સરહદ ભલે એક હતી, પરંતુ દુશ્મન 3 હતા, ચીને તેના હથિયાર ટેસ્ટ કર્યા: ઓપરેશન સિંદૂર મુદ્દે સેનાના ઉપ પ્રમુખનું નિવેદન
Image Source: Twitter
Operation Sindoor: પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય આર્મી ફોર્સે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં આતંકી ઠેકાણો પર હુમલો કર્યો હતો. હવે ભારતીય સૈન્યના વરિષ્ઠ અધિકારી લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે દાવો કર્યો છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત એક રીતે ત્રણ શત્રુ દેશો સાથે લડી રહ્યું હતું. પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ચીન પાકિસ્તાનને લાઇવ અપડેટ્સ આપી રહ્યું હતું. આ ઉપરાંત તુર્કીયે પણ તેની મદદ કરી રહ્યું હતું. આ રીતે ભારતીય સેના એક સરહદ પર ત્રણ શત્રુ દેશો સાથે લડી રહી હતી. ડેપ્યુટી આર્મી ચીફ રાહુલ સિંહે FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, ચીન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને લાઇવ અપડેટ્સ આપી રહ્યું હતું. આ રીતે, ચીન પાકિસ્તાનને સંપૂર્ણ મદદ કરી રહ્યું હતું અને તેણે કોઈ કસર ન છોડી.
સરહદ એક હતી પરંતુ શત્રુ 3 હતા
નવા યુગની મિલિટ્રી ટૅક્નોલૉજી વિષય પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે, 'આપણી પાસે સરહદ એક હતી, પરંતુ શત્રુ બે હતા અને વાસ્તવમાં ત્રણ હતા. પાકિસ્તાન સામે હતું અને ચીન પાછળથી તેને તમામ મદદ કરી રહ્યું હતું. પાકિસ્તાન પાસે જે હથિયારો છે તેમાંથી 81% હથિયાર તો ચીનના જ છે. આ રીતે, ચીને અન્ય હથિયારો સામે પોતાના હથિયારોનું ટેસ્ટિંગ પણ કરી લીધું. આ રીતે ચીન માટે પોતાના હથિયારોના ટેસ્ટિંગના હેતુથી એક લાઇવ લેબ બની ગઈ. આવી જ રીતે તુર્કીયેએ પણ પાકિસ્તાનને પોતાની રીતે સંપૂર્ણ મદદ કરી. જ્યારે DGMO લેવલની ચર્ચા થઈ રહી હતી, ત્યારે પાકિસ્તાનને સંપૂર્ણ અપડેટ્સ ચીન તરફથી મળી રહ્યા હતા.'
આપણી એર ડિફેન્સ સિસ્ટમને વધુ મજબૂત કરવી પડશે
લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે કહ્યું કે, 'આપણી પાસે એક મજબૂત એર ડિફેન્સ રહેવી જ જોઈએ જેથી આપણે પાકિસ્તાન અને ચીનના જોખમનો એક સાથે સામનો કરી શકીએ. સંપૂર્ણ ઓપરેશન દરમિયાન હવાઈ સુરક્ષા કેવી રહી તે મહત્ત્વપૂર્ણ છે. આ વખતે આપણા નાગરિકોને વધારે નુકસાન ન થયું, પરંતુ આપણે આપણી એર ડિફેન્સ સિસ્ટમને વધુ મજબૂત કરવી પડશે.' તેમણે આ દરમિયાન ભારતીય સેનાની પ્રશંસા કરી અને કહ્યું કે, 'આપણે પાકિસ્તાનમાં ખૂબ જ સટીકતા સાથે હુમલા કર્યા અને એ જ ઠેકાણાને ટાર્ગેટ કર્યા, જ્યાંથી આતંકવાદીઓને ટ્રેનિંગ મળી રહી હતી.'
આ પણ વાંચો: અમે જીત્યાં તો બાંગ્લાદેશમાં તાલીબાનીઓ જેવું શાસન, શરિયત કાયદો લાવીશું: કટ્ટરપંથી સંગઠન
લીડરશિપનો મેસેજ હતો- પીડા સહન કરવાની જરૂર નથી, જવાબ આપીશું
તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂરમાંથી આપણને કેટલીક શીખ પણ મળી છે. નેતૃત્વ તરફથી અમને સ્પષ્ટ સંદેશ હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, આપણે જે પીડા સહન કરી છે તેને ભૂલવાની જરૂર નથી. આવું આપણે થોડા વર્ષો પહેલાં કરતાં હતા. ડેટાના આધાર પર અમે ટાર્ગેટ નક્કી કર્યા અને પછી યોજના બનાવીને હુમલા કર્યા. આ માટે અમે ટૅક્નોલૉજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો. અમે કુલ 21 ટાર્ગેટની જાણકારી મેળવી અને અમે તેમાંથી 9ને નિશાન બનાવ્યા. એટલું જ નહીં અમે છેલ્લી ઘડીએ નક્કી કર્યું કે કયા 9 સ્થળોને ટાર્ગેટ કરવાના છે.