ગોવામાં નાઇટ ક્લબમાં ભીષણ આગ, 25 લોકોના દર્દનાક મોત, CMના તપાસના આદેશ

Goa Fire News : ગોવાના આરાપોરામાં બિર્ચ બાઈ રોમિયો લેન ક્લબમાં મોડી રાતે ભીષણ આગની ઘટના બનતાં 25 લોકો મૃત્યુ પામી ગયા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને 20 પુરુષો સામેલ છે. તેમાં મોટાભાગના ક્લબના કર્મચારીઓ હોવાની જાણકારી મળી રહી છે. શનિવારે રાતે લગભગ 12:04 વાગ્યે આ ઘટના બની હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આ ભીષણ આગ લાગી હતી.
ભાજપના ધારાસભ્યએ આપી માહિતી
ભાજપના ધારાસભ્ય માઈકલ લોબોએ કહ્યું કે મોટાભાગના લોકોના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા હતા કેમ કે તે ગભરાટમાં બેઝમેન્ટમાં દોડી ગયા હતા. લોબોએ જણાવ્યું કે મૃતકોમાં અમુક ટુરિસ્ટ પણ છે. જોકે મોટાભાગના લોકો સ્થાનિકો હતા જે રેસ્ટોરન્ટના કામ કરી રહ્યા હતા.

ગોવાના મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન
ગોવા જેવા પર્યટન રાજ્ય માટે આવી દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. જે લોકો આ રીતે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે તેમના કારણે જ આ આગની ઘટના બની છે. આ દુર્ઘટનામાં 25 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સરકાર આ સમગ્ર મામલે તપાસ કરાવશે. તપાસમાં આગ લાગવાના સાચા કારણો શોધવામાં આવશે અને દોષિતોને છોડીશું નહીં. તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે. મૃતકોમાં મોટાભાગના લોકો ક્લબના કિચન સ્ટાફના સભ્યો હતા જેમાં ત્રણ મહિલાઓ સામેલ હતી અને મૃતકોમાં ત્રણથી ચાર પ્રવાસીઓ સામેલ હોવાની જાણકારી મળી રહી છે.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરતાં વળતર જાહેર કર્યું
પીએમ મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં પીડિતોના જલદી સાજા થવાની કામના કરી હતી. તેમણે કહ્યું કે , "ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતજી સાથે પરિસ્થિતિ વિશે વાત કરી. રાજ્ય સરકાર અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહી છે." પીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગોવાના અરપોરામાં થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે."

