VIDEO: iPhoneના હપ્તા બાબતે ઝગડો, આપઘાત કરી રહેલા પુત્રને બચાવવા જતાં પિતા ખીણમાં પડ્યા, માતાએ પણ વ્હાલું કર્યું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sambhajinagar Tisgaon Hill iPhone Dispute Tragedy: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક 18 વર્ષીય યુવકનો iPhoneનો આગ્રહ અને ત્યારબાદ EMI ચૂકવવામાં અસમર્થતા પર નિરાશાના કારણે આખા સુખી પરિવારને મૃત્યુ તરફ ધકેલી દીધુ હતું. જેમાં કુણાલ નામના યુવકે iPhone ખરીદ્યો હતો, પરંતુ તેના હપ્તા ફરી શકતો નહોતો. iPhoneના હપ્તા બાબતે ઝગડો થતાં યુવક એક પહાડ પર ચડીને જીદે ચડ્યો હતો. જેમાં આપઘાત કરી રહેલા પુત્રને બચાવવા જતાં પિતા અને પુત્ર ખીણમાં પડ્યા હતા. તેમની પાછળ યુવકની માતાએ પણ મોતને વ્હાલું કર્યું હતું. છત્રપતિ સંભાજીનગર પોલીસના જણાવ્યા અનુસાર, આ મુદ્દા પર કુણાલ અને તેના પરિવાર વચ્ચે વિવાદ થયો હતો, જે આખરે એક મોટી દુર્ઘટનામાં પરિણમ્યો હતો. આ ચોંકાવનારી ઘટના કેમેરામાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.
આપઘાત કરી રહેલા પુત્રને બચાવવા જતાં પિતા ખીણમાં પડ્યા
એક વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે, જ્યારે કુણાલ આત્મહત્યા કરવાની ધમકી આપી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને વિનંતી કરી, "તારી માતા માટે જીવ." તેણે જવાબ આપ્યો, "ના, મારે મરવું પડશે. આ એકમાત્ર રસ્તો બાકી છે." થોડા સમય પછી તેના પિતા મુરલીધર ચાંદગુડે ટેકરીની ટોચ પર ચઢ્યા અને તેને સમજાવવાનો અને તેને પાછો ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ પુત્ર સંઘર્ષ કરી રહ્યો હતો અને અચાનક બંને ટોચ પરથી નીચે પડી ગયા હતા. આ પછી, કુણાલની માતા સંગીતા પણ તેમની પાછળ કૂદી પડી હતી. જેમાં ત્રણેયનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
'અમે તને iPhone 15 Pro અપાવીશું..'
તિસગાંવ ગામના ભૂતપૂર્વ સરપંચ સંજય જાધવ પણ કુણાલ સાથે દલીલ કરવાનો પ્રયાસ કરનારાઓમાં સામેલ હતા. અન્ય લોકોએ તેમને કહ્યું કે, તેઓ તેને iPhone 15 Pro અપાવશે. જાધવે કહ્યું કે, "અમે તેને વિનંતી કરી કે તે તેની માતા વિશે વિચારે અને ન કૂદે. તેને યાદ અપાવ્યું કે તે એક શિક્ષિત યુવક છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. અમે શક્ય તેટલું બધું કર્યું હતું. આ તંગ પરિસ્થિતિ દરમિયાન કુણાલનો એકમાત્ર જવાબ ખભા ઉંચા કરવાનો અને મૃત્યુ જ તેના માટે એકમાત્ર રસ્તો બાકી હોવાની જીદ પકડી હતી."
પોલીસે શું કહ્યું?
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કુણાલે એક iPhone ખરીદ્યો હતો અને તે તેના પરિવાર પાસેથી EMI ચૂકવવા માટે પૈસા માગી રહ્યો હતો. તાજેતરની ચુકવણી અંગે કુણાલની તેના પિતા સાથે ઉગ્ર દલીલ થઈ હતી, જેના પગલે કુણાલ ગુસ્સામાં ઘરેથી નીકળી ગયો હતો અને સવારે 10 વાગ્યાની આસપાસ વાલુજ MIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તીસગાંવમાં એક ટેકરી પર ચઢી ગયો હતો. તેના માતાપિતા ત્યાં તેની પાછળ ગયા અને અન્ય સ્થાનિક લોકો સાથે મળીને તેને નીચે આવવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર હોવા છતાં, સલામતી જાળ કેમ ગોઠવી શકાઈ નહીં તે હાલમાં સ્પષ્ટ નથી.
સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી આ નાટક ચાલ્યું
લગભગ બપોરે 1 વાગ્યાની આસપાસ તણાવપૂર્ણ પરિસ્થિતિ શરૂ થયાના લગભગ ત્રણ કલાક પછી કુણાલના પિતા એ જ ખડકાળ ઢાળ પર ચઢી ગયા જ્યાં તેમનો દીકરો ઊભો હતો. સ્થળ પર પહોંચીને તેમણે તરત જ તેમના દીકરાનો હાથ પકડીને તેને પાછો ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેવામાં કુણાલે પ્રતિકાર કરતાં પિતા અને પુત્ર બંને સંતુલન ગુમાવ્યું હતું અને નીચે ખીણમાં પડ્યા હતા.. પતિ અને દીકરાને પડતા જોઈને આઘાત પામી માતા સંગીતાએ એક પણ ક્ષણનો ખચકાટ કર્યા વિના તે જ ખીણમાં કૂદી પડતાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ
પોલીસે ત્યારબાદ મૃતદેહો કબજે કર્યા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ મામલે વાલુજ MIDC પોલીસ સ્ટેશનમાં આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. કલાકો સુધી ચાલેલી સમજાવટ અને વ્યક્તિને શાંત પાડવાની ઘટના સ્થળે હાજર પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ કેમેરામાં કેદ કરી હતી. આ ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જે દરેકને વિચારમાં મૂકી દે છે. પોલીસે હજુ સુધી કૌટુંબિક વિવાદના સંજોગો અથવા કિશોર ડિપ્રેશનનો સામનો કરી રહ્યો હતો કે કેમ તે અંગે કોઈ વિગતો જાહેર કરી નથી.




