For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ શા માટે ચર્ચામાં છે ?

Updated: Jun 28th, 2022

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ શા માટે ચર્ચામાં છે ?

મુંબઈ, તા. 28 જૂન 2022 મંગળવાર

મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં ઉદ્ધવ ઠાકરે અને બાગી એકનાથ શિંદે સિવાય જે એક નામ સૌથી વધારે ચર્ચામાં છે, તે છે નરહરિ ઝિરવાલ. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ પર શિંદે જૂથ ભેદભાવનો આરોપ લગાવી રહ્યા છે. ઝિરવાલના નિર્ણયોને સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર અપાયો છે. જેની પર કોર્ટે તેમને નોટિસ ફટકારી છે.

ઝિરવાલે નાસિકના આદિવાસી વિસ્તારમાંથી રાજકીય ઈનિંગની શરૂઆત કરી હતી. ફેબ્રુઆરી 2021થી મહારાષ્ટ્ર વિધાનસભાને ચલાવવાની જવાબદારી તેમના ઉપર છે. 2019માં ભાજપની સાથે મળીને અજીત પવારની બગાવત વખતે તેઓ પણ સાથે ચાલ્યા ગયા હતા પરંતુ શરદ પવાર કેમ્પમાંથી પાછા ફર્યા હતા. ઝિરવાલે કહ્યુ હતુ કે તેમના જીવનમાં માતા-પિતા બાદ જો કોઈનુ સૌથી વધારે મહત્વ છે તો તે શરદ પવારનુ છે. 

જાણો નરહરિ ઝિરવાલ વિશે મહત્વની વાતો

- 63 વર્ષના નરહરિ ઝિરવાલને ખૂબ સરળ અને વિનમ્ર સ્વભાવના શખ્સ માનવામાં આવે છે. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. દર વખતે તે એનસીપીની ટિકિટ પર નાસિકના ડિંડોરીથી જીતીને આવ્યા છે. 80ના દાયકામાં તેમણે જનતા દળના કાર્યકર્તા તરીકે પોતાની રાજકીય ઈનિંગની શરૂઆત કરી હતી.

- ઝિરવાલને સમાજના ઉપેક્ષિત અને વંચિત લોકો માટે કામ કરનારા નેતા તરીકે જોવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં કામ કરવાથી તેમના રાજકીય જીવનની શરૂઆત થઈ હતી. ઝિરવાલની ઓળખ જનજાતીય સમુદાય માટે સતત કામ કરનારા નેતાની રહી છે. 

- ઝિરવાલે શરૂઆતમાં સ્થાનિક પંચાયત સમિતિની ચૂંટણીમાં જનતા દળની સાથે-સાથે કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર બે વાર જીત પ્રાપ્ત કરી. બાદમાં તેઓ રાકાંપામાં સામેલ થઈ ગયા. 2004માં પહેલીવાર ડિંડોરીથી વિધાનસભા ચૂંટણી જીત્યા. 2009ની ચૂંટણી તેઓ શિવસેનાના ઉમેદવારથી માત્ર 149 મતથી હારી ગયા હતા. નરહરિ ઝિરવાલને એનસીપી નેતા શરદ પવાર અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નજીકના માનવામાં આવે છે. તેમણે એનસીપીની ટિકિટ પર બે વાર લોકસભાની ચૂંટણી પણ લડી, પરંતુ અસફળ રહ્યા. 

- ઝિરવાલ નવેમ્બર 2019માં તે સમયે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે અજીત પવારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની સાથે મળીને બળવાનો અસફળ પ્રયત્ન કર્યો હતો. ઝિરવાલ તે રાકાંપા ધારાસભ્યોમાંથી હતા, જેઓ અજીત પવારની સાથે રાજભવનમાં ખાનગી રીતે સવારે શપથ ગ્રહણ સમારોહ માટે ગયા હતા, જેમાં રાજ્યપાલે ફડણવીસને સીએમ અને અજીતને તેમના ડેપ્યુટી તરીકે શપથ અપાવી દીધા હતા.

- જોકે નરહરિ ઝિરવાલ તે બાદ ગુંડગાવની હોટલમાંથી પાછા આવી ગયા હતા, જ્યાં તેમને અન્ય ધારાસભ્યોની સાથે રાખવામાં આવ્યા હતા. તેઓ શરદ પવારના નેતૃત્વવાળા રાકાંપા જૂથમાં ફરીથી સામેલ થઈ ગયા હતા. ત્યારે તેમણે કહ્યુ હતુ કે જ્યારે તેમને લાગ્યુ કે અજીત પવારની હરકતથી રાજ્યમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ તો તેમણે ફરીથી એનસીપી નેતૃત્વ સાથે સંપર્ક સાધ્યો હતો. 

- મારા માતા-પિતા બાદ, શરદ પવાર જ છે જેમણે મારા જીવનમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવી છે. હુ તેમને દગો આપી શકુ નહીં. જ્યારે અમને મહારાષ્ટ્રમાં ગડબડીનો અહેસાસ થયો, તો મે અને અન્ય પાર્ટી ધારાસભ્યોએ પાછા જવાનો નિર્ણય કર્યો. અમે પોતે રાકાંપા નેતાઓને ફોન કર્યો અને હોટલમાંથી નીકાળ્યા.

- શિવસેના, રાકાંપા અને કોંગ્રેસના સહયોગથી મહારાષ્ટ્રમાં એમવીએ સરકાર બનવાના લગભગ ચાર મહિના બાદ ઝિરવાલને રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા. ફેબ્રુઆરી 2021માં નાના પટોલે વિધાનસભા અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપીને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ બની ગયા હતા. ત્યારથી વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી થઈ શકી નથી અને ડેપ્યુટી સ્પીકર ઝિરવાલ જ સદનનુ કામકાજ સંભાળી રહ્યા છે. 

- સત્તાધારી શિવસેનામાં બગાવત દરમિયાન ડેપ્યુટી સ્પીકર ઝિરવાલના કેટલાક નિર્ણયો પર બાગી એકનાથ શિંદે જૂથ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. વિધાનસભામાં શિવસેના ધારાસભ્ય દળના નેતા પદ પરથી શિંદેને હટાવીને અજય ચૌધરીને નિયુક્ત કરવાનો નિર્ણય ઝિરવાલે જ આપ્યો હતો. તે સિવાય, શિંદે સહિત બાગી 16 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની નોટિસ પણ જારી કરી, જેમાં લગભગ 48 કલાકની જ નોટીસ આપી. 

- અયોગ્યતા નોટિસની આ સમય મર્યાદા પૂરી થયા પહેલા જ શિંદે કેમ્પે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સોમવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી હાઈ વોલ્ટેજ સુનાવણીમાં ડેપ્યુટી સ્પીકર પર શિંદે જૂથ તરફથી કેટલાક ગંભીર આરોપ લગાવાયા. સુપ્રીમ કોર્ટે પણ ઝિરવાલને કહ્યુ હતુ કે તેઓ પોતાના વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને કેવી રીતે ફગાવ્યો. તેઓ પોતે જ પોતાના કેસમાં જજ કેવી રીતે બની ગયા. હવે સુપ્રીમ કોર્ટે બાકી લોકોની સાથે ડેપ્યુટી સ્પીકર ઝિરવાલને પણ નોટિસ જારી કરી છે અને જવાબ દાખલ કરવાનુ કહ્યુ છે.

Gujarat