CBSEના પોર્ટલ પર સાયબર એટેક : રી-વેલ્યુએશનમાં 2 મિનિટમાં 15 લાખથી વધુ હિટ્સ, ફાઈલ એક્સેસ કરવાનો પ્રયાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CBSE Revaluation Portal Suffers Cyber Attack : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ના રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરવહીઓના પુનઃમૂલ્યાંકન માટે ઓનલાઈન અરજી કરી રહ્યા છે. આ દરમિયાન બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, પોર્ટલ પર મોટા પાયે સાયબર હુમલાઓ થયા છે, પરંતુ તેમ છતાં સાયબર સુરક્ષા ટીમે તેને નિષ્ફળ બનાવ્યા છે. હજારો વિદ્યાર્થીઓએ કોઈ મોટી પરેશાની વગર પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.
2 મિનિટમાં 1.5 લાખ હિટ્સ સાથે મોટો સાયબર હુમલો
સીબીએસઈના જણાવ્યા અનુસાર, આ પોર્ટલ હાલમાં એક સમયે 8000થી વધુ યુઝર્સને હેન્ડલ કરવા માટે સક્ષમ છે. મંગળવારે બપોરે 3 વાગ્યા સુધીમાં 16000 થી વધુ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પોતાની અરજી સબમિટ કરી ચૂક્યા હતા. પરંતુ, બોર્ડે જણાવ્યું કે, જેમ જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધી, તેમ તેમ કેટલાક તોફાની તત્વોએ પોર્ટલની સેવાઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં થયેલા સાયબર હુમલામાં માત્ર 2 મિનિટની અંદર પોર્ટલ પર અંદાજે 15 લાખ હિટ્સ નોંધાયા હતા. આ સિવાય, 1 લાખથી વધુ વખત અનધિકૃત રીતે પોર્ટલની ફાઈલો સુધી પહોંચવાનો અને ડેટા ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સાયબર સુરક્ષા ટીમ ચોવીસે કલાક સક્રિય
જો કે, આટલા મોટા હુમલા છતાં CBSE ની સાયબર સુરક્ષા ટીમ સતત એક્ટિવ રહી હતી, અને આ હુમલાઓનો સામનો કરીને પોર્ટલની સેવાઓ સામાન્ય રાખવામાં સફળતા મેળવી હતી. બોર્ડનું કહેવું છે કે, વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે તેમની ટેકનિકલ ટીમ ચોવીસ કલાક મોનિટરિંગ કરી રહી છે.
વિદ્યાર્થીઓની સુવિધા માટે પોર્ટલમાં કરાયા સુધારા
વિદ્યાર્થીઓ તરફથી મળેલા ફીડબેકના આધારે બોર્ડે પોર્ટલમાં કેટલાક મહત્વના સુધારા પણ કર્યા છે. આ અંતર્ગત હવે પોર્ટલ પર 'સેશન ટાઈમ લિમિટ' (Session Time Limit) વધારી દેવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને અરજી ફોર્મ ભરવા અને જરૂરી દસ્તાવેજો કે માહિતી અપલોડ કરવા માટે વધુ સમય મળી રહે. આ ફેરફારથી હવે સમગ્ર પ્રક્રિયા પહેલા કરતા ઘણી સરળ બની ગઈ છે. CBSE એ સ્પષ્ટ કર્યું છે કે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને બહેતર અને સુરક્ષિત ડિજિટલ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. બોર્ડે વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપી છે કે, તેમનો તમામ ડેટા અને માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત છે.









