માની છાતીથી વીંટળાયેલા જોડિયા બાળકો સહિત 3 લાશ નીકળતાં આખા ગામની આંખો ભીંજાઈ
Chamoli,Uttarakhand : ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના નંદનગરના કુંતરી લગા ફાલી ગામમાં બુધવારે અચાનક પૂર આવતાં ભારે તબાહી મચી હતી. આ દુર્ઘટનાના કારણે ઘણા લોકો પોતાના ઘરમાં દટાઈ ગયા હતા. તબાહી દરમિયાન એક પરિવારના જોડિયા બાળકો સાથે તેમની માતાનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. શુક્રવારે જ્યારે ત્રણેયના મૃતદેહો નીકાળવામાં આવ્યા ત્યારે જોડિયા બાળકો તેની માતાની છાતીથી વીંટળાયેલા હતા. આ દૃશ્ય જોઈ હર કોઈ પોતાના આસું રોકી ન શક્યા.
રેસક્યૂ દરમિયાન માની છાતીથી વીંટળાયેલા મળ્યા બંને બાળકો
પૂર હોનારત થઈ તેમાં ચમોલીની કાંતા દેવી તેના જોડિયા બાળકો સાથે કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જ્યારે બચાવ ટીમે ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા, ત્યારે બાળકો તેમની માતાની છાતી પર વળગેલા હતા. આ દૃશ્ય જોઈને બચાવ ટીમ સહિત ઘટનાસ્થળે હાજર દરેકની આંખોમાં આંસુ આવી ગયા.
બંને બાળકો ધોરણ 4 માં અભ્યાસ કરતાં હતા
આ અંગે મળતી માહિતી પ્રમાણે દસ વર્ષીય વિકાસ અને વિશાલ ધોરણ 4 માં અભ્યાસ કરતાં હતા. બુધવારે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે કાંતા દેવી અને કુંવર સિંહ તેમના જોડિયા બાળકો સાથે ઘરે હતા. અચાનક આવેલા પૂરથી તેઓ બધા અંદર ફસાઈ ગયા. બચાવ ટીમોએ 16 કલાક પછી 42 વર્ષીય કુંવર સિંહને કાટમાળમાંથી જીવતા બહાર કાઢ્યા. જોકે, તેમના જોડિયા બાળકો અને પત્ની કાંતા દેવી બચી ન શક્યા અને ત્રણેયના મોત થયા.
આ પણ વાંચો: VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું
મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને સાત પર પહોંચી
નોંધનીય છે કે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદના પૂરથી તબાહ થયેલા ગામોમાંથી શુક્રવારે વધુ પાંચ મૃતદેહ મળી આવ્યા હતા. આ સાથે આ વિસ્તારમાં ભૂસ્ખલન અને પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને સાત પર પહોંચી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. જિલ્લાના નંદનગરમાં પહેલાથી જ ભૂસ્ખલન સામે ઝઝૂમી રહ્યું છે.