Get The App

એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ 1 - image

- નોટબંધીમાં રદ કરાયેલી નોટ લેવાનો બેન્કે ઈનકાર કર્યો હતો

- બેન્કને કોઈ લેવડ-દેવડ પર આશંકા હોત તો સંબંધિત ઓથોરિટીને રિપોર્ટ કરી શકી હોત

નવી દિલ્હી : રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (એનસીડીઆરસી)એ નોટબંધ સમયે જૂની નોટો જમા કરવાનો ઈનકાર કરવાના કેસમાં એક્સિસ બેન્કને મોટો ઝટકો આપ્યો છે. પંચે બેન્કને દિલ્હની એક લોજિસ્ટિક્સ કંપનીને રૂ. ૩.૧૯ કરોડની ચૂકવણી કરવા આદેશ આપ્યો છે.

એનસીડીઆરસીના પીઠાસીન સભ્ય એવીએમ જે. રાજેન્દ્ર અને ન્યાયિક સભ્ય અનૂપ કુમાર મેંદિરત્તાની બેન્ચે ૧૦ માર્ચે પ્રોક્યોર લોજિસ્ટિક્સ સર્વિસીસ પ્રા. લિ.ની અરજી પર સુનાવણી કરતા ૨૦૧૬માં નોટબંધી સમયે રદ કરાયેલી ચલણી નોટો નહીં સ્વીકારવા બદલ એક્સિસ બેન્કને 'સેવામાં ખામી' બદલ દોષિત ઠેરવી હતી. 

અરજદાર કંપનીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ નોટબંધી જાહેર કર્યા પછી મર્યાદિત સમયમાં રદ કરાયેલી નોટો બેન્ક ખાતામાં જમા કરવાની ંમજૂરી અપાઈ હતી, પરંતુ આ સમયમાં એક્સિસ બેન્કે અનેક વખત વિનંતી કરવા છતાં કંપનીને તેના કેવાયસીવાળા ખાતામાં નોટ જમા કરવાની મંજૂરી આપી નહીં.

એનસીડીઆરસીએ તેના આદેશમાં કહ્યું કે, બેન્કે વારંવાર વિનંતી છતાં કંપનીને તેના ખાતામાં નોટ જમા કરતા રોકી હતી અને રદ કરાયેલી નોટો જમા કરવાની સમય મર્યાદા પૂરી ના થઈ ત્યાં સુધી તેને રોકી હતી. આ કારણે કંપનીને પ્રત્યક્ષ નુકસાન થયું હતું, કારણ કે તેની પાસેની નોટો સમય મર્યાદા ખતમ થયા પછી બેકાર થઈ ગઈ હતી. પંચે એમ પણ કહ્યું કે, બેન્કને કોઈ લેવડ-દેવડ પર આશંકા હોય તો તે સંબંધિત ઓથોરિટીને તે અંગે રિપોર્ટ કરી શકી હોત. એનસીડીઆરસીએ બેન્કને ૯ ટકા વ્યાજ સાથે લોજિસ્ટિક કંપનીને બે મહિનામાં રૂ. ૩.૧૯ કરોડ ચૂકવવા આદેશ આપ્યો.