રામ મંદિરમાં દાન ચોરી બાદ CEOની વેકેન્સી જાહેર, જાણો લાયકાત અને પગાર કેટલો મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિર માટે CEOની વેકેન્સી જાહેર કરી છે. ટ્રસ્ટે આ પદ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે, જેઓ મંદિરની દૈનિક કામગીરી અને નાણાકીય વ્યવસ્થાપનની દેખરેખ રાખી શકે.
ટ્રસ્ટ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે CEO પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ સાંજે 4:00 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે.
રામ મંદિર ટ્રસ્ટના CEO બનવા ઇચ્છુક ઉમેદવારો ઈમેઇલ (searchcommittee.srjbt@gmail.com) દ્વારા પોતાની અરજી મોકલી શકે છે. આ પદ માટે પાત્રતા અને યોગ્યતાની શરતો ખૂબ જ કડક રાખવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટના CEO સીધા જનરલ સેક્રેટરીને રિપોર્ટ કરશે. આ ઉપરાંત, અરજદારનો પગાર અને અન્ય સુવિધાઓ વાતચીત બાદ નક્કી કરવામાં આવશે.
ટ્રસ્ટના CEO બનવા માટે જરૂરી લાયકાત
ઉંમર અને અનુભવ
રામ મંદિર ટ્રસ્ટના CEO બનવા માટે ઉમેદવારની ઉંમર 50થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સાથે જ તેમની પાસે કોઈ મોટા જાહેર સંગઠન, સંસ્થા, સરકારી વિભાગ અથવા કંપનીમાં મેનેજમેન્ટની જવાબદારીઓ સંભાળવાનો ઓછામાં ઓછો 20 વર્ષનો અનુભવ હોવો અનિવાર્ય છે.
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછી બેચલર્સ (સ્નાતક) ડિગ્રી હોવી જરૂરી છે.
ધાર્મિક નિષ્ઠા
આ પદ માટે અરજી કરનાર ઉમેદવાર 'સનાતની હિન્દુ' હોવો અનિવાર્ય છે અને તે સક્રિય રીતે પૂજા-પાઠ કરતો હોવો જોઈએ. 'વૈષ્ણવ પરંપરા' સાથે સંબંધ ધરાવતા રામ ભક્તોને સિલેક્શનમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
ભાષાનું જ્ઞાન
ઉમેદવારને હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓનું સારું જ્ઞાન હોવું જોઈએ. કોઈ મંદિર અથવા હિન્દુ ધાર્મિક સંસ્થાના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કામ કરવાનો અનુભવ ધરાવતા નિવૃત્ત અધિકારીઓને વિશેષ અગ્રતા આપવામાં આવશે.
CEOના સિલેક્શન માટે બનાવવામાં આવી કમિટી
ટ્રસ્ટે દાન ચોરીના મામલે યોજાયેલી બેઠક બાદ જ CEOની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો. આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ત્રણ સભ્યોની વિશેષ 'સર્ચ કમિટી'ની રચના કરવામાં આવી છે. આ સર્ચ પેનલમાં નિવૃત્ત જસ્ટિસ પ્રદીપ કોહલી, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાન્ત ચતુર્વેદી અને શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ(શિરડી)ના પૂર્વ અધ્યક્ષ સુરેશ હાવડે સામેલ છે.
ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ આ સમગ્ર પ્રક્રિયાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ સર્ચ પેનલ તમામ અરજદારોની બારીકાઈથી તપાસ કરશે અને યોગ્ય ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેશે. ત્યારબાદ કમિટી અંતિમ પસંદગી માટે ટ્રસ્ટ સમક્ષ ત્રણ સૌથી શ્રેષ્ઠ ઉમેદવારોના નામ પ્રસ્તાવિત કરશે, જેમાંથી કોઈ એકની CEO તરીકે પસંદગી કરવામાં આવશે.









