લોકસભા-રાજ્યસભામાં હોબાળો યથાવત્, સદનની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત
Monsoon Session Operation Sindoor Debate: સંસદમાં ચોમાસુ સત્ર એક સપ્તાહ બાદ પણ શરૂ થઈ ચૂક્યું નથી. વિપક્ષના અનેક મુદ્દાઓ પર હોબાળાના પગલે આજે લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચાઓ થવાની હતી. પરંતુ ચર્ચા શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ દ્વારા વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે હોબાળો શરૂ કરવામાં આવ્યો હતો. જેના લીધે બંને સદનની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
12 વાગ્યે ફરી ચર્ચા શરૂ થાય તે પહેલાં વિપક્ષ વેલમાં આવીને હોબાળો કરી રહ્યુ હતું. જેથી સ્પીકર ઓમ બિરલાએ ત્રણ વખત વિપક્ષના સાંસદોને પૂછ્યું કે, તમે ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માગો છો કે નહીં, જો હા તો પોતાના સ્થાને પાછા જતાં રહો. પરંતુ વિપક્ષનો હોબાળો ચાલુ જ રહેતાં કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
શાસક અને વિરોધ પક્ષ ઓપરેશન સિંદૂર પર 16-16 કલાકની ચર્ચા કરવા તૈયાર થયુ હતું. જેની ચર્ચા આજે શરૂ થવાની હતી. શુક્રવારે બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં 28 જુલાઈથી સદનના નિયમિત સંચાલન પર તમામ પક્ષોના ફ્લોર લીડર્સ પાસેથી સહમતિ લેવામાં આવી હતી. પરંતુ આજે કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ બિહારમાં વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે હોબાળો શરૂ થયો હતો. જેના લીધે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી હતી.
રાજ્યસભામાં પણ હોબાળો
રાજ્યસભામાં પણ વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો હતો. જેના લીધે રાજ્યસભામાં ઉપસભાપતિ હરિવંશે શૂન્યકાળ સુધી આંગણવાડી સંબંધિત મુદ્દા પર બોલવા કહ્યું હતું. પરંતુ હોબાળો ચાલુ રહેતાં સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 12 વાગ્યા બાદ પણ પરિસ્થિતિ જૈસે થૈ રહેતાં કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે, કોંગ્રેસે ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા દરમિયાન પોતાના તમામ લોકસભા સાંસદો માટે ત્રણ લાઈનના વ્હિપ જાહેર કર્યા હતાં. જેમાં તમામને આગામી ત્રણ દિવસ સુધી સદનમાં હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા હતાં.
રાજનાથ સિંહ કરશે ચર્ચાની શરૂઆત
સદનમાં 12 વાગ્યે કાર્યવાહી શરૂ થવાની છે. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરૂઆત કરશે. રાજનાથ સિંહ બાદ ભાજપના વક્તાઓની યાદીમાં તેજસ્વી સૂર્યા અને બૈજયંત પાંડાના નામ સામેલ છે.
INDIA દ્વારા બિહાર SIR મુદ્દે વિરોધ
INDIA ગઠબંધનના સાંસદોએ આજે સદનમાં બિહાર SIR મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવતાં દેખાવો કર્યા હતાં. બિહારમાં વોટર લિસ્ટ રિવિઝનની કામગીરી એનડીએના ઈશારે થઈ રહી હોવાનો આક્ષેપ મુકતાં વિરોધ પ્રદર્શન કર્યા હતાં.
એનડીએના પણ સદનની બહાર દેખાવો
એનડીએના સાંસદોએ આજે સોમવારે સપાના સાંસદ ડિમ્પલ યાદવ પર ઈસ્લામિક ધર્મગુરૂ મૌલાના સાજિદ રશિદી દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીની નિંદા કરતાં સંસદ પરિસરમાં દેખાવો કર્યા હતાં. સાંસદોએ 'નારી ગરિમા પર પ્રહાર, નહીં કરેંગે કભી ભી સ્વીકાર' (અમે મહિલાઓના ગૌરવ પર કોઈ હુમલો સહન નહીં કરીએ) લખેલા પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. લખનૌ પોલીસે મૌલાના સાજિદ રશીદી વિરુદ્ધ ટેલિવિઝન પેનલ ચર્ચા દરમિયાન કથિત રીતે ભડકાઉ, વાંધાજનક અને સ્ત્રી-વિરોધી નિવેદનો કરવા બદલ એફઆઈઆર નોંધી હતી. તેમણે વિવાદાસ્પદ ટિપ્પણીમાં મૌલાના રાશિદીએ ડિમ્પલ યાદવની માથું ઢાંક્યા વિના જાહેરમાં દેખાવ બદલ ટીકા કરી હતી, તેમજ એક અપમાનજનક ટિપ્પણી કરતાં વિવાદમાં મુકાયા હતા.