યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર ચાર્જ મુદ્દે કેન્દ્રની પીછેહઠ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જેન-ઝી બાદ હવે વેપારીઓ સામે સરકાર ઝૂકી
- વેપારીઓને તહેવારોમાં રાહત આપવા એમડીઆર મુદ્દે હવે દિવાળી પછી જાહેરાત કરાશે : એનપીસીઆઈ
- વેપારી સંગઠનો, પેટ્રોલ પંપ એસોસિએશન, સ્ટોક બ્રોકર્સ સહિતના જૂથોના એમડીઆર મુદ્દે તીવ્ર વિરોધની અસર
નવી દિલ્હી : નીટ પેપર લીક મુદ્દે જેન-ઝીના આંદોલનથી ડરી ગયેલી સરકારે તહેવારોની મોસમમાં યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર મુદ્દે વેપારીઓ રસ્તા પર ઉતરે તે પહેલાં જ પીછેહઠ કરી છે. સરકારે ગુરુવારથી રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર વસૂલવામાં આવનારા ૦.૪ ટકા એમડીઆર ચાર્જનો અમલ હાલ મુલતવી રાખવાની મંગળવારે જાહેરાત કરી હતી નવી તારીખની જાહેરાત દિવાળી પછી કરાશે. એનપીસીઆઈએ ગયા મહિને એમડીઆરની જાહેરાત કરી ત્યારથી જ અનેક વેપારી સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો અને સરકારને આંદોલનની ચીમકી આપી હતી. કેટલીક કંપનીઓ તથા વેપારીઓએ યુપીઆઈથી પેમેન્ટ સ્વીકારવાનો ઈનકાર કર્યાનો પણ દાવો કર્યો હતો.
સરકારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ૧૫ ઓક્ટોબરથી લાગુ થનારો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર ચાર્જનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી છે. રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એમડીઆરની વસૂલાત હવે દિવાળી પછી કરાશે તેમ યુપીઆઈ મારફત ટ્રાન્ઝેક્શન્સનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું. જોકે, આ અંગે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરી નથી. દિવાળી પછી તારીખ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
એનપીસીઆઈએ ગયા મહિને એક સરક્યુલર જાહેર કરીને કહ્યું હતું કે, ૧૫ ઓક્ટોબરથી રૂ. ૨,૦૦૦થી વધુના પર્સન-ટુ-મર્ચન્ટ યુપીઆઈ પેમેન્ટ્સ પર ૦.૪ ટકા એમડીઆર વસૂલવામાં આવશે. સર્ક્યુલરમાં રૂ. ૭૫,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૩૦૦ની મર્યાદા મૂકાઈ હતી. આ ચાર્જ ગ્રાહકોએ નહીં પરંતુ વેપારીઓએ આપવો પડશે તેવી પણ એનપીસીઆઈએ જાહેરાત કરી હતી. જોકે, આ સર્ક્યુલરના અમલના બે દિવસ પહેલાં મંગળવારે યુપીઆઈ એન્ડ સર્વિસીસ સ્ટીયરિંગ કમિટિએ નિર્ણય કર્યો હતો કે, તહેવારોની મોસમને જોતા પર્સન ટુ-મર્ચન્ટ (પીટુએમ) યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એમડીઆરને દિવાળી પછી લાગુ કરવા જોઈએ. તહેવારોની મોસમમાં વેપારીઓ માટે આ રાહતના સમાચાર છે. નવરાત્રી, દેશેરા, દિવાળી જેવા તહેવારો વેપારીઓ માટે વેપારની મોટી તક હોય છે. યુપીઆઈ પેમેન્ટ્સ પર એમડીઆરની જાહેરાતના સમયથી વેપારીઓ અને ઉદ્યોગ જગતના એક મોટા વર્ગ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે સીટીઆઈએ એમડીઆરના નિર્ણયને વેપારીઓના ધંધાને નુકસાન પહોંચાડનારો ગણાવ્યો હતો અને તેને પાછો ખેંચવાની માગ કરી હતી.
સૂચિત એમડીઆરનો રિટેલર્સ, પેટ્રોલ પંપ એસોસિએશન, મોટા સ્ટોક બ્રોકર્સે પણ તિવ્ર વિરોધ કર્યો હતો. અનેક વેપારીઓ અને મોટા બ્રોકર્સે એમડીઆરના પગલે યુપીઆઈથી ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટી જવાની અને વેપારીઓ ફરીથી રોકડ પર પાછા ફરશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. એનપીસીઆઈએ કહ્યું હતું કે, તહેવારોની આ મોસમ દેશના વેપારીઓના કારોબાર માટે મોટી તક હોય છે. વેપારીઓના વિરોધને જોતાં તેમની સાનુકૂળતા માટે હાલ એમડીઆરનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. હવે દિવાળી પછી કોઈક તારીખે તેની જાહેરાત કરાશે.
એમડીઆર ચાર્જ નહીં ટેક્સ : વિપક્ષનો આક્ષેપ
યુપીઆઈ પેમેન્ટના એમડીઆર મુદ્દે સરકારનો યુટર્ન પર યુટર્ન : જયરામ
નવી દિલ્હી : યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર મુદ્દે સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસે કેન્દ્ર પર યુટર્ન પર યુટર્ન લેવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, પહેલા નાણાંમંત્રી નિર્મલા સીતારામને ૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ અને ચાર દિવસ પછી સંસદમાં યુપીઆઈ પર એમડીઆર લેવાની સરકારની કોઈ યોજના નથી તેમ કહ્યું હતું. તેમના નિવેદનના એક મહિના પછી ૧૫ સપ્ટેમ્બરે યુ-ટર્ન લેતા યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆરની જાહેરાત કરી હતી. હવે વેપારીઓનો વિરોધ વધતા સરકારે ફરી યુ-ટર્ન લીધો છે અને એમડીઆરની વસૂલાત મુલતવી રાખી છે. આ સાથે વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું હતું કે, સરકાર ભલે દાવો કરે કે એમડીઆર ચાર્જ છે, પરંતુ હકીકતમાં આ સરકાર દ્વારા વસૂલવામાં આવનારો એક પ્રકારનો ટેક્સ જ છે.




