અણઘડ વહીવટ અને તૈયારી વિના SIRના કારણે નાગરિકો હેરાન પરેશાન: મમતા બેનરજીનો ચૂંટણી પંચને પત્ર

CM Mamata Banerjee Letter To EC : બિહારની ચૂંટણીમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના અમલ બાદ ભાજપના નેતૃત્વ હેઠળના NDAને જંગી બહુમતીથી જીત મળી હતી. હવે આ જ એસઆઈઆર પ્રક્રિયા પશ્ચિમ બંગાળમાં શરૂ થવાની હોવાથી મુખ્યમંત્રી મમતા બેનરજીની ચિંતામાં વધારો થયો છે.
CM મમતાએ ચૂંટણી પંચના મુખ્ય અધિકારીને પત્ર લખ્યો
મમતા બેનરજીએ એસઆઈઆર શરૂ થાય તે પહેલા જ કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય અધિકારી જ્ઞાનેશ કુમાર (Chief Election Commissioner Gyanesh Kumar)ને એક પત્ર લખીને એસઆઈઆર અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે. મમતા બેનરજીએ આ પત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા એસઆઈઆર પ્રોગ્રામને લઈને ચૂંટણી પંચ સમક્ષ અપીલ કરી છે કે એસઆઈઆરના કારણે બંગાળમાં પરિસ્થિતિઓ ખૂબ જ ખતરનાક તબક્કે પહોંચી ગઈ છે.
SIRની પરિસ્થિતિ ખતરનાક તબક્કે પહોંચી : CM મમતા
ચૂંટણી પંચના મુખ્ય અધિકારી જ્ઞાનેશ કુમારને લખેલા પત્રમાં મમતા બેનરજીએ કહ્યું છે કે, ‘હું તમને આ પત્ર લખવા માટે મજબૂર છું, કારણ કે, ચાલી રહેલા એસઆઈઆરની પરિસ્થિતિઓ ખૂબ જ ખતરનાક તબક્કે પહોંચી ગઈ છે. આ કામ અધિકારીઓ અને નાગરિકો પર લાદવામાં આવ્યું છે, જે પ્લાન વિનાનું અને અસ્તવ્યસ્ત જ નહીં, પણ ખતરનાક પણ છે. બેઝિક તૈયારી, યોગ્ય આયોજન અથવા કોમ્યુનિકેશનની સમસ્યાના કારણે આ પ્રક્રિયા પહેલા દિવસથી જ નબળી પડી છે.’
આ પણ વાંચો : દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી
SIRની કામગીરીમાં ખામી હોવાનો મમતાનો દાવો
મુખ્યમંત્રી મમતા બેનરજી (West Bengal CM Mamata Banerjee)એ એવું પણ લખ્યું છે કે, ‘જે લોકોને SIRની કામગીરી સોંપાઈ છે, તેઓની ટ્રેનિંગમાં મોટી ખામીઓ, જરૂરી દસ્તાવેજો પર સ્પષ્ટ માહિતીનો અભાવ અને રોજગારની કામગીરી વખતે મતદારોને મળવું અશક્ય છે, તેથી SIRનું કામ માળખાકીય રીતે યોગ્ય નથી.’

