કોકરોચથી મોદી સરકારમાં ફફડાટ, દિલ્હીની કિલ્લેબંધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પોલીસ મંજૂરી વિના આજે જેન-ઝીના દેખાવો : સીજેપી-બીજેપી વચ્ચે ઘર્ષણના એંધાણ
- સીજેપીને રોકવા દિલ્હીમાં ૨૫,૦૦૦ પોલીસ કર્મચારી-આર્મી જવાન ખડકાયા, ૩૮ ટ્રેનો રદ, મેટ્રોના ૫૭ સ્ટેશનો-ઈન્ટરનેટ બંધ કરાયા
- દિલ્હીમાં હોટેલો, લોજ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓની પણ સઘન તપાસ હાથ ધરાઈ : શહેરમાં ૧૨ ડિટેન્શન કેન્દ્રો બનાવાયા
નવી દિલ્હી : ચૂંટણી મતદાર યાદીમાં સુધારણા માટેની 'સર' કાર્યવાહી મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેશભરમાં આક્રોશ વધી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષ સતત ચાર દિવસથી દિલ્હી સહિત અનેક શહેરોમાં રસ્તા પર ઉતર્યો છે ત્યારે કોકરોચ જનતા પાર્ટીએ શનિવારે ફરી એક વખત જંતર-મંતર પર દેખાવોનું એલાન કર્યું છે. નીટ પેપર લીક મુદ્દે કેન્દ્ર સરકારને પીછેહઠ કરી ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણંત્રીપદેથી રાજીનામું આપવાની ફરજ પાડનાર કોકરોચ જનતા પાર્ટીથી ગભરાયેલી કેન્દ્ર સરકારે સીજેપી કાર્યકરોને જંતર-મંતર પર પહોંચતા રોકવા દિલ્હીને કિલ્લેબંધીમાં ફેરવી દીધી છે. સીજેપી કાર્યકરોને રોકવા માટે રેલવેએ અનેક ટ્રેનો રદ કરી દીધી છે, દિલ્હીમાં પોલીસે ૫૭ મેટ્રો સ્ટેશનો બંધ કરી દીધા છે અને ૨૫,૦૦૦થી વધુ કર્મચારીઓને ખડક્યા છે.
નીટ પેપર લીક મુદ્દે તત્કાલિન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ આંદોલન કરી કેન્દ્ર સરકારને ઝુકાવી દેનારી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) પણ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના વિરોધમાં રસ્તા પર ઉતરી છે. અભિજિત દીપકેના નેતૃત્વમાં સીજેપીએ શનિવારે દિલ્હીમાં જંતર-મંતર પર ફરીથી આંદોલનની જાહેરાત કરી હતી, પરંતુ દિલ્હી પોલીસે તેમને દેખાવોની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે.
દિલ્હીના જોઈન્ટ પોલીસ કમિશનર નુપુર પ્રસાદે શુક્રવારે જણાવ્યું હતું કે, પોલીસે વિલંબથી અરજી મળવા તથા જૂના દેખાવોમાં કાયદાના કથિત ભંગને ટાંકીને સીજેપીને જંતર-મંતર પર દેખાવોની મંજૂરી આપી નથી. સીજેપીએ ૭ ઓક્ટોબરે જ ધરણાં અને દેખાવો માટે અરજી કરી હતી. આમ છતાં સીજેપીએ શનિવારે જંતર-મંતર પર દેખાવો કરવાની જાહેરાત કરતા પોલીસે અનેક વિસ્તારોમાં બીએનએસએસની કલમ ૧૬૩ લાગુ કરી દીધી છે. પોલીસે ૫૭ મેટ્રો સ્ટેશનો બંધ કરી દીધા છે.
