ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર
Gir Somnath News : ગીર સોમનાથના ઉના નજીક આવેલા કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં અત્યંત શર્મજનક અને અમાનવીય ઘટના સામે આવી છે. અહીં 50 વર્ષીય એક આધેડ મહિલા પર ત્રણથી વધુ નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પણ પહોંચાડી છે, જેના કારણે હાલ મહિલાની તબિયત અત્યંત નાજુક છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ત્રણ દિવસ પહેલા કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં બની હતી. એકલવાયું જીવન જીવતી મહિલાની એકલતાનો લાભ ઉઠાવી ત્રણથી વધુ શખસો તેમને ફોસલાવીને લઈ ગયા હતા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગંભીર ઇજાઓ અને અસહ્ય પીડા સાથે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસસ્થાને જ પડી રહી હતી. તબિયત વધુ લથડતાં આ મામલો સામે આવ્યો છે. મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ ખસેડવામાં આવી છે.
આ પણ વાંચો: મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના, 6 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ
આ ગંભીર ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પોલીસે આ મામલે ગુનો નોંધી દીધો છે અને આ નરાધમોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કોસ્ટલ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.