Get The App

'બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..' ગોવા ક્લબમાં 25ના મોતનું કારણ જાણો

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
'બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..' ગોવા ક્લબમાં 25ના મોતનું કારણ જાણો 1 - image


Goa Blast and Fire News : ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા 'બિર્ચ બાય રોમિયો લેન' નામના એક રેસ્ટોરન્ટ-કમ-નાઇટ ક્લબમાં મોડી રાત્રે સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગણતરીની સેકન્ડોમાં આગ એટલી ભયંકર રીતે ફેલાઈ ગઈ કે લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો. આ ભીષણ આગે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. આ દર્દનાક દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે, જેમાંથી 20 લોકોનો શ્વાસ રૂંધાવાથી જ્યારે ત્રણ લોકો જીવતા સળગી જવાથી મૃત્યુ પામ્યા છે.



કિચનથી શરૂઆત, બેઝમેન્ટમાં ફસાયા કર્મચારીઓ

આ ભીષણ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ક્લબના કિચન એરિયામાં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. થોડી જ સેકન્ડોમાં આગે આખા કિચનને લપેટમાં લીધું અને જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા બેઝમેન્ટ સુધી ફેલાઈ ગયા. ઘટના સમયે ક્લબનું બેઝમેન્ટ કર્મચારીઓથી ભરેલું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગભરાટમાં લોકો બહાર ભાગવાને બદલે બેઝમેન્ટ તરફ દોડ્યા, જ્યાં ધુમાડાનું સામ્રાજ્ય પહેલેથી જ ફેલાયેલું હતું.


20 લોકોના મોત શ્વાસ રુંધાવાને કારણે 

મૃતકોમાં 20 લોકોનો શ્વાસ રૂંધાવાને કારણે મોત થયું હતું, જ્યારે ત્રણ લોકોના મૃતદેહો ગંભીર રીતે દાઝી ગયેલા મળી આવ્યા હતા. મૃતકોમાં મોટા ભાગના ક્લબના કિચન સ્ટાફ હતા, જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં ત્રણથી ચાર પ્રવાસીઓ પણ સામેલ છે. મૃતકોમાં સૌથી વધુ સ્ટાફના 14 લોકો છે. 

મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા, 'બહુ દર્દનાક દિવસ'

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ ઘટનાને રાજ્ય માટે 'બહુ દર્દનાક દિવસ' ગણાવી અને સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે "ગોવા જેવા પર્યટન રાજ્ય માટે આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. જે લોકો આવી ગતિવિધિઓ ગેરકાયદેસર રીતે ચલાવી રહ્યા છે, તેમના કારણે આગની આ ઘટના બની છે. સરકાર આ સમગ્ર મામલાની તપાસ કરાવશે. તપાસમાં આગ લાગવાના સાચા કારણોનો પતો લગાવાશે અને જે પણ દોષિત જણાશે, તેમની વિરુદ્ધ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરાશે."

ફાયર સેફ્ટી ઑડિટની માંગ

સ્થાનિક ધારાસભ્ય માઇકલ લોબોએ આ ઘટનાને અત્યંત દર્દનાક ગણાવી છે. તેમણે કહ્યું કે આવી બેદરકારી ફરીથી સહન કરવામાં આવશે નહીં અને રાજ્યના તમામ ક્લબોનું ફાયર સેફ્ટી ઑડિટ કરાવવાની માંગ કરી છે. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે "આ ઘટનાથી હું વ્યથિત છું. 25 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં ત્રણ મહિલાઓ અને 20 પુરુષો છે. મોટાભાગના લોકો બેઝમેન્ટ તરફ ભાગતી વખતે શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા છે. તમામ નાઇટ ક્લબોને નોટિસ જારી કરાશે, જેમાં તેમને ફાયર સેફ્ટી સંબંધી મંજૂરી બતાવવા જણાવાશે. જે ક્લબો પાસે જરૂરી પરવાનગી નહીં હોય, તેમના લાઇસન્સ રદ્દ કરી દેવામાં આવશે."

ગોવા પોલીસના ડીજીપીએ આપ્યું નિવેદન 

ગોવા પોલીસના ડીજીપી આલોક કુમારના જણાવ્યા અનુસાર, રાત્રે 12:04 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને આગની સૂચના મળી હતી. તાત્કાલિક પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી હતી. શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે ક્લબમાં ફાયર સેફ્ટીના પૂરતા બંદોબસ્ત નહોતા. ક્લબ મેનેજમેન્ટ વિરુદ્ધ કડક પગલાં લેવાના સંકેત આપવામાં આવ્યા છે.

'બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..' ગોવા ક્લબમાં 25ના મોતનું કારણ જાણો 2 - image

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું 

અરપોરામાં ગંભીર અગ્નિકાંડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું. આ કરુણાંતિકામાં જીવ ગુમાવનારા લોકોના પરિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં ઘાયલો જલદી સાજા થાય તેવી કામના કરી હતી. આ મામલે તેમણે સીએમ પ્રમોદ સાવંત જોડે વાતચીત કરીને ઘટનાનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે રાજ્ય સરકાર પીડિતોને તમામ સંભવ મદદ કરશે. 


Tags :