Get The App

ઝેરી કફ સિરપથી 10 રાજ્યોમાં ફફડાટ મધ્ય પ્રદેશનો મૃત્યુઆંક 16ને પાર

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
ઝેરી કફ સિરપથી 10 રાજ્યોમાં ફફડાટ મધ્ય પ્રદેશનો મૃત્યુઆંક 16ને પાર 1 - image


- દેશભરના સિરપ કાંડ મુદ્દે સીબીઆઇ તપાસની સુપ્રીમમાં માગ 

- મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, કર્ણાટક, હિમાચલ, ગોવા બાદ હવે પંજાબમાં ઝેરી સિરપ પર પ્રતિબંધ

ભોપા : મધ્ય પ્રદેશમાં કફ સિરપને કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને ૧૬એ પહોંચી ગઇ છે. આ સ્થિતિ વચ્ચે હવે અન્ય રાજ્યોમાં પણ કફ સિરપને લઇને ફફડાટ વધ્યો છે. મ. પ્રદેશ, ગોવા, હરિયાણા, હિમાચલ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડ બાદ પંજાબે પણ કોલ્ડરિફ કફ સિરપ પર પ્રતિબંધ મુક્યો છે. એવામાં સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઇ છે અને આ કફ સિરપ મુદ્દે ઉચ્ચસ્તરીય તપાસના આદેશની માગ કરાઇ છે. જ્યારે મધ્ય પ્રદેશમાં અનેક બાળકોનો ભોગ લેનારા ઝેરી કફ સિરપનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે.

કફ સિરપ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં વકીલ દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીમાં માગ કરાઇ છે કે કોર્ટની દેખરેખરમાં આ સિરપકાંડની તપાસ થવી જોઇએ. જે પણ રાજ્યોમાં ઝેરી કફ સિરપ પિવાને કારણે બાળકોના મોત થયા હોય અને એફઆઇઆર દાખલ થઇ હોય તે તમામ મામલાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખરમાં આ તપાસ થવી જોઇએ. ફરી આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે દેશભરમાં એક ચોક્કસ માળખુ હોવું જોઇએ. જે માળખુ હાલ છે તેની પણ ચકાસણી કરવામાં આવે. મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં ઝેરી કફ સિરપથી ૧૬થી વધુ બાળકો માર્યા ગયા છે. આ વચ્ચે શ્રીસન ફાર્માસ્યૂટિકલની ફેક્ટ્રી પર આધારિત તમિલનાડુની રિપોર્ટે સૌને ચોંકાવી દીધા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ કફ સિરપ બનાવવામાં ૩૫૦ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તમિલનાડુ ઔષધિ નિયંત્રણ વિભાગ દ્વારા આ રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં વધુમાં જણાવાયું છે કે કંપનીમાં ભારે ગંદકી વચ્ચે સિરપ બનાવાયું, કુશળ કામદારો કે કર્મચારીઓ, મશીનરી સહિતની સુવિધાનો મોટો અભાવ જોવા મળ્યો. ક્વોલિટીની ચકાસણી કરતા વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી ના થઇ. 

સિરપમાં ૪૮.૬ ટકા ડાયએથિનોલ ગ્લાઇકોલ ડીઇજી મળી આવ્યું હતું જે કિડની નિષ્ફળ જવાનું કારણ બને છે. કોઇ ફિલ્ટરેશન સિસ્ટમ નહીં, પ્લાસ્ટિકના પાઇપ્સનો ઉપયોગ થતો હતો. મધ્ય પ્રદેશમાં વધુ બે કફ સિરપ ઝેરી નીકળી છે. ગુજરાતમાં બનેલી રિલાઇફ સિરપ અને રિસ્પાઇફ્રેશ ટીઆર સિરપમાં ખતરનાક સ્તરનું ડાયએથિલીન ગ્લાઇકોલ મળી આવ્યું છે. જેને પગલે મધ્ય પ્રદેશની સરકારે બન્ને કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે અને ગુજરાત સરકારને તપાસ કરવા કહ્યું છે. ડાયએથિલીન ગ્લાઇકોલ માત્રા કરતા વધુ હોવાનું લેબના રિપોર્ટમાં સામે આવ્યું છે. જેને કારણે લિવર, નર્વસ સિસ્ટમ અને કિડની વગેરેને ભારે નુકસાન પહોંચી શકે છે.

Tags :