કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયાનો ઘટાડો, જાણો દિલ્હીથી મુંબઈ સુધીના લેટેસ્ટ રેટ
Image: IANS |
LPG Price Cut: સપ્ટેમ્બરની શરૂઆતમાં એક સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં આજથી LPG ગેસ સિલિન્ડર સસ્તો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં 51.50 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. આ વખતે પણ ફક્ત 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તાજેતરના ઘટાડા પછી, હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને 1580 રૂપિયા થઈ ગયો છે. ઓગસ્ટ મહિનામાં પણ તેની કિંમતમાં ઘટાડો થયો હતો. જોકે, 14 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે સ્થિર છે. આ ફેરફાર પછી, 1 સપ્ટેમ્બર 2025થી નવી કિંમતો લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મને પ્રખ્યાત કરવા બદલ કૂતરાઓનો આભાર : ન્યાયાધીશ વિક્રમનાથ
જાણો શું છે નવા ભાવ?
IOCL વેબસાઇટ પર અપડેટ કરાયેલા નવા ભાવ મુજબ, 1 સપ્ટેમ્બરના ઘટાડા પછી, નવી દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1631.50 રૂપિયાથી ઘટીને 1580 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત, કોલકાતામાં તે 1734.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું, જે હવે 1684 રૂપિયામાં મળશે. મુંબઈમાં પણ તેની કિંમત 1582.50 રૂપિયાથી ઘટીને 1531.50 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચેન્નાઈમાં સિલિન્ડરની કિંમત 1789 રૂપિયાથી ઘટીને 1738 રૂપિયા થઈ ગઈ છે.
દર મહિનાની પહેલી તારીખે બદલાય છે ભાવ
નોંધનીય છે કે, ઓઇલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ નવા દર જાહેર કરવામાં આવે છે. આ નવા ભાવ ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ, ભારતીય ચલણ રૂપિયાની સ્થિતિ તેમજ અન્ય બજાર પરિસ્થિતિઓ પર આધાર રાખે છે અને પહેલી તારીખથી અમલમાં આવે છે. 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં આ ઘટાડો હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વેપારી સંસ્થાઓ માટે રાહત છે જે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચોઃ ભારતની મોટી તૈયારી ! એક લાખ કરોડના ખર્ચે અત્યાધુનિક 9 સબમરીન ખરીદવા કરશે બે મોટી ડીલ
ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ સતત ઘટાડવામાં આવી રહ્યા છે, ત્યારે 14 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત છે. 14 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં છેલ્લે 8 એપ્રિલે ફેરફાર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી તેમાં કોઈ ફેરફાર થયો નથી.