દિલ્હીમાં સતત બીજા દિવસે કોંગ્રેસના ધરણા : રાહુલ, પ્રિયંકાની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જ્ઞાનેશ કુમાર રાજીનામુ ના આપે ત્યાં સુધી વિરોધ કરીશું : રાહુલ
- બસો ભરીને જંતર મંતર તરફ જઇ રહેલા નેતાઓને વચ્ચે જ રોકી લેવાયા, પ્રિયંકાએ રોડ પર સૂઇને અટકાયતનો પ્રતિકાર કર્યો
- સ્લોગન સુલ્તાન મોદીના સુત્ર 'વી વિલ ડૂ ઇટ'નો મતલબ છે વિરોધીઓની ક્રૂરતાથી અટકાયત : કોંગ્રેસ
નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા તેમજ કાર્યવાહીની માગ સાથે વિપક્ષે સતત બીજા દિવસે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ વિપક્ષના અન્ય સાંસદોને દિલ્હી પોલીસ દ્વારા ફરી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ તમામ નેતાઓ પોતાના સમર્થકો સાથે પ્રદર્શન સ્થળ જંતર મંતર તરફ બસોમાં જઇ રહ્યા હતા. જોકે વચ્ચે જ તેમને અટકાયતમાં લેવાયા હતા.
બુધવારે કોંગ્રેસના નેતાઓ બસો ભરીને જંતર મંતર તરફ આગળ વધ્યા હતા, જોકે તેમને વચ્ચે જ અટકાવી દેવાયા હતા. બાદમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય તમામ નેતાઓ જનપથ પર જ રોકવામાં આવ્યા જેથી તેઓ ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા. હજારોની સંખ્યામાં તૈનાત પોલીસકર્મીઓ અને અન્ય સુરક્ષાદળો દ્વારા બાદમાં એક પછી એક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને ૧૦૦ જેટલા પોલીસકર્મીઓએ બસમાં ધકેલીને અટકાયતમાં લીધા હતા. જ્યારે પ્રિયંકા ગાંધી અને અન્ય મહિલા નેતાઓ રસ્તા પર જ સુઇ ગયા હતા. જોકે તેમની પણ બાદમાં પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. બાદમાં મોટાભાગનાને રાત્રે છોડી મુકાયા હતા.દરમિયાન રાહુલ ગાંધીને લઇને જઇ રહેલી બસ પર કોંગ્રેસના નેતાઓ અમરિંદરસિંહ રાજા, વોરિંગ, ઉદય ભાનુ વગેરે ચડી ગયા હતા, જ્યારે મુમતાઝ પટેલ બસના બોનેટ પર ચડી ગયા હતા અને બસને કલાકો સુધી રોકી રાખી હતી. બીજી તરફ અનેક મહિલા પોલીસકર્મીઓએ પ્રિયંકા ગાંધીને રોડ પરથી ઉઠાવવા પ્રયાસ કર્યો હતો, પોલીસકર્મીઓ અને નેતાઓ વચ્ચે કલાકોની ઘર્ષણ બાદ અંતે લગભગ મોટાભાગના નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામુ નહીં આપે ત્યાં સુધી આ લડાઇ શરૂ રહેશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા એક દિવસ અગાઉ દિલ્હીના આકાશવાણી ભવનમાં બળજબરીથી પ્રવેશ્યા હતા અને ચૂંટણી પંચની ઓફિસે જવા પ્રયાસ કર્યોહતો. આ મામલે તેમની સામે દિલ્હી પોલીસ દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. જેના જવાબમાં રાહુલે કહ્યું હતું કે મારી સામે ૧૦૦ એફઆઇઆર કરશો તો પણ લડાઇ શરૂ રાખવામાં આવશે. એફઆઇઆર મારા માટે મેડલ સમાન છે. બીજી તરફ વિકસિત ભારત સંકલ્પ સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વી વિલ ડુ ઇટ, મોદીના આ સુત્રને લઇને બાદમાં જવાબ આપતા કોંગ્રેસે કહ્યું હતું કે જે રીતે કોંગ્રેસના નેતાઓને ઢસડીને બસોમાં ભરવામાં આવ્યા તે મોદીના સુત્ર આપણે કરી બતાવીશુંને સાબીત કરે છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે જનપથ પરથી જે રીતે કોંગ્રેસના નેતાઓને ક્રૂરતા પૂર્વક બસોમાં ભરવામાં આવ્યા તે સ્લોગન સુલ્તાન વી વિલ ડુ ઇટના સુત્ર સાથે મેળ ખાય છે.




