ભારતમાં ફરી કોરોનાએ માથુ ઊંચક્યું? આંધ્રદેશમાં 2 લોકોના મોત બાદ એલર્ટ, 8 એક્ટિવ કેસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Corona Virus Cases Andhra Pradesh : શું કોરોના વાયરસ ભારતમાં ફરી એકવાર પગપેસારો કરી રહ્યો છે? આ સવાલ એટલે ઊભો થયો છે કારણ કે આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં કોવિડ-19 ના કેસ ફરી સામે આવ્યા છે. અહીં બે દર્દીઓના મોત થયા બાદ સ્વાસ્થ્ય વિભાગે એલર્ટ થઈને તૈયારીઓ તેજ કરી દીધી છે.
બે વ્યક્તિના મોત
સૌથી પહેલા રાજમપેટના એક 52 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેઓ કોરોના પોઝિટિવ હતા. ત્યારબાદ કડપ્પા શહેરના એક 43 વર્ષીય વ્યક્તિનું પણ કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સિવાય કડપ્પા મેડિકલ કોલેજના એક 25 વર્ષના વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, જે હાલ હોમ આઇસોલેશનમાં છે.
આરોગ્ય વિભાગ દ્વારા 'રેપિડ રિસ્પોન્સ ટીમ' તૈનાત
નવા કેસ સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગે પ્રભાવિત વિસ્તારોમાં ખાસ 'રેપિડ રિસ્પોન્સ ટીમો' તૈનાત કરી છે. સત્તાધારીઓએ શંકાસ્પદ વિસ્તારોમાંથી લગભગ 40 લોકોના સેમ્પલ લીધા છે. તેમાંથી 18 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે બાકીના ટેસ્ટના પરિણામો આવવાના હજી બાકી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર જિલ્લામાં હાલ કોરોનાના 8 એક્ટિવ કેસ છે. વાયરસનો નવો વેરિઅન્ટ કયો છે તે જાણવા માટે સેમ્પલને પુણેની લેબમાં જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.
ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક ફરજિયાત કરવા આદેશ
આંધ્રપ્રદેશના જિલ્લા પ્રભારી મંત્રી સવિતાએ કડપ્પા જિલ્લામાં સંક્રમણ અટકાવવા માટે અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. તેમણે કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરીને કોરોના ગાઇડલાઇનનું કડકાઈથી પાલન કરાવવા સૂચના આપી છે. મંત્રીએ હોસ્પિટલો અને જાહેર સ્થળો સહિત તમામ ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવા જણાવ્યું છે. આ સાથે જ પ્રભાવિત વિસ્તારોમાં સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી પણ ઝડપી કરી દેવામાં આવી છે.