સીજેપી કાર્યકરોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે અનેક ટ્રેનો રદ કરી દેવાઈ છે. જમીની સરહદો પર બીએસએફ જવાનોને ગોઠવી દેવાયા છે. જંતર-મંતરની આજુબાજુના ચાર કિ.મી.ના વિસ્તારમાં શુક્રવારે રાતે ૧૦.૦૦થી શનિવારે રાતે ૧૦.૦૦ સુધી ઈન્ટરનેટ અસ્થાયીરૂપે બંધ કરી દેવાયું છે. આ સમયમાં મોબાઈલ ઈન્ટરનેટની બધી જ ટેક્નોલોજી પર પ્રતિબંધ લાગુ રહેશે. દિલ્હી પોલીસે એરટેલ, વોડાફોન-આઈડિયા, જિયો અને એમટીએનએલને આદેશોનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા છે. દિલ્હીમાં પોલીસે સુરક્ષા વ્યવસ્થાની તપાસ માટે શુક્રવારે અનેક સ્થળે મોક ડ્રીલ કરી હતી. સુરક્ષા વ્યવસ્થા જાળવવા કેન્દ્રીય બળોની ૧૨૦ કંપની હેઠળ ૨૫,૦૦૦ જેટલા સુરક્ષા કર્મચારીઓને ખડકી દેવાયા છે.
દિલ્હીની સરહદો પર પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અનેક જગ્યાએ વધારાના સીસીટીવી લગાવાયા છે. નવી દિલ્હીમાં વહેલી સવારે ૬.૦૦ વાગ્યાથી ખાનગી વાહનોનો પ્રવેશ અટકાવવામાં આવે તેવી પણ આશંકા છે. તકેદારીના ભાગરૂપે દિલ્હીમાં હોટેલો, લોજ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓની પણ સઘન તપાસ હાથ ધરાઈ છે. પોલીસના પ્રતિબંધો છતાં જંતર-મંતર પર દેખાવો કરાય તો દેખાવકારોને પકડીને રાખવા માટે શહેરમાં ૧૨ ડિટેન્શન કેન્દ્રો બનાવાયા છે. અધિકારીઓ મુજબ દિલ્હીની સરહદો પર પોલીસના પ્રતિબંધોના કારણે શુક્રવારે ૫,૦૦૦થી વધુ પ્રવાસીઓ તેમની ટ્રેનો પકડી શક્યા નહોતા. દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશનો પર સવારે ૪.૦૦થી બપોરે ૨.૦૦ સુધીમાં આવતી ૩૮ ટ્રેનો રદ કરી દેવાઈ છે.
દેખાવોના પગલે કોનોટ પ્લેસ વિસ્તારમાં બધી જ દુકાનો-રેસ્ટોરાં રાતે ૧૦ વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. સાથે બધી સરકારી અને ખાનગી ઓફિસો પણ બંધ રાખવાનું જણાવાયું છે. દિલ્હી પોલીસે ઉબર, ઓલા, ઝોમેટો, બ્લિન્કિટ, ઝેપ્ટો જેવી એગ્રેગેટર કંપનીઓને જંતર-મંતરની આજુબાજુ પરિવહન મર્યાદિત કરવા જણાવ્યું છે.
દરમિયાન દિલ્હીમાં જડબેસલાક વ્યવસ્થા મુદ્દે સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે, દેશમાં ઈમરજન્સી થોપી દેવામાં આવી છે. દિલ્હીને કિલ્લામાં ફેરવી દેવાઈ છે. આખી દિલ્હી બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે. આ વખતે અમે નહીં પરંતુ સરકારે જ માહોલ બનાવી દીધો છે.
ટુ-ટયૂબર ધુ્રવ રાઠીની નાગરિક્તા અને વિઝા શરતોની તપાસની માંગ
બેંગ્લુરુ, તા.૯
કોકરોચ જનતા પાર્ટીએ ગુરુવારે બેંગ્લુરુના ફ્રીડમ પાર્કમાં ચૂંટણી પંચની 'સર' કાર્યવાહીના વિરોધમાં યોજેલા દેખાવોમાં યુ-ટયૂબર ધુ્રવ રાઠી પણ જોડાયો હતો ત્યારે આ દેખાવોમાં તેની હાજરી સામે વાંધો ઉઠાવાયો છે. બેંગ્લુરુના ભૂતપૂર્વ પોલીસ કમિશનર ભાસ્કર રાવે શુક્રવારે ધુ્રવ રાઠીની નાગરિક્તા, ઈમિગ્રેશનની સ્થિતિ અને વિઝા શરતોના પાલનની તપાસ માટે ગૃહમંત્રાલયને હસ્તેક્ષપે કરવા માગણી કરી છે.
