નવી મુંબઇ, તા. 29 જૂન 2022, બુધવાર
સુપ્રિમ કોર્ટે મોડી રાત સુધી થયેલ સુનાવણીને અંતે શિવસેના દ્વારા કરવામાં આવેલ અરજી ફગાવી દેતા હવે ફ્લોર ટેસ્ટનો સામનો કરવો અથવા સ્વેચ્છાએ રાજીનામું આપવાના બે જ વિકલ્પો હતા. આ વિકલ્પમાંથી બીજા વિકલ્પ મુખ્યમંત્રી પદેથી તેમણે રાજીનામું આપ્યું છે.
ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદેની સાથે MLC પદેથી પણ રાજીનામું આપ્યું છે.
મારી અંતિમ કેબિનેટ મીટિંગમાં મને ઔરંગાબાદ શહેરનું નામ 'સંભાજીનગર' રાખવાની જાહેરાત કરવાનો આનંદ છે. મારા કાર્યકાળનો આ સૌથી શ્રેષ્ઠ નિર્ણય રહ્યો છે.
રાજ્યના ઓટો ડ્રાઈવર-વડાપાઉં વેચનારથી લઈને દરેક વર્ગે મને સહકાર આપ્યો એ બદલ આભાર પરંતુ ઘરના લોકોએ જ દગાખોરી કરી છે.
શિંદે સમૂહના ધારાસભ્યોને મેં ટિકિટ આપી એ મારી ભૂલ નહિ મારૂં પાપ હતુ.
રાજ્યપાલનો ફ્લોર ટેસ્ટનો આદેશ :
બુધવારે સવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. રાજ્યપાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેનો એજન્ડા મુખ્યમંત્રી સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ છે. ગુરૂવારે સાંજે 5:00 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે.

રાજ્યપાલે પત્રમાં લખ્યું હતું કે, પ્રદેશના રાજકારણની સ્થિતિ ખાસ સારી નથી. શિવસેનાના 39 ધારાસભ્યો પહેલેથી જ મહાવિકાસ અઘાડી ગઠબંધનમાંથી અલગ થવાની વાત કહી ચુક્યા છે. જ્યારે 7 અપક્ષ ધારાસભ્યોએ પણ પત્ર લખીને ઉદ્ધવ સરકારને આપેલું સમર્થન પાછું લેવાની વાત કરી છે.
ભાજપ અને અપક્ષના કેટલાક ધારાસભ્યોએ ગઈકાલે ફ્લોર ટેસ્ની માગણી ઉઠાવી હતી.
આ પણ વાંચો: સુપ્રિમનો આદેશ: ગુરૂવારે બહુમત સાબિત કરે ઉદ્ધવ સરકાર
કેબિનેટ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે –
સાંજે 5 વાગે યોજાયેલ કેબિનેટ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ નામકરણની માંગણીઓ સ્વીકારી હતી. કેબિનેટમાં નામકરણ માટેના કુલ 4 પ્રસ્તાવો મુકવામાં આવ્યા હતા.
આ સિવાય કેબિનેટ બેઠકમાં છેલ્લા અઢી વર્ષમાં સરકાર ચલાવવા માટે તેમનો સાથ આપવા બદલ તમામ મંત્રીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતુ કે તમે અન્ય પક્ષના થઈને પણ મને સાથ આપ્યો પરંતુ મારા પોતાના માણસોએ જ પીઠમાં ખંજર ભોંક્યું છે. શિવસેનાના માણસો જ અમારો વિશ્વાઘાત કર્યો છે.
આ સિવાય તેમણે અંતિમ મિનિટમાં કહ્યું કે આ મારી અંતિમ બેઠક નથી. આપણે આગળ પણ મળીશું, જોડે કામ કરીશું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ શા માટે ચર્ચામાં છે ?


