કેન્દ્રીય કેબિનેટે તહેવાર ટાણે નાના દુકાનદારો, ફેરિયાઓ, લારીવાળાને આપી ભેટ, જાણો શું કરી જાહેરાત
PM SVANidhi Scheme : કેન્દ્રીય કેબિનેટની યોજાયેલી બેઠકમાં લાખો નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓને આર્થિક મદદ કરતી યોજના માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને લંબાવીને માર્ચ 2030 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી કુલ 1.15 કરોડ લોકોને સીધો ફાયદો થશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરના નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓને આર્થિક મદદ પૂરી પાડવાનો છે જેથી તેઓ પોતાનો વ્યવસાય સરળતાથી ચલાવી શકે અને આત્મનિર્ભર બની શકે.
1.15 કરોડ લાભાર્થીઓને સીધો લાભ થશે
કેબિનેટ દ્વારા લેવાયેલા નિર્ણયથી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ કુલ 1.15 કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે. યોજનામાં લગભગ 50 લાખ નવા ફેરિયાઓ પણ સામેલ થશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, યોજનામાં સુધારો કરીને તેમાં લોનની રકમ, યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ કેશબેક જેવી નવી સુવિધાઓનો સમાવેશ કરાયો છે. આ નિર્ણયથી નાના વેપારીઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે પ્રોત્સાહિત થશે.
કેશબેક આપવાની પણ જાહેરાત
યોજનામાં નવા ફેરફાર મુજબ, અગાઉ પ્રથમ લોન પેટે રૂપિયા 10,000 અપાતા હતા, જે ઘટાડીને 5,000 કરવામાં આવ્યા છે. જ્યારે બીજી લોનની રકમમાં 5,000 રૂપિયાનો વધારો કરીને 25,000 કરવામાં આવી છે. જ્યારે ત્રીજી લોન 50,000 રૂપિયા યથાવત્ રાખવામાં આવી છે. જે ફેરિયાઓ પોતાની બીજી લોન સમયસર ચૂકવશે, તેમને યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, જેનાથી તેમને વ્યવસાય અને અંગત જરૂરિયાતો માટે તત્કાળ ક્રેડિટ મળી રહેશે. આ ઉપરાંત ડિજિટલ વ્યવહારો પર રૂપિયા 1,600 સુધીનું કેશબેક પણ મળશે.