હોટ એર બલૂનમાં બેસતાં આગ લાગી, મધ્ય પ્રદેશના સીએમ મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચ્યાં
CM Mohan Yadav Hot Air Balloon Caught Fire: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સાથે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. શનિવારે (13મી સપ્ટેમ્બર) જ્યારે તે હોટ એર બલૂન એક્ટિવિટી માટે મંદસૌર પહોંચ્યા હતા, ત્યારે તેમના હોટ એર બલૂનમા આગ લાગી હતી. જો કે, તેમની સાથે હાજર સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક તેમને હોટ એર બલૂનમાંથી બહાર કાઢ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.
ભારે પવનના કારણે આગ લાગી
અહેવાલો અનુસાર, મધ્ય પ્રદેશના મંદસૌરમાં ગાંધી સાગર અભયારણ્ય છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. શનિવારે સવારે મુખ્યમંત્રી પણ હોટ એર બલૂન એક્ટિવિટી માટે આવ્યા હતા. જ્યારે તેઓ બલૂનની અંદર હતા, ત્યારે હોટ એર બલૂનનો નીચેનો ભાગ આગ લાગી હતી. પરંતુ તેમની સુરક્ષા માટે હાજર સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક તેમને બહાર કાઢ્યા અને પછી આગ ઓલવી નાખી.
હોટ એર બલૂનની સંભાળ રાખનારા લોકોએ જણાવ્યું કે, 'જ્યારે મુખ્યમંત્રી ફુગ્ગામાં ચઢ્યા ત્યારે પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આવી સ્થિતિમાં ફુગ્ગો આગળ વધી શક્યો નહીં. જેના કારણે તેના નીચેના ભાગમાં આગ લાગી હતી.'
જિલ્લા કલેક્ટર અદિતિ ગર્ગે જણાવ્યું હતું કે, 'કેટલાક મીડિયાએ એર બલૂન અંગે ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવી છે. એર બલૂન સુરક્ષામાં કોઈ ખામી રહી નથી. મુખ્યમંત્રી ફક્ત એર બલૂન જોવા માટે ગયા હતા.'
આ પણ વાંચો: મિઝોરમમાં કુતુબ મિનાર કરતાં પણ ઊંચો રેલવે બ્રિજ તૈયાર, PM મોદીએ કર્યું ઉદઘાટન
સીએમ મોહન યાદવની મોટી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (12મી સપ્ટેમ્બર) મુખ્યમંત્રી મોહન યાદવ ઝાબુઆમાં હતા. ત્યારબાદ તેઓ મંદસૌર પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ ઝાબુઆમાં એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'દિવાળી પછી, લાડલી બહેના યોજના હેઠળ માસિક નાણાકીય સહાય વર્તમાન 1250 રૂપિયાથી વધારીને 1500 રૂપિયા કરવામાં આવશે.'