For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિમાન સેવા અંગે કેન્દ્ર-રાજ્યો દેરાણી જેઠાણી : 630 ફ્લાઇટ રદ

- શ્રમિક ટ્રેનો બાદ હવે વધુ એક મુદ્દે પણ રાજકીય મડાંગાંઠ

- બે મહિના પછી 39,231 પ્રવાસી સાથે 532 ફ્લાઈટ્સનું ઉડ્ડયન આંધ્ર પ્રદેશમાં આજથી, પશ્ચિમ બંગાળમાં ગુરુવારથી ફ્લાઈટ્સ

Updated: May 25th, 2020

- અંતિમ સમયે ફ્લાઈટ્સ રદ થતાં સેંકડો પ્રવાસીઓ રઝળી પડયા પ્રવાસીઓના ક્વૉરન્ટાઈન થવા અંગે રાજ્યોના અલગ નિયમો

Article Content Image


નવી દિલ્હી, તા.25 મે 2020, સોમવાર

કોરોના વાઈરસ સામેની લડાઈમાં પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો સંઘર્ષ અટકવાનું નામ લેતો નથી. લૉકડાઉન લંબાવવા તેમજ છૂટછાટો આપવા મુદ્દે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખેંચતાણ થઈ હતી. ત્યાર પછી પરપ્રાંતીય મજૂરો માટે શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવવા મુદ્દે પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી.

હવે સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ કરવા મુદ્દે પણ કેન્દ્ર-રાજ્યો વચ્ચે ચકમક ઝરી છે. કોરોના વાઈરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને કેટલાક રાજ્યો બે મહિના પછી શરૂ થયેલી સ્થાનિક ઉડ્ડયન સેવાઓ માટે તેમના એરપોર્ટ્સ ખોલવાની મંજૂરી આપવા આતુર નથી. જોકે, કેન્દ્ર અને રાજ્યોની આ ખેંચતાણ વચ્ચે સોમવારે ૫૩૨ ફ્લાઈટ્સે ઉડ્ડયન કર્યું જ્યારે ૬૩૦ ફ્લાઈટ્સ રદ થઈ હતી.

સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ કરવા માટે કેટલાક રાજ્યો આતુર ન હોવાથી કેન્દ્ર સરકારની રવિવારે મોડી રાતની જાહેરાતના કારણે સોમવાર દેશમાં અંદાજે ૬૩૦ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. કેન્દ્રે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં કોપણ ફ્લાઈટનું સંચાલન નહીં થાય અને મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ જેવા મોટા એરપોર્ટ પર મર્યાદિત પ્રમાણમાં જ કામગીરી શરૂ થશે તેવી જાહેરાત કરી હતી. નાગરિક ઉડ્ડયન વિભાગના કડક નિયંત્રણો હેઠળ દિલ્હીથી પૂણે માટે વહેલી સવારે ૪.૪૫ વાગ્યે સૌપ્રથમ ફ્લાઈટ્સે ઉડ્ડયન કર્યું હતું. વધુમાં મુંબઈથી પટના માટે પહેલી ફ્લાઈટ સવારે ૬.૪૫ વાગ્યે રવાના થઈ હતી.

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે સોમવારે ૩૯,૨૩૧ પ્રવાસીઓ સાથે ૫૩૨ ફ્લાઈટ્સે ઉડ્ડયન કર્યું હતું. સૂત્રો મુજબ સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ થવાની જાહેરાત પછી ૨૨મી મેએ સોમવાર માટે ૧૧૦૦ ફ્લાઈટ્સના બૂકિંગ શરૂ થયા હતા. 

દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ ધરાવતા મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવા રાજ્યો સ્થાનિક સ્તરે કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી સ્થાનિક ઉડ્ડયન સેવા માટે તેમના એરપોર્ટ્સ ખોલવા આતુર નથી. પશ્ચિમ બંગાળ સરકારે જણાવ્યું હતું કે તેના એરપોર્ટ્સ પર સોમવારના બદલે ગુરુવારથી સ્થાનિક ઉડ્ડયનોને ઉડ્ડયનની ક્રમશઃ મંજૂરી આપવામાં આવશે.

આંધ્ર પ્રદેશ સરકારે પણ સોમવારે કોઈ ફ્લાઈટ્સને સંચાલનની મંજૂરી આપી નહોતી. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે એરલાઈનની ફ્લાઈટ્સમાં અંદાજે ૨૦,૦૦૦ લોકોએ પ્રવાસ કર્યો હતો.

સ્પાઈસજેટે જણાવ્યું હતું કે તેની પ્રથમ ફ્લાઈટ્સ અમદાવાદથી સવારે ૬.૦૫ વાગ્યે શરૂ થઈ હતી, જે દિલ્હી સવારે ૭.૧૦ વાગ્યે પહોંચી હતી. તેણે સોમવારે વિવિધ રૂટ ઉપર ૨૦ ફ્લાઈટ્સનું સંચાલન કર્યું હતું. જોકે, અનેક ફ્લાઈટ્સ રદ થવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓએ હેરાનગતીનો સામનો કરવો પડયો હતો. અનેક પ્રવાસીઓએ ફ્લાઈટ્સ રદ થવા અંગે તેમને કોઈ માહિતી નહીં મળી હોવાની ફરિયાદો કરી હતી. સેંકડો પ્રવાસીઓને એરપોર્ટ પર પહોંચ્યા પછી માહિતી અપાઈ કે તેમની ફ્લાઈટ્સ રદ થઈ છે.

પાંચ વર્ષનો વિહાન એકલો દિલ્હીથી બેંગ્લુરુ પહોંચ્યો, ત્રણ મહિને માતા સાથે મિલન

દેશમાં લગભગ બે મહિના પછી સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ થતાં દાદા-દાદી સાથે ફસાયેલો પાંચ વર્ષનો વિહાન શર્મા વિમાનમાં એકલો સ્પેશિયલ કેટેગરીમાં દિલ્હીથી બેંગ્લુરુ પહોંચ્યો હતો. બેંગ્લુરુ એરપોર્ટ પર તેને લેવા આવેલી માતા સાથે તેનું ૩ મહિને મિલન થયું હતું.

કોરોના વાઈરસના કારણે દેશમાં ૨૪મી માર્ચથી લૉકડાઉન લાગુ થતાં ટ્રેન અને હવાઈ સેવાઓ બંધ થઈ ગઈ હતી. આથી દિલ્હી દાદા-દાદીને મળવા આવેલો વિહાન અહીં ફસાઈ ગયો હતો. પરંતુ સોમવારથી સ્થાનિક વિમાની સેવાઓ શરૂ થતાં વિહાન એકલો જ સ્પેશિયલ કેટેગરીમાં વિમાનમાં બેંગ્લુરુ પહોંચ્યો હતો. વિહાનને ફ્લાઈટના સ્ટાફે તેની માતા સુધી સલામત રીતે પહોંચાડયો હતો.

Gujarat