'પંડિત નહેરુ વિશે જુઠ્ઠાણું ફેલાવે છે રાજનાથ સિંહ...', કોંગ્રેસે સરદાર પટેલની દીકરીની ડાયરી શેર કરી

Congress vs Rajnath: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં શનિવારે (6 ડિસેમ્બર) સસ્પેન્ડેડ હુમાયુ કબીરે 'બાબરી મસ્જિદ'ના પાયા મૂક્યા હતા. તેમણે અયોધ્યામાં બાબરી મસ્જિદના વિધ્વંસના વર્ષગાંઠના દિવસે જ બાબરી મસ્જિદના પાયા મૂક્યા છે. આ મામલે જોડાયેલી એક ટિપ્પણીને લઈને કોંગ્રેસ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પાસે માફીની માંગ કરી રહી છે. હકીકતમાં, સરદાર વલ્લભભાઈ પટેલની દીકરીની ડાયરીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે કહ્યું કે, રાજનાથ સિંહે ખોટું બોલ્યા હતા કે, પંડિત જવાહરલાલ નહેરૂ જનતાના પૈસા બાબરી મસ્જિદ બનાવવા ઈચ્છતા હતા.
જયરામ રમેશે પુસ્તકના ફોટો શેર કરી કર્યા પ્રહાર
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંબંધ ગાઢ બનાવવા માટે રાજનાથ સિંહ પંડિત નહેરૂ વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાઇટી દ્વારા પબ્લિશ કરવામાં આવેલી તેમની દીકરીની ઓરિજનલ ડાયરીના અમુક પૃષ્ઠ એક્સ પર શેર કરી જયરામ રમેશે કહ્યું કે, 'મૂળ ડાયરીમાં જે લખ્યું છે અને રાજનાથ સિંહ અને તેમના સાથી જેનો પ્રચાર કરી રહ્યા છે, તેમાં ઘણો તફાવત છે.'
રાજનાથ સિંહ પર જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ
કોંગ્રેસ મહાસચિવે આ પુસ્તકના અમુક અંશ પણ શેર કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી સાથે પોતાના સંબંધ સુધારવા માટે સંરક્ષણ મંત્રીએ પોતાના દ્વારા 'ફેલાવી રહેલા જુઠ્ઠાણાં' માટે માફી માંગવી જોઈએ. રાજનાથ સિંહે ગત મંગળવારે ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, જવાહરલાલ નહેરૂ સરકારી નાણાંથી બાબરી મસ્જિદ બનાવવા ઈચ્છતા હતા. પરંતુ, સરદાર પટેલે તેમની યોજના સફળ ન થવા દીધી.
આ પણ વાંચોઃ ગોવામાં નાઇટ ક્લબમાં ભીષણ આગ, 23 લોકોના દર્દનાક મોત, CMના તપાસના આદેશ
સંરક્ષણ મંત્રીએ શું કહ્યું હતું?
રાજનાથ સિંહે એવો પણ દાવો કર્યો કે, નહેરૂએ ભલામણ કરી હતી કે, પટેલના મૃત્યુ બાદ તેમના સ્મારક નિર્માણ માટે સામાન્ય લોકો દ્વારા એકઠા કરેલા ધનનો ઉપયોગ કૂવા અને રસ્તા નિર્માણ માટે કરવું જોઈએ.
સરદાર પટેલની 150મી જયંતીને લઈને આયોજિત 'એકતા માર્ચ' હેઠળ વડોદરા પાસે સાધલી ગામમાં એક સભાને સંબોધિત કરતા રાજનાથ સિંહે પટેલને એક સાચા ઉદારવાદી અને ધર્મનિરપેક્ષ વ્યક્તિ જણાવ્યા, જે ક્યારેય તુષ્ટીકરણમાં વિશ્વાસ નહતા કરતા.

