Indore water contamination: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે થયેલા 20 લોકોના મોત વચ્ચે એક ભયાનક રિપોર્ટ સામે આવ્યો છે. કેન્દ્ર સરકારના 'જલ જીવન મિશન'ના લેટેસ્ટ 'ફંક્શનાલિટી એસેસમેન્ટ રિપોર્ટ' મુજબ, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પૂરો પાડવામાં આવતો ત્રીજા ભાગનો પાણીનો પુરવઠો માનવ વપરાશ માટે અસુરક્ષિત છે. આ રિપોર્ટ બાદ હાઈકોર્ટે રાજ્યમાં 'જાહેર આરોગ્ય કટોકટી' (Public Health Emergency) જાહેર કરી છે.
રિપોર્ટના મુખ્ય અને ચોંકાવનારા અંશ
સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024 દરમિયાન 15,000થી વધુ ઘરોમાંથી લેવાયેલા નમૂનાઓના આધારે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મધ્ય પ્રદેશમાં માત્ર 63.3 ટકા પાણીના નમૂના જ ધોરણો પર ખરા ઉતર્યા છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 76 ટકા છે. એટલે કે 36.7 ટકા પાણીમાં હાનિકારક બેક્ટેરિયા કે કેમિકલ છે.
રાજ્યની સરકારી હોસ્પિટલોમાં માત્ર 12 ટકા પાણી જ માઇક્રોબાયોલોજીકલ પરીક્ષણમાં પાસ થયું છે. બાકીની 88 ટકા હોસ્પિટલોમાં દર્દીઓને અસુરક્ષિત પાણી મળી રહ્યું છે. શાળાઓના 26.7 ટકા પાણીના નમૂના દૂષિત જણાયા છે, જે લાખો બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે.
આ પણ વાંચો:10 દીકરીઓ બાદ મહિલાએ દીકરાને આપ્યો જન્મ, પિતાને યાદ પણ નથી બધાના નામ!
આદિવાસી વિસ્તારોમાં હાહાકાર
કેટલાક જિલ્લાઓમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. અનુપપુર અને ડિંડોરીમાં પાણીનો એક પણ નમૂનો સલામત જણાયો નથી. બાલાઘાટ, બેતુલ અને છિંદવાડામાં 50 ટકાથી વધુ પાણીના નમૂના ઝેરી તથા દૂષિત છે. ઈન્દોરમાં 100% નળ જોડાણનો દાવો કરાયેલા આ જિલ્લામાં વાસ્તવમાં માત્ર 33 ટકા ઘરોમાં જ પીવાલાયક શુદ્ધ પાણી ઉપલબ્ધ છે.
ઈન્દોરના ભગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી 20 લોકોના મોત થયા. 429 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જેમાંથી 16 ICUમાં છે અને ત્રણ વેન્ટિલેટર પર છે. બીજી તરફ મધ્ય પ્રદેશ હાઈકોર્ટે નોંધ્યું કે બંધારણની કલમ 21 હેઠળ શુદ્ધ પાણી મેળવવો એ જીવનનો અધિકાર છે. કોર્ટે આ સ્થિતિને સત્તાવાર રીતે 'પબ્લિક હેલ્થ ઇમરજન્સી' જાહેર કરી છે.
તંત્રની બેદરકારીથી લાખો લોકોના જીવ જોખમમાં
રિપોર્ટ અનુસાર, રાજ્યમાં પાઇપલાઇનનું નેટવર્ક 99.1 ટકા ગામોમાં હોવા છતાં, વાસ્તવમાં માત્ર 76.6 ટકા ઘરોમાં જ નળ કાર્યરત છે. કેન્દ્ર સરકારે આ સ્થિતિને "સિસ્ટમ-પ્રેરિત આપત્તિ" ગણાવી છે અને ચેતવણી આપી છે કે જો સુધારો નહીં થાય તો રાજ્યના બજેટમાં કાપ મૂકવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે,મધ્ય પ્રદેશમાં માત્ર પાણીની અછત નથી, પણ જે પાણી ઉપલબ્ધ છે તે 'ઝેરી' સાબિત થઈ રહ્યું છે. તંત્રની બેદરકારીના કારણે લાખો લોકોના જીવ જોખમમાં મુકાયા છે.


