યુપીમાં શાળાના પહેલા દિવસે જ 12 વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય મોત, સાયલન્ટ એટેક કારણ?
Representative image |
Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પ્રતિષ્ઠિત સેન્ટ એન્થોની સ્કૂલમાં 12 વર્ષીય વિદ્યાર્થી અખિલ પ્રતાપ સિંહનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નીપજ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ઉનાળાના વેકેશન પછી શાળા ખુલવાના પહેલા દિવસે મંગળવારે (પહેલી જુલાઈ) અખિલ સંપૂર્ણપણે સ્વસ્થ સ્થિતિમાં શાળાએ પહોંચ્યો હતો. પરંતુ શાળાના ગેટ પાસે પહોંચતા જ તે ઢળી પડ્યો હતો.
નાની ઉંમરે સાયલન્ટ એટેક?
અહેવાલો અનુસાર, મંગળવારે (પહેલી જુલાઈ) સવારે અખિલ તેના પિતા સાથે કારમાં શાળાએ આવ્યો હતો. કારમાંથી ઉતરીને બેગ લઈને શાળાના ગેટ તરફ જતાની સાથે જ તે અચાનક બેભાન થઈ ગયો. શાળા પ્રશાસન અને અન્ય સ્ટાફે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટનામાં સાયલન્ટ એટેકને સંભવિત કારણ ગણવામાં આવી રહ્યું છે, જો કે, તબીબી દૃષ્ટિકોણથી આટલી નાની ઉંમરે આવું થવું અત્યંત દુર્લભ છે.
આ મામલે જિલ્લા હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડૉ. રાજેશ કુશવાહાએ જણાવ્યું હતું કે, 'હવે એવું જોવા મળી રહ્યું છે કે નાના બાળકોમાં પણ કેટલીક આંતરિક સમસ્યાઓ જોવા મળી રહી છે. અખિલને કઈ સ્વાસ્થ્ય સમસ્યા હોઈ શકે છે તે તપાસનો વિષય છે. સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ કરવા માટે વિગતવાર તબીબી તપાસ જરૂરી છે.'
સ્કૂલમાં એક દિવસની રજા જાહેર
12 વર્ષીય અખિલ પ્રતાપ સિંહના મૃત્યુથી સેન્ટ એન્થોની સ્કૂલમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્કૂલ પ્રશાસને શોક વ્યક્ત કર્યો છે અને એક દિવસની રજા જાહેર કરી છે. સાથે જ લોકો આ અણધારી ઘટના પાછળના કારણો વિશે પણ અનુમાન લગાવી રહ્યા છે. એક સ્વસ્થ બાળકે શાળામાં આવતાની સાથે જ પોતાનો જીવ કેવી રીતે ગુમાવ્યો? આ પ્રશ્ન દરેકના મનમાં છે. આ ઘટના માત્ર એક પરિવાર માટે ન ભરવાપાત્ર નુકસાન નથી, પરંતુ સમાજ માટે એક ચેતવણી પણ છે કે બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવું કેટલું મહત્ત્વપૂર્ણ છે, ભલે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ દેખાય.
સાયલન્ટ એટેક શું છે?
ઉલ્લેખનીય છે કે, સાયલન્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે અને તેના કારણો વિશે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. ડૉક્ટરના મતે, સાયલન્ટ એટેકમાં હાર્ટ એટેક આવે છે પરંતુ તેના લક્ષણો દેખાતા નથી અથવા સમજી શકાતા નથી. સાયલન્ટ એટેકના સંકેતો સમજી શકતા નથી, તેથી લોકો ધ્યાન આપતા નથી કે તેમને સાયલન્ટ એટેક અથવા હાર્ટ એટેક આવ્યો છે.