એક્ઝિટ પોલમાં જીતનું અનુમાન છતાં કેમ વધ્યા NDAના ધબકારા? ડરાવી રહ્યો છે આ આંકડો

| (IMAGE - IANS) |
Bihar Election Exit Poll Result: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે આવવાના છે. જોકે, મોટા ભાગના એક્ઝિટ પોલ્સ NDAની વાપસીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેમાં NDAને 150થી 170 બેઠકો મળવાનો અને મહાગઠબંધન 100થી ઓછી બેઠકો પર સીમિત રહેવાનો અંદાજ છે. ફક્ત બે સર્વેક્ષણોમાં જ ટાઇટ ફાઇટની વાત છે. આ આંકડાઓ વચ્ચે પણ, NDA માટે એક વાત ચિંતાનું કારણ બની છે, એ છે બિહારમાં થયેલું વધુ મતદાન. આ વખતનું મતદાન 1952 પછીનું સૌથી વધુ હોવાથી NDAની ચિંતામાં વધારો થયો છે.
વધેલું મતદાન NDA માટે ચિંતાનું કારણ
અ વખતે બિહારમાં કુલ 66.91% મતદાન નોંધાયું છે, જે 2020ના 57.29% મતદાનની સરખામણીએ 9% વધારે છે. આ વધારો NDA માટે ચિંતાનું કારણ છે, કારણ કે બિહારના ચૂંટણી ઇતિહાસમાં વધેલા મતદાન સાથે હંમેશા સત્તા પરિવર્તન થયું છે. વિપક્ષ તેને 'પરિવર્તન માટેનો મત' ગણાવી રહ્યું છે. ભૂતકાળમાં, જ્યારે પણ મતદાન 5%થી વધુ વધ્યું છે, ત્યારે ત્રણ વખત સરકાર બદલાઈ છે. દા.ત., 1969માં 7% મતદાન વધતાં કોંગ્રેસની સરકાર બદલાઈ ગઈ હતી અને બિહારમાં બિન-કોંગ્રેસી સરકારોની શરુઆત થઈ હતી.
બિહારમાં ફરી સત્તા પલટાની ચર્ચા
વધેલા મતદાનને કારણે NDAની ચિંતા વધી છે, કારણ કે ભૂતકાળમાં વધેલા મતદાનથી સત્તા પરિવર્તન થયું છે. જેમકે 1980ની ચૂંટણીમાં 7% મતદાન વધતા સત્તા બદલાઈ હતી અને 1990માં 5.7%ના વધારાથી કોંગ્રેસની સરકાર દૂર થઈને જનતા દળની વાપસી થઈ હતી. આ આંકડાઓ જોતાં બિહારમાં ફરીથી સત્તા પલટાઈ શકે છે તેવી ચર્ચા છે. જોકે, NDAને આ વધેલા મતદાનથી જીતની આશા છે, કારણ કે આ વખતે મહિલાઓએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે, જેમને નીતીશ કુમારના સમર્થક માનવામાં આવે છે.
મહિલાઓના ઊંચા મતદાનથી NDAને આશા
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, મહિલાઓએ પુરુષો કરતાં 9% વધુ (71.6%) મતદાન કર્યું છે, જ્યારે પુરુષોનું મતદાન 62.8% રહ્યું છે. મહિલાઓને નીતીશ કુમારના સમર્થક વર્ગ તરીકે જોવામાં આવતી હોવાથી, NDAને આશા છે કે આ વધેલા મતદાનનો લાભ તેમને મળશે. તેમ છતાં, પરિણામો ન આવે ત્યાં સુધી ચિંતાનો માહોલ યથાવત્ છે.

