મિઝોરમમાં કુતુબ મિનાર કરતાં પણ ઊંચો રેલવે બ્રિજ તૈયાર, PM મોદીએ કર્યું ઉદઘાટન
PM Modi Mizoram Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે. તેઓ હાલમાં મિઝોરમમાં છે, જ્યાં તેમણે રાજ્યને રેલવેની ભેટ આપી છે. વડાપ્રધાને મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું છે. તેમાં મુખ્ય છે વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ અને મિઝોરમમાં રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે રૂ. 8,070 કરોડથી વધુના ખર્ચે તૈયાર બૈરાબી-સૈરાંગ રેલ લાઈન પ્રોજેક્ટ જે મિઝોરમની રાજધાનીને પ્રથમ વખત ભારતીય રેલ નેટવર્ક સાથે જોડશે.
મિઝોરમને જોડવાનો પ્રોજેક્ટ મુશ્કેલ હતો
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શુક્રવારે મિઝોરમ પહોંચ્યા હતા અને આ નવા રેલવે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, 'મિઝોરમને જોડવાનો પ્રોજેક્ટ ખૂબ જ મુશ્કેલ હતો. જેવી રીતે કાશ્મીરમાં ચિનાબ બ્રિજ એફિલ ટાવરથી ઊંચો છે, તેવી જ રીતે મિઝોરમમાં કુતુબ મિનારથી ઊંચો બ્રિજ બનાવવામાં આવ્યો છે.'
कुतुब मीनार से भी ऊँचा रेल ब्रिज!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 12, 2025
📍मिजोरम pic.twitter.com/av1cECWgCY
એક પડકારજનક પહાડી વિસ્તારમાં બનેલા આ રેલવે લાઈન પ્રોજેક્ટમાં જટિલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં 45 ટનલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત તેમાં 55 મોટા બ્રિજ અને 88 નાના બ્રિજ પણ સામેલ છે.
આ પણ વાંચો: PM મોદી મિઝોરમમાં, રેલવે લાઈનનું ઉદઘાટન, 3 નવી એક્સપ્રેસને લીલીઝંડી બતાવી
મિઝોરમનો દેશના બાકીના ભાગ સાથે સીધો રેલ સંપર્ક
રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મિઝોરમ અને દેશના બાકીના ભાગો વચ્ચે સીધો રેલ સંપર્ક પ્રદેશના લોકોને સુરક્ષિત, કાર્યક્ષમ અને સસ્તું મુસાફરી વિકલ્પો પ્રદાન કરશે. તે અનાજ, ખાતરો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સમયસર અને વિશ્વસનીય પુરવઠો પણ સુનિશ્ચિત કરશે, જેનાથી સમગ્ર લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને ક્ષેત્રીય પહોંચ વધશે.
મિઝોરમને મળી ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોની ભેટ
વડાપ્રધાન મોદીએ આ અવસર પર ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનો, સૈરાંગ (આઈઝોલ)-દિલ્હી (આનંદ વિહાર ટર્મિનલ) રાજધાની એક્સપ્રેસ, સૈરાંગ-ગુવાહાટી એક્સપ્રેસ અને સૈરાંગ-કોલકાતા એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપી છે. આઈઝોલ હવે એક રાજધાની એક્સપ્રેસ દ્વારા સીધા દિલ્હી સાથે જોડાશે. સૈરાંગ-ગુવાહાટી એક્સપ્રેસ મિઝોરમ અને આસામ વચ્ચે અવરજવરને સરળ બનાવશે. સૈરાંગ-કોલકાતા એક્સપ્રેસ મિઝોરમને સીધું કોલકાતા સાથે જોડશે.'