ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો ટેરિફ મામલે શું કહે છે ‘વર્લ્ડ મીડિયા’
US-India Tariff World Media Reaction : ભારત પર ટેરિફ મામલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વભરમાં ફજેતી થઈ રહી છે. વિશ્વભરના મીડિયાઓએ ભારત-અમેરિકા વચ્ચે ટેરિફનો ઉલ્લેખ કરીને ટ્રમ્પની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે. વાસ્તવમાં ટ્રમ્પે ભારતીય માલસામાન પર ઝિંકેલો વધારાનો 25 ટકા ટેરિફ આજથી લાગુ થઈ ગયો છે. આ સાથે અમેરિકામાં ભારતીય નિકાસો પર કુલ 50% ટેરિફ લાગુ થવા લાગ્યો છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદતું હોવાથી તેમજ ભારતે પાકિસ્તાન સાથે ઘર્ષણનો શ્રેય ન આપતાં ટ્રમ્પ કોપાયમાન થયા છે, જેના કારણે તેમણે ભારત પર આ ટેરિફ ઝિંક્યો છે. ટ્રમ્પનું માનવું છે કે, રશિયા ભારતને ક્રૂડ ઓઇલ વેચીને મેળવેલે નાણા યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં વાપરી રહ્યું છે. અમેરિકા ભારતનો મોટો વેપાર ભાગીદારી હોવાથી ટેરિફ મુદ્દે વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. વિશ્વભરની અનેક મીડિયા ટ્રમ્પના નિર્ણયની આકરી ઝાટકણી કાઢી રહી છે.
ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકાને મોટું નુકસાન થશે : અમેરિકન મીડિયા
અમેરિકન બ્રોડકાસ્ટર સીએનએનએ ભારત પર 50 ટકા ટેરિફના મુદ્દાને હેડલાઇન બનાવી છે. તેણે વિશ્લેષકોને ટાંકીને લખ્યું છે કે, ‘ટેરિફ વિવાદના કારણે અમેરિકાએ ભારત ગુમાવ્યું છે અને તેના ખૂબ જ ગંભીર પરિણામો આવવાના છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના કારણે ટ્રમ્પે ભારત પર ટેરિફ ઝિંક્યો છે, ત્યારે આ બાબત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) માટે પચાવવી ખાસ મુશ્કેલ રહ્યું છે, કારણ કે અમેરિકન પ્રમુખ તરીકેના પ્રથમ કાર્યકાળમાં ટ્રમ્પ-મોદી વચ્ચે ગાઢ સંબંધો હતા. વિશ્લેષકોનું કહેવું છે કે, ભારતને ગુમાવવાથી અમેરિકાને આગામી સમયમાં ખૂબ નુકસાન થવાનું છે.’
‘ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકામાં ભારતીય સામાનોની કિંમતો વધી’
સીએનએન સમાચાર પત્રમાં લખાયું છે કે, ‘રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે (US President Donald Trump) ભારતીય સામાનો પર 50 ટકા ટેરિફ ઝિંક્યો છે, જેના કારણે અમેરિકાના સૌથી મહત્ત્વના વેપાર ભાગીદાર ભારત સાથે તેના સંબંધો મુશ્કેલીમાં પડી ગયા છે. આ પગલાથી અમેરિકામાં ભારતીય સામાનોની કિંમતો વધી ગઈ છે.’
ભારત પર ટેરિફ ઝિંકવાના કારણે અમેરિકાને પણ નુકસાન થઈ રહ્યું છે, જોકે ટ્રમ્પ આ વાત સમજી રહ્યા નથી. સીએનએનએ અમેરિકાના નુકસાન અંગે લખ્યું છે કે, ‘ભારત પર ટેરિફના કારણે અમેરિકન કંપનીઓ અને ગ્રાહકો પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, લેબર માર્કેટની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. હવે ભારતીય સામાનો પર વધુ ટેરિફ વધતા ત્યાં વધુ સ્થિતિ બગડી શકે છે. ભારતે પણ આ મહિનાની શરુઆતમાં કહ્યું હતું કે, તેઓ ટેરિફનો જવાબ આપશે.’
આ પણ વાંચો : ટ્રમ્પનું બેવડું વલણ: ભારત પર ટેરિફ ઝીંકી ખુદ અમેરિકાની રશિયા સાથે સોદાબાજી
જ્યાં સુધી ટ્રમ્પ છે, ત્યાં સુધી સંબંધો સુધરશે નહીં : બ્રિટન મીડિયા
બ્રિટન સમાચાર પત્ર ગાર્ડિયને, ટ્રમ્પના ટેરિફ નિર્ણયને ભારત-અમેરિકા સંબંધોમાં અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન ગણાવવામાં આવ્યું છે. તેણે વરિષ્ઠ ભારતીય વેપારી અધિકારીને ટાંકીને લખ્યું છે કે, ‘ટ્રમ્પે બધું જ ગુમાવી દીધું છે. બંને દેશો એકબીજા પર વિશ્વાસ કરતાં નથી, છતાં બંને મજબૂત રાજદ્વારી સંબંધો ઊભા કરવામાં સફળ થયા હતા. હવે આ સંબંધો ખતરામાં પડી ગયા છે અને હવે સંબંધો સુધારવામાં ઘણો સમય લાગશે. લાગે છે કે, જ્યાં સુધી ટ્રમ્પ છે, ત્યાં સુધી સંબંધો સુધરશે નહીં.’
