકાએ નાંખેલા ટેરિફને શરૂઆતથી જ અયોગ્ય, અન્યાયપૂર્ણ અને અવ્યવહારુ ગણાવ્યા છે. પીયૂષ ગોયલે ભારતની સ્વતંત્ર વેપાર નીતિ પર ભાર મૂકતા કહ્યું કે, ભારત કોઈપણ દબાણ અથવા સમય મર્યાદામાં સમજૂતી નહીં કરે. ભારતને વેપાર સમજૂતી કરવાની કોઈ ઉતાવળ નથી. કોઈને ટેરિફ નાંખવા હોય તો ભલે નાંખે. અમે નવા બજારોની શોધ કરીશું, ઘરેલુ માગ મજબૂત કરીશું અને લાંબાગાળાની નીતિઓ વિકસાવીશું.
તેમણે ઉમેર્યું કે, ભારતની આર્થિક રણનીતિનો આશય આગામી ૨૦-૨૫ વર્ષમાં ૩૦ લાખ કરોડ ડોલરનું અર્થતંત્રન બનવાનો છે. ભારતના બધા જ વ્યાપારિક સંબંધો રાષ્ટ્રીય હિતોના આધારે નિશ્ચિત થાય છે. દબાણ કે માથા પર બંદૂક રાખીને કોઈ વેપાર કરાર થઈ શકે નહીં. આ રીતે જોઈએ તો કાલે કોઈ અમને કહેશે તમે યુરોપ સાથે સંબંધ ના રાખો, કેન્યા સાથે વેપાર ના કરો તો તે અમારા માટે સ્વીકાર્ય નથી. વેપાર સમજૂતી માત્ર ટેરિફ અથવા બજાર પહોંચ સુધી મર્યાદિત નથી. પરંતુ તે વિશ્વાસ અને સંબંધો પર આધારિત છે.

