Get The App

ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઇલનું સફળ પરીક્ષણ

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
(ULPGM)-V3 Missile launched from a Drone:


(ULPGM)-V3 Missile launched from a Drone: ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ડ્રોન દ્વારા છોડી શકાય તેવી લક્ષ્યભેદી મિસાઇલ(ULPGM)-V3નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં આવેલા નેશનલ ઓપન એરિયા રેન્જ(NOAR)માં કરવામાં આવ્યું.

આ મિસાઇલ આધુનિક યુદ્ધની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેમાં ઓછામાં ઓછા જોખમે દુશ્મનના ઠેકાણાંનો નાશ કરવાની ક્ષમતા છે. પરીક્ષણ દરમિયાન, મિસાઇલે તેની ગતિ, ચોકસાઈ અને લક્ષ્યભેદી ક્ષમતાનું શાનદાર પ્રદર્શન કર્યું.

મિસાઇલના સફળ પરીક્ષણ બદલ રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા બદલ DRDOને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, 'આ સફળતાના કારણે ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વેગ મળ્યો છે. DRDO એ UAV લોન્ચ્ડ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ (ULPGM)-V3નું ફ્લાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ માટે DRDO, તેમના ઔદ્યોગિક ભાગીદારો, ડેવલપમેન્ટ કોમ્પિટન્ટ પ્રોડક્શન પાર્ટનર્સ, MSME (નાના અને મધ્યમ ઉદ્યોગો) અને સ્ટાર્ટઅપ્સને ખૂબ ખૂબ અભિનંદન. આ સફળતા દર્શાવે છે કે ભારતીય ઉદ્યોગો હવે મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ટેકનીકનું ઉત્પાદન કરવા માટે સક્ષમ છે.' 

ડ્રોનથી લોન્ચ થનારી આ મિસાઇલ આ કારણે છે ખાસ

- ULPGM-V3 વર્ઝન, DRDOની ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી દ્વારા બનાવવામાં આવેલા V2 વેરિઅન્ટનું એક ઍડ્વાન્સ વર્ઝન છે. 

- V2 વેરિઅન્ટમાં ઘણા પ્રકારના વોરહેડ (શસ્ત્રોનો આગળનો ભાગ) લગાવવાની સુવિધા હતી, જ્યારે V3માં વધુ ઍડ્વાન્સ ટૅક્નોલૉજી ઉમેરવામાં આવી છે. જેમ કે, ઇમેજિંગ ઇન્ફ્રારેડ સીકર (લક્ષ્યને શોધનારું સેન્સર) અને ડ્યુઅલ થ્રસ્ટ પ્રોપલ્શન સિસ્ટમ. જેના કારણે તેની રેન્જ અને મારક ક્ષમતા બંનેમાં વધારો થયો છે.

આ પણ વાંચો: ઉલ્લુ, ALT બાલાજી, દેશીફ્લિક્સ અને બિગ શોટ્સ જેવી અનેક એપ સામે સરકારે મૂક્યો પ્રતિબંધ

- ULPGM સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે તે વજનમાં હલકી હોય, ખૂબ જ સચોટ હોય અને અલગ-અલગ પ્રકારના એરક્રાફ્ટ (હવાઈ પ્લેટફોર્મ) સાથે અનુકૂળ થઈ શકે. 

- આ મિસાઇલ ખાસ કરીને માનવરહિત હવાઈ વાહનો એટલે કે UAV (ડ્રોન) દ્વારા લોન્ચ કરી શકાય છે, જેનાથી તે દુશ્મનની નજરથી બચીને ગુપ્ત હુમલા કરી શકે છે.

- આ મિસાઇલ ડ્રોનથી લોન્ચ થતી ત્રીજી પેઢીની સિસ્ટમ છે, જે તેને અગાઉના મોડલ કરતાં વધુ આધુનિક બનાવે છે. 

- ULPGM-V3 માં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ, GPS સ્પૂફિંગ અને લેસર-આધારિત નષ્ટ કરવાની ટેકનિક સામેલ છે, આ સિસ્ટમ ચાર કિલોમીટરની રેન્જમાં જોખમોને ઓળખીને નષ્ટ કરી શકે છે.

ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઇલનું સફળ પરીક્ષણ 2 - image

Tags :