ધોરણ-10-12ની માર્કશીટમાં ભૂલો છે, તો તે સુધારી શકાશે, CBSEએ શરૂ કરી નવી સિસ્ટમ, જાણો પ્રક્રિયા
CBSE News : સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2026માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ માટેની તૈયારીઓ આરંભી દીધી છે. બોર્ડે તમામ સંબંધીત શાળાઓને પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓની સૂચિ (List of Candidates - LOC) તૈયાર કરવા માટે ખાસ નિર્દેશો જારી કર્યા છે.
માર્કશીટ અને સર્ટિફિકેટ ભૂલો સુધારવા નવી સિસ્ટમ
આ સાથે બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં નવી સિસ્ટમની પણ જાહેરાત કરી છે. આ મુજબ હવે વિદ્યાર્થીઓ તેમની માર્કશીટ અને સર્ટિફિકેટમાં રહેલી ભૂલોને સરળતાથી સુધારી શકશે. નવા નિયમ અનુસાર ધોરણ 10 અને 12ની માર્કશીટ તેમજ સર્ટિફિકેટમાં નામ, જન્મતારીખ અને અન્ય વિગતોમાં રહેલી ભૂલોને સુધારવા માટે એક ખાસ સિસ્ટમ લાવવામાં આવી છે.
વિદ્યાર્થીઓને વિગતો તપાસવા સ્લિપ અપાશે
શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની LOC સબમિટ કર્યા બાદ બોર્ડ દ્વારા એક ડેટા વેરિફિકેશન સ્લિપ જારી કરવામાં આવશે. તેમાં વિદ્યાર્થી, તેના માતા-પિતા-વાલીનું નામ, જન્મતારીખ અને પસંદ કરેલા વિષયો જેવી મહત્વપૂર્ણ માહિતી હશે. આ સ્લિપ વિદ્યાર્થીઓને અપાશે, જેથી તેઓ તેમાં રહેલી વિગતો ચકાસી શકશે અને જો કોઈ ભૂલ હોય તો તેનો સુધારો કરાવી શકશે.
જન્મતારીખ સહિતની બાબતોના ભૂલ હશે તો સુધારો કરી શકાશે
જો આ વેરિફિકેશન સ્લિપમાં કોઈ સુધારા હશે તો શાળાએ તેને સુધારવા માટેની વિનંતી બોર્ડને મોકલશે. ત્યારબાદ પરીક્ષા ફોર્મ ભરતી વધતે સુધારા પ્રક્રિયા શરૂ કરાશે. જોકે આ પ્રક્રિયા માત્ર ચોક્કસ સમયગાળા માટે જ ઉપલબ્ધ રહેશે.
ભૂલો સુધારવા માટે તારીખ જાહેર કરાઈ
બોર્ડના પરિપત્રમાં જણાવ્યા મુજબ, ડેટા વેરિફિકેશન સ્લિપમાં સુધારા માટેનો સમયગાળો 13 ઑક્ટોબરથી 27 ઑક્ટોબર સુધીનો રહેશે. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને શાળાઓ ભૂલો સુધારી શકશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે એકવાર આ સમય મર્યાદા સમાપ્ત થઈ ગયા પછી કોઈપણ પ્રકારનો સુધારો સ્વીકારવામાં આવશે નહીં.
આ પણ વાંચો : ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો ટેરિફ મામલે શું કહે છે ‘વર્લ્ડ મીડિયા’