તેણે વડાપ્રધાન મોદીને ટાંકીને લખ્યું છે કે, ‘મોદીએ કહ્યું છે કે, આપણે બધાએ માત્ર મેડ ઇન ઇન્ડિયા સામાન ખરીદવાના મંત્રનું પાલન કરવું જોઈએ. ટેરિફના કારણે આપણા પર દબાણ વધી શકે છે, પરંતુ આપણે તેને પહોંચી વળશું.’ આ ઉપરાંત બ્રિટનના અનેક બ્રોડકાસ્ટ અને સમાચાર પત્રોમાં ભારત પર ટ્રમ્પના ટેરિફની ટીકા કરવામાં આવી છે.
ભારતના હજારો નાના નિકાસકારો અને નોકરીઓ જોખમમાં : UK મીડિયા
યુનાઇટેડ કિંગડમની સમાચાર એજન્સી રૉયટર્સે લખ્યું છે કે, ‘નવા ટેરિફના કારણે વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્ય ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના હજારો નાના નિકાસકારો અને નોકરીઓ જોખમમાં છે. ભારત-અમેરિકા વચ્ચે પાંચમા તબક્કાની વાતચીત નિષ્ફળ ગયા બાદ બુધવારે ટેરિફ ઝિંકવામાં આવ્યો છે. વાતચીત વખતે ભારતીય અધિકારીઓએ આશા વ્યક્ત કરી હતી કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ટેરિફ 15 ટકા સુધી મર્યાદિત થઈ શકે છે, જે અરિકાના મુખ્ય વેપાર ભાગીદાર દેશ જાપાન, દક્ષિણ કોરિયા, યુરોપીય સંઘ સહિત કેટલાક અન્ય દેશોના સામાન પર લાગુ કરવામાં આવ્યો છે.’
અમેરિકન સેન્સસ બ્યુરોના આંકડા અનુસાર, 2024માં ભારત અને અમેરિકા વચ્ચે કુલ 129 અબજ ડૉલરનો માલસામાનનો વેપાર થયો હતો. આ દરમિયાન ભારતે અમેરિકામાં 45.8 અબજ ડૉલરનો વધુ માલ વેચ્યો હતો, જ્યારે અમેરિકાએ ભારતને તેના કરતાં ઓછો માલ વેચ્યો હતો. આ પરિસ્થિતિ ભારત માટે વેપાર સરપ્લસ અને અમેરિકા માટે વેપાર ખાધ દર્શાવે છે.
અમેરિકાએ નારાજ થઈને ટેરિફ ઝિંક્યો : ચીની મીડિયા
ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે ટેરિફ મામલે લખ્યું છે કે, ‘અમેરિકાનો ભારત પર 25 ટકા ટેરિફ બુધવારથી લાગુ થઈ ગયો છે, ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ભારત પર અમેરિકન ટેરિફ 50 ટકા પર પહોંચી ગયો છે, જે અમેરિકાએ અન્ય દેશો પર ઝિંકેલા સૌથી વધુ ટેરિફમાંથી એક છે. રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના કારણે અમેરિકાએ નારાજ થઈને ટેરિફ ઝિંક્યો છે. અમેરિકા સાથે વાતચીત નિષ્ફળ ગયા બાદ અમેરિકામાં ભારતીય સામાનોની નિકાસમાં ભારે ઘટાડો થયો છે.’
તેણે જર્મનીના સમાચાર પત્રના દાવાનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, ‘ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ચાર વખત ફોન કરીને વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેમણે ટ્રમ્પ સાથે વાત કરવાનો ઇન્કાર કરી દીધો. એવું લાગે છે કે, વધેલા વેપાર વિવાદે પીએમ મોદીને પરેશાન કરી દીધા છે, જેના કારણે તેમણે ટ્રમ્પનો ફોન ઉઠાવવાનો ઇન્કાર કરી દીધો છે.’
ભારતી અર્થતંત્રને મોટું નુકસાન થવાનો ખતરો : કતાર મીડિયા
કતારની સરકારી બ્રોડકાસ્ટ અલજજીરાએ લખ્યું છે કે, ‘ભારે ટેરિફના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થવાનું જોખમ વધ્યું છે, કારણ કે, તેના કારણે અમેરિકા સાથે વેપારમાં અસર પડી શકે છે. ભારતે 2024માં અમેરિકામાં 87 અબજ ડૉલરથી વધુનો સામાન નિકાસ કર્યો હતો. ભારત સરકારે ટ્રમ્પના નિર્ણયને અયોગ્ય ઠેરવી ટીકા કરી છે. મોદી સરકારનું અનુમાન છે કે, ટેરિફના કારણે 48 અબજ ડૉલરથી વધુ કિંમતના ભારતીય સામાનને અસર પડી શકે છે.’