Rahul Gandhi Attacks PM Modi After Donald Trump's Statement : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર દબાણ સામે ઝૂકી જવાનો આરોપ લગાવ્યો હતો અને તેમની તુલના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વ સાથે કરી હતી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કરીને 'ફરક સમજો સરજી' એવું કેપ્શન આપી પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો.
‘ટ્રમ્પના ઇશારે આત્મસમર્પણ કરી દીધું’
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું હવે ભાજપ અને આરએસએસના લોકોને ખૂબ સારી રીતે જાણું છું. થોડું દબાણ કરો એટલે તેઓ ડરના માર્યા ભાગી જાય છે. જેવો ટ્રમ્પે ત્યાંથી ઇશારો કર્યો, આ લોકોએ તરત જ ફોન ઉપાડી લીધો. તેમણે કહ્યું, મોદીજી તમે શું કરી રહ્યા છો ? નરેન્દ્રએ સરેન્ડર કરી દીધું અને નરેન્દ્ર મોદીજીએ જી હુજૂર કહી ટ્રમ્પના ઇશારાનું પાલન કર્યું.’
રાહુલ ગાંધીએ 1971ના યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો
1971ના યુદ્ધની યાદ અપાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘એક સમયે અમેરિકાના ભારે દબાણ છતાં ભારતે મક્કમતાથી પોતાનું વલણ અપનાવ્યું હતું. તમને તે સમય યાદ હશે જ્યારે 1971ના યુદ્ધમાં ઇન્દિરા ગાંધીને માત્ર ફોન કોલ નહોતો આવ્યો, પણ અમેરિકાનો સાતમો નૌકા કાફલો, હથિયારો અને વિમાનવાહક જહાજો પણ આવ્યા હતા. તેમ છતાં ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું કે, મારે જે કરવાનું છે તે હું કરીશ... આ જ મોટો તફાવત છે.’
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્ષેપો
આ સમગ્ર વિવાદની શરુઆત ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)ના એક નિવેદન બાદ થઈ હતી. રિપબ્લિકન પાર્ટીના સાંસદોની બેઠકમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ‘વડાપ્રધાન મોદી મને મળવા આવ્યા હતા અને મને પૂછ્યું હતું કે સર, શું હું તમને મળી શકું છું? જી હા...’
PM મોદી મારાથી નાખુશ : ટ્રમ્પ
ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ‘ભારતીય નિકાસ પર 50 ટકા સુધીના ટેરિફ લગાવવામાં આવ્યા છે. મારા તેમની (PM મોદી) સાથે સારા સંબંધો છે. પરંતુ તેઓ મારાથી ખૂબ ખુશ નથી, કારણ કે તેઓ હજુ પણ વધુ ટેરિફ ચૂકવી રહ્યા છે, કારણ કે તેઓ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે. હવે તેમણે તેલ ખરીદી ઘણી ઓછી કરી દીધી છે.’


