અરુણાચલ મામલે ચીનનો ફરી દાવો, કહ્યું, ‘જંગનાન અમારું છે, અમે ભારતીય મહિલાને હેરાન કરી નથી’

China-India Controversy : અરુણાચલ પ્રદેશની એક ભારતીય મહિલાની શાંઘાઈ ઍરપોર્ટ પર હેરાનગતિ થઈ હોવાના આરોપોને ચીને મંગળવારે (25 નવેમ્બર) ખોટા ગણાવીને નકારી કાઢ્યા છે. ચીને દાવો કર્યો છે કે ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ સંપૂર્ણપણે કાયદા અને નિયમો અનુસાર કાર્યવાહી કરી છે. બીજી તરફ ભારતે આ ઘટના અંગે ચીન સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેમના જન્મસ્થળ તરીકે અરુણાચલ પ્રદેશનો ઉલ્લેખ હોવાથી તેમનો પાસપોર્ટ 'અવૈધ' ગણીને તેમને 18 કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હતા.
ચીને ભારતીય મહિલાના દાવાનો ફગાવ્યો, અરુણાચલનો મુદ્દો ઉઠાવ્યો
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે મંગળવારે ભારતીય મહિલા પેમા વાંગજોમના દાવાને ખોટો ગણાવ્યો છે. નિંગે દાવો કર્યો છે કે, ‘ઇમિગ્રેશન અધિકારીઓએ કાયદા અને નિયમો અનુસાર જ કાર્યવાહી કરી હતી અને મહિલાને કોઈપણ હેરાનગતિ કરવામાં આવી નથી. ઉલટાનું એરલાઇને તેમના માટે આરામ અને ભોજનની વ્યવસ્થા કરી હતી.’ તેમણે અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાને ફરી દોહરાવીને કહ્યું કે, ‘જંગનાન ચીનનો ભાગ છે. ભારતના અરુણાચલ પ્રદેશ પર દાવાને ચીને ક્યારેય માન્યતા આપી નથી.’
ભારતનો ચીનને જડબાતોડ જવાબ
ભારતે મહિલા સાથે બનેલી ઘટનાના દિવસે જ રાજદ્વારી વિરોધ નોંધાવ્યો હતો. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, ‘અરુણાચલ પ્રદેશ ભારતની જ જમીન છે અને ત્યાંના નાગરિકોને ભારતીય પાસપોર્ટ પર મુસાફરી કરવાનો સંપૂર્ણ હક છે. શાંઘાઈમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે પણ ભારતીય મહિલા મુદ્દો ઉઠાવ્યો હતો અને તેણીની તુરંત મદદ કરી હતી. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ઘટનાને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
આ પણ વાંચો : ‘...તો હું આખા દેશમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ’, મમતા બેનર્જીએ ફેંક્યો પડકાર
ઇમિગ્રેશન અધિકારીએ મહિલાની મજાક ઉડાવી
ઉલ્લેખનીય છે કે, લંડનથી જાપાન જઈ રહેલી અરુણાચલ પ્રદેશની ભારતીય નાગરિક પેમા વાંગજોમ થોંગડોકે શાંઘાઈના પુડોંગ ઍરપોર્ટ પર ચીની ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હોવાનો ગંભીર દાવો કર્યો છે. તેમને 18 કલાકથી વધુ સમય સુધી રોકી રાખવામાં આવ્યા હતા અને તેમનો ભારતીય પાસપોર્ટ અમાન્ય જાહેર કરાયો હતો. થોંગડોકે કહ્યું કે, ‘હું છેલ્લા લગભગ 14 વર્ષથી યુકેમાં રહું છું અને લંડનથી શાંઘાઈ થઈને જાપાન જઈ રહી હતી. શાંઘાઈમાં ટ્રાન્ઝિટ દરમિયાન ચીની ઇમિગ્રેશનના એક અધિકારીએ મને લાઇનમાં અલગ ઊભી રાખી હતી. મેં તેમને કારણ પૂછ્યું તો તેમણે કહ્યું, ‘અરુણાચલ- ભારતનું નહીં, ચીનનું, તમારો વિઝા સ્વીકાર્ય નથી, તમારો પાસપોર્ટ અમાન્ય છે.’ આ દરમિયાન અધિકારીએ મારી મજાક ઉડાવીને કહ્યું કે, ‘તમારે ચીની પાસપોર્ટ માટે અરજી કરવી જોઈએ, તમે ચીની છો, ભારતીય નથી.’ થોંગડોકે આ વર્તનને અપમાનજનક ગણાવ્યું હતું. જોકે, તેમણે શાંઘાઈ અને બેઇજિંગમાં ભારતીય દૂતાવાસોનો સંપર્ક કર્યો હતો, પછી લગભગ એક કલાકમાં જ ભારતીય અધિકારીઓ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ તેમને ભોજન પૂરું પાડ્યું અને ચીની સત્તાવાળાઓ સાથે વાતચીત કરીને તેમને દેશની બહાર નીકળવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો : ‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ

