શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ કેસ: મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માગ કરતી હિન્દુ પક્ષની અરજી ફગાવી
Image: IANS |
Allahabad High Court: મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદના મામલે મોટી અપડેટ સામે આવી છે. હિન્દુ પક્ષની અરજીને હાઇકોર્ટે નકારી દીધી છે. કોર્ટે મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરતી અરજી નામંજૂર કરી દીધી છે. જેને હિન્દુ પક્ષ માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે.
2 ઑગસ્ટે થશે આગળની સુનાવણી
જણાવી દઈએ કે, જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની સિંગલ બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. હાલ, તેમની તરફથી સુનાવણીની આગળની તારીખ આપવામાં આવી છે. હવે 2 ઑગસ્ટ, 2025ના દિવસે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ યુપીમાં શાળાના પહેલા દિવસે જ 12 વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય મોત, સાયલન્ટ એટેક કારણ?
હિન્દુ પક્ષના વકીલે શું કહ્યું?
આ મામલે હિન્દુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે, 'હાઇકોર્ટમાં 5 માર્ચ, 2025ના દિવસે મથુરા સ્થિત શાહી ઇદગાહ મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે 23 મેના દિવસે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી અને કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો, જે આજે સંભળાવવામાં આવ્યો. અમે હાઇકોર્ટ સામે કહ્યું હતું કે, ત્યાં પહેલાં મંદિર હતું. ત્યાં મસ્જિદ હોવાનો કોઈ પુરાવો આજ સુધી શાહી ઇદગાહ મસ્જિદ પક્ષમાં કોર્ટમાં રજૂ નથી કરી શકી. એવામાં તેને મસ્જિદ કેમ કહેવામાં આવે? તેને વિવાદિત માળખું જાહેર કરવું જોઈએ, જેવી રીતે કોર્ટે અયોધ્યા કેસમાં પોતાનો નિર્ણય સંભળાવતા પહેલાં બાબરી મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું હતું, તે જે પ્રકારે શાહી ઇદગાહ મસ્જિદને પણ વિવાદિત માળખું જાહેર કરવું જોઈએ.'
શું છે વિવાદ?
નોંધનીય છે કે, આ આખો વિવાદ મથુરાના કટાવ કેશવ દેવની 13.37 એકર જમીન પર છે, જેમાં મંદિર અને મસ્જિદ બંને બનેલી છે. મળતી માહિતી મુજબ, કુલ જમીનમાં 11 એકર જમીન પર શ્રીકૃષ્ણ જન્મભૂમિ છે અને બાકીની જમીન પર ઇદગાહ હોવાનો દાવો છે. હિન્દુ પક્ષ આખી જમીનને શ્રીકૃષ્ણની જમીન જણાવે છે અને મુસ્લિમ પક્ષ આ વાતનો ઇન્કાર કરે છે.
હિન્દુ પક્ષ અનુસાર, 1670માં ઔરંગઝેબે શ્રીકૃષ્ણ જન્મસ્થાન પર બનેલા મંદિરને તોડીને શાહી ઇદગાહ મસ્જિદ બનાવી હતી. વળી, મુસ્લિમ પક્ષે આ દવાને નકારી દીધો હતો. આજે અલ્હાબાદ હાઇકોર્ટે હિન્દુ પક્ષની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, અમે તેને વિવાદિત માળખું જાહેર નહીં કરી શકીએ.