India

ઓક્ટોબરમાં ક્રૂડ-ગેસનો આયાત ખર્ચ 60 ટકા વધી 16 અબજ ડોલરે પહોંચ્યો

By GS Team
22 Nov 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી : ભારત માટે વિદેશમાંથી ક્રૂડ ઓઈલની આયાત મોંઘી થઈ રહી છે. ઓક્ટોબરમાં ભારતનું ક્રૂડ ઓઈલ અને ગેસ આયાતનું બિલ ૬૦ ટકા વધીને ૧૬ અબજ ડોલરે પહોંચી ગયું હતું. પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ આવતા પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ (પીપીએસી)ના અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે ભારતના ક્રૂડ આયાત બિલમાં વધારો થયો હતો. ઓક્ટોબર ૨૦૨૫માં દેશનું નેટ ક્રૂડ આયાત બિલ ૧૦ અબજ ડોલર હતું. બીજીબાજુ ઓક્ટોબરમાં દેશમાં એલપીજીનો વપરાશ ઘટયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓક્ટોબરમાં ક્રૂડ-ગેસનો આયાત ખર્ચ 60 ટકા વધી 16 અબજ ડોલરે પહોંચ્યો

નવી દિલ્હી : ભારત માટે વિદેશમાંથી ક્રૂડ ઓઈલની આયાત મોંઘી થઈ રહી છે. ઓક્ટોબરમાં ભારતનું ક્રૂડ ઓઈલ અને ગેસ આયાતનું બિલ ૬૦ ટકા વધીને ૧૬ અબજ ડોલરે પહોંચી ગયું હતું. પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ આવતા પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ (પીપીએસી)ના અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે ભારતના ક્રૂડ આયાત બિલમાં વધારો થયો હતો. ઓક્ટોબર ૨૦૨૫માં દેશનું નેટ ક્રૂડ આયાત બિલ ૧૦ અબજ ડોલર હતું. બીજીબાજુ ઓક્ટોબરમાં દેશમાં એલપીજીનો વપરાશ ઘટયો હતો.
પીપીએસીના રિપોર્ટ મુજબ ભારતે ઓક્ટોબરમાં સરેરાશ પ્રતિ બેરલ ૧૨૪.૭૭ ડોલરના ભાવથી બ્રેન્ટ ક્રૂડની આયાત કરી હતી, જે એક વર્ષ અગાઉ સમાન સમય કરતાં લગભગ બમણો ભાવ હતો. ઓક્ટોબર ૨૦૨૫માં ક્રૂડનો ભાવ ૬૪.૭૫ ડોલર હતો જ્યારે સપ્ટેમ્બર ૨૦૨૬માં ક્રૂડ ઓઈલનો સરેરાશ ભાવ ૧૧૬.૭૭ ડોલર હતો. ક્રૂડ ઓઈલમાં ભાવવધારાની સીધી અસર ભારતના ઈમ્પોર્ટ બિલ પર પડી છે. ઓક્ટોબર ૨૦૨૬માં ભારતીય બાસ્કેટના ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત પ્રતિ બેરલ ૧૧૯.૯૧ ડોલર હતી, જે એક વર્ષ પહેલાં ૬૫.૦૮ ડોલર હતી.
ઓક્ટોબરમાં ભારતે ૨.૩૩ કરોડ ટન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી, જે ગયા વર્ષના સમાન સમય કરતાં ૧૧ ટકા વધુ છે, પરંતુ આ ખરીદી પરનો ખર્ચ ૧૦.૪ અબજ ડોલરથી વધીને ૧૯.૫ અબજ ડોલર થઈ ગયો હતો.
ભારતે ઓક્ટોબરમાં એલએનજીની આયાત પર ૧.૩ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. બીજીબાજુ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસથી દેશને ૬.૩ અબજ ડોલરની આવક થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે ઓઈલ અને ગેસનું નેટ આયાત બિલ વધીને ૯૭.૭ અબજ ડોલર થઈ ગયું, જે ગયા વર્ષે સમાન સમયમાં ૭૦.૩ અબજ ડોલર હતું. આ સમયમાં જથ્થાની દૃષ્ટિએ ક્રૂડ ઓઈલની આયાત ૨.૭ ટકા વધી, પરંતુ તેના પર ૧૧૧ અબજ ડોલરનો ખર્ચ થયો હતો, જે એક વર્ષ પહેલા ૭૨.૩ અબજ ડોલર હતો. જોકે, આ સમયમાં દેશમાં એલપીજીના વપરાશમાં ઘટાડો નોંધાયો હતો. ઓક્ટોબરમાં રાંધણ ગેસ (એલપીજી)નો કુલ વપરાશ એક વર્ષ અગાઉના સમયની સરખામણીમાં ૧૨.૩ ટકા ઘટયો હતો. એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે તેમાં ૧૫.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઘરેલુ એલપીજી ગ્રાહકોની સંખ્યા પણ ઘટી છે. એક એપ્રિલે દેશમાં ૩૩.૪ કરોડ એક્ટિવ ઘરેલુ એલપીજી ગ્રાહક હતા, જે એક નવેમ્બર સુધી ઘટીને ૩૨.૬ કરોડ રહી ગયા. ક્રૂડ ઓઈલની આયાત માટે ભારતની વિદેશો પર નિર્ભરતા ઘણી વધુ છે. ઓક્ટોબરમાં ક્રૂડ ઓઈલની ૮૮.૭ ટકા જરૂરિયાત આયાતથી પૂરી થઈ હતી. પ્રાકૃતિક ગેસ માટે આયાત પર નિર્ભરતા ૫૨.૮ ટકા રહી. સરકારી કંપનીઓનું ઘરેલુ એલપીજીનું વેચાણ ૧૧.૮ ટકા અને જથ્થાબંધ એલપીજીનું વેચાણ ૪૯.૧ ટકા ઓછું થયું છે. જોકે, ઓટો એલપીજીના વેચાણમાં ૨૩.૯ ટકાનો વધારો થયો હતો.