Get The App

હવે વડાપ્રધાન અને અન્ય VVIPની સુરક્ષાની જવાબદારી પણ રો ચીફના શિરે, દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો નિર્ણય

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
હવે વડાપ્રધાન અને અન્ય VVIPની સુરક્ષાની જવાબદારી પણ રો ચીફના શિરે, દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો નિર્ણય 1 - image


PM and VVIP Security: દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. 12મી નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે આ ઘટનાને લઈને કેબિનેટ બેઠક યુજી હતી. આ બેઠકમાં સુરક્ષા સંબંધિત અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કે, સૌથી નોંધપાત્ર નિર્ણય ભારતની ગુપ્તચર એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના ચીફ પરાગ જૈનની નિમણૂકનો હતો. IPS અધિકારી પરાગ જૈનને કેબિનેટ સચિવાલયમાં સચિવ (સુરક્ષા)નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. દિલ્હીની ઘટના બાદ આ નિમણૂકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 

IPS પરાગ જૈન કોણ છે?

પરાગ જૈન 1989 બેચના પંજાબ કેડરના IPS અધિકારી છે. તેમને પહેલી જુલાઈ 2025ના રોજ RAW ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરાગ જૈન પંજાબમાં અનેક આતંકવાદ વિરોધી કામગીરીમાં સામેલ રહ્યા છે. તેમણે ભટિંડા, માનસા અને હોશિયારપુર જેવા સ્થળોએ મહત્ત્વપૂર્ણ ઓપરેશન મુખ્ય ભૂમિકા ભજવી છે. અગાઉ તેમણે ચંદીગઢના SSP અને લુધિયાણા રેન્જના DIG તરીકે સેવા આપી હતી.

હવે વડાપ્રધાન અને અન્ય VVIPની સુરક્ષાની જવાબદારી પણ રો ચીફના શિરે, દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો નિર્ણય 2 - image

ઇન્ટેલિજન્સ વર્તુળોમાં પરાગ જૈનને સુપર જાસૂસ તરીકે ઓળખવામાં આવે છે. તેમને HUMINT (હ્યુમન ઈન્ટેલિજન્સ) અને TECHINT (ટેકનિકલ ઈન્ટેલિજન્સ) બંનેમાં કુશળતા હોવાનું કહેવાય છે.આ ઉપરાંત પરાગ જૈનને કાશ્મીર ક્ષેત્રમાં નોંધપાત્ર અનુભવ છે. RAWના ચીફ બનતા પહેલા  તેમણે RAWની અંદર એવિએશન રિસર્ચ સેન્ટર (ARC)નું નેતૃત્ત્વ કર્યું હતું. ARCનું કામ એરિયલ સર્વેલન્સ, ઈમેજરી ઈન્ટેલિજન્સ (IMINT), સરહદ દેખરેખ અને ફોટો રિકોનિસન્સ ફ્લાઇટ્સથી જાસૂસી કરવાનું છે.

પરાગ જૈનની નવી જવાબદારી શું છે?

12મી નવેમ્બરના રોજ  જાહેર કરાયેલા એક આદેશમાં IPS પરાગ જૈનને કેબિનેટ સચિવાલયમાં સચિવ (સુરક્ષા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સચિવ વડાપ્રધાન અને અન્ય VVIPની સુરક્ષા માટે જવાબદાર છે. 31મી જુલાઈથી આ પદ પર કોઈ નિયમિત નિમણૂક થઈ નથી. કેબિનેટ સચિવાલયમાં સચિવ (સુરક્ષા) સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના વહીવટી વડા છે. 

SPG વડાપ્રધાન અને તેમના પરિવારની સુરક્ષા માટે જવાબદાર છે. આ પદમાં વહીવટી નેતૃત્વ, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતો પર નીતિગત સંકલન અને દેશભરમાં કાયદા અમલીકરણ એજન્સીઓ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. દેશમાં સ્વસ્થ સુરક્ષા પરિસ્થિતિ જાળવવા માટે વિવિધ સ્તરે કાર્યરત એજન્સીઓ વચ્ચે સંકલનની જરૂર છે. પરાગ જૈન હવે આ સંકલનને મજબૂત બનાવવાની જવાબદારી સંભાળે છે.

Tags :