કેન્દ્રીય ગૃહ સચિવને લખેલા પત્રમાં ભાસ્કર રાવે કહ્યું કે, જર્મનીની નાગરિક્તા ધરાવતા ધુ્રવ રાઠીને ભારતમાં સર કાર્યવાહીના વિરોધમાં યોજાયેલા દેખાવોમાં ભાગ લીધો હતો. ભાસ્કર રાવે એક્સ પર લખ્યું, મર્યાદિત અને વિશેષ મુદ્દો, જેની તપાસની જરૂર છે તે એ છે કે શું કોઈ વિશેષ વિઝા, ઈમિગ્રેશન મંજૂરી અથવા અન્ય સ્થિતિના આધારે ભારતમાં રહેતો કોઈ વિદેશી નાગરિક, ભારતના બંધારણીય સંસ્થાનોના કામકાજ સંબંધિત કોઈ સંગઠિત રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ શકે? તેમણે ધુ્રવ રાઠીની વર્તમાન નાગરિક્તા અને રાષ્ટ્રીયતા, ભારતમાં પ્રેશ માટે ઉપયોગ કરાયેલા પાસપોર્ટ, દેશમાં રહેવા માટે અપાયેલા વિઝા અથવા અન્ય મંજૂરીઓની શ્રેણી, પ્રવાસનો આશય અને સત્તાવાર પ્રવાસ સાથે સંકળાયેલી શરતોની પુષ્ટી કરવા ગૃહમંત્રાલયને આગ્રહ કર્યો છે.
યુવાનોને દેખાવોથી દૂર રાખવા પોલીસ મસ્જિદો-ગલીઓમાં પહોંચી
નવી દિલ્હી : કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) તરફથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે શનિવારે જંતર-મંતર પર દેખાવોનું એલાન કરાયું છે ત્યારે નીટ પેપર લીક દેખાવોની જેમ મોટી સંખ્યામાં યુવાનો આ દેખાવોમાં ના જોડાય તે માટે દિલ્હી પોલીસે આ વખતે વિશેષ તકેદારી રાખી છે.
દિલ્હી પોલીસના એક જવાને શુક્રવારે જૂની દિલ્હીમાં એક મસ્જિદમાં જઈને ત્યાં હાજર લોકોને સીજેપીના દેખાવોથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. તેમણે પોલીસ વિભાગનો સંદેશો મસ્જિદમાં લોકોને સંભળાવ્યો અને અપીલ કરી કે તમે અને તમારા સંતાનોને કોઈપણ પ્રકારના દેખાવોમાં જોડાવાની મંજૂરી ના આપશો.
તમારા મિત્રો, પરિવાર અને સંતાનોને સલાહ આપો કે, દેખાવોમાં ના જોડાય, કારણ કે પોલીસ તંત્ર તેનું કામ કરી રહ્યું છે અને એવામાં આપણા સંતાનોને કોઈ પ્રકારનું નુકસાન ન થવું જોઈએ. કોઈપણ અફવા તથા કોઈ ઉશ્કેરણીજનક સંદેશા પર વિશ્વાસ ના કરશો અને તેના પર ધ્યાન પણ ના આપશો. દિલ્હી પોલીસે જંતર-મંતરની આજુબાજુની ગલીઓમાં ફરીને પણ આ પ્રકારના સંદેશા આપતા લોકોને શનિવારે ઘરોમાં જ રહેવા ચેતવણી આપી હતી